એંજિનિયર, ફરોખ (જ. 25 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ભારતના ચપળ વિકેટકીપર તથા આક્રમક ઓપનિંગ બૅટ્સમૅન. પારસી કુટુંબમાં જન્મ. મુંબઈની ડૉન બોસ્કો નામની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ. પરંતુ એ શાળામાં ક્રિકેટનું બૅટ ઝાલવાનો પ્રસંગ ન આવ્યો. પુણે ખાતે શિવાજી મિલિટરી સ્કૂલમાં ફરોખને ક્રિકેટના પાઠ શીખવા મળ્યા. શાળાકીય અભ્યાસ પૂરો થતાં માટુંગાની પોદ્દાર કૉમર્સ કૉલેજમાં વાણિજ્યના વધુ અભ્યાસ અર્થે જોડાયા અને પછી તો મુંબઈ યુનિવર્સિટીની આંતરકૉલેજ ક્રિકેટ સ્પર્ધાઓમાં ઝળકવા લાગ્યા.

ફરોખ એંજિનિયર

ફરોખની ચબરાક વિકેટકીપિંગ-શક્તિએ ભારતના એ સમયના પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું અને 1958-59માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ઇન્ડિયન યુનિવર્સિટી ઇલેવનમાં તેમનો સમાવેશ થયો. એ મૅચમાં ફરોખની બૅટિંગ ખૂબ ઝળકી અને 1961-62માં ભારતના પ્રવાસે આવેલા ઈ. આર. ડેક્ષ્ટરની ટીમ સામે કાનપુર ખાતે પહેલી ડિસેમ્બર, 1961ના રોજ બીજી ટેસ્ટમાં 22 વર્ષના ફરોખ એંજિનિયરે બુધિ કુન્દરનના સ્થાને ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે ‘ટેસ્ટ કૅપ’ મેળવી. સુભાષ ગુપ્તેની બૉલિંગમાં ઇંગ્લૅન્ડના ઓપનર પી. ઈ. રીચર્ડસનનો વિકેટ પાછળ કૅચ ઝડપીને ફરોખે તેની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો.

ફરોખે ત્યારબાદ ભારતની ટીમ સાથે 1961-62માં વેસ્ટ ઇન્ડિઝ, 1967માં ઇંગ્લૅન્ડ, 1967-68માં ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડના પ્રવાસો ખેડ્યા હતા અને ભારતના આધારભૂત ઓપનિંગ બૅટ્સમૅન તરીકે અને ચાલાક અને ચબરાક વિકેટકીપર તરીકે નામના મેળવી.

1966માં 13 જાન્યુઆરીએ ચેન્નઈ ખાતે ચેપોક મેદાન પર પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચમી – આખરી ટેસ્ટ મૅચમાં ટેસ્ટના પહેલા જ દિવસે 28 વર્ષના વિકેટકીપર તથા ઓપનિંગ બૅટ્સમૅન ફરોખ એંજિનિયરે લાન્સ ગીબ્ઝ, ચાર્લી ગ્રીફીથ, ગેરી સોબર્સ, વેસ્લી હોલ જેવા વિશ્વવિખ્યાત ગોલંદાજોનો ર્દઢતાપૂર્વક સામનો કરીને લંચ પહેલાં જ સદી નોંધાવવાની સિદ્ધિ મેળવી હતી અને લંચ પહેલાં સદી નોંધાવનાર જૂજ વિશ્વવિખ્યાત બૅટધરોની નામાવલિમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

1971-72માં ઑસ્ટ્રેલિયામાં વિશ્વ ક્રિકેટ ટીમમાં તેમની વિકેટકીપર તરીકે પસંદગી થઈ હતી. 1972-73માં મુંબઈ ખાતે બ્રેબોર્ન સ્ટેડિયમ પર ટોની લુઈસની પ્રવાસી અંગ્રેજી ટીમ સામે પાંચમી ટેસ્ટમાં ફરોખે ઓપનિંગ બૅટ્સમૅન તરીકે શાનદાર સદી ઝળકાવી 121 રન નોંધાવ્યા હતા. આ તેની બીજી ટેસ્ટ સદી હતી.

ફરોખે છેલ્લે 1974માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડયો હતો. 1974-75માં ક્લાઇવ લૉઇડની વેસ્ટ ઇન્ડીઝ ટીમ સામે મુંબઈ ખાતે વાનખેડે સ્ટેડિયમ પર પાંચમી ટેસ્ટમાં રમ્યા પછી પોતાના હાથમોજાં કાયમ માટે તેણે કર્ણાટકના વિકેટકીપર સૈયદ મુસ્તફા કિરમાણીને સોંપી દીધાં હતાં.

1967માં ફરોખને ઇંગ્લૅન્ડની એક કંપનીમાં સારી નોકરી મળવાથી તે ત્યાં જઈ વસ્યા. ત્યાં તે લૅંકેશાયર લીગમાં રમવા લાગ્યા.

1973માં ભારત સરકારે ફરોખ એંજિનિયરનું ‘પદ્મશ્રી’ના ઇલકાબથી સન્માન કર્યું હતું.

ફરોખ એંજિનિયરે 46 ટેસ્ટમૅચોના 87 દાવમાં 3 વાર નૉટઆઉટ રહીને બે સદીઓ (સર્વોચ્ચ 126) સાથે કુલ 2,611 રન નોંધાવ્યા હતા અને 66 કૅચ તથા 16 સ્ટમ્પિંગ સાથે વિકેટ પાછળ સજાગ રહીને 82 શિકાર ઝડપ્યા હતા.

જગદીશ બિનીવાલે