એંજેલી, એડુઅર્ડ (જ. 15 જુલાઈ 1942, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર.
1960માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. આર. સી. એન્ડર્સન હેઠળ કલાનો અભ્યાસ શરૂ કર્યો અને 1965માં કલાનો ડિપ્લોમા મેળવ્યો. 1967માં ઇસ્તંબુલ જઈ તુર્કી સંસ્કૃતિ અને લોકકલાનો અભ્યાસ કર્યો. 1969માં તેઓ ઇસ્તંબુલ અકાદમીના ચિત્રકલાના વ્યાખ્યાતા નિમાયા.
એંજેલી અમૂર્ત ચિત્રો સર્જે છે. તેમણે 1966માં અને 1985માં લિન્ઝ(Lienz)માં, 1976માં તથા 1986માં વિયેનામાં તેમજ 1986માં એલ્ટન્બર્ગમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. હાલમાં તેઓ વિયેનામાં રહી કલાસર્જન કરે છે.
અમિતાભ મડિયા