ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરી : ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયામાં આવેલા શહેર કૂનાબરાબ્રાનથી 29 કિમી. અંતરે સાઇડિંગ સ્પ્રિંગ ઑબ્ઝર્વેટરી (ઊંચાઈ, 1165 મી.) પાસે જ, બ્રિટિશ અને ઑસ્ટ્રેલિયન સરકારોના સંયુક્ત ઉપક્રમે ચાલતી ઑબ્ઝર્વેટરી. તેમાં યુ. કે. સાયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા નિર્મિત 122 સેમી. શ્મિટ ટેલિસ્કોપ(f = 183 સેમી.)ને 1973થી કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. તેના વડે દક્ષિણ ગોળાર્ધમાંના ઝાંખા તારાઓનું સર્વેક્ષણ ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. 1974માં આ ઑબ્ઝર્વેટરીમાં 390 સેમી.ના ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ટેલિસ્કોપ(AAT)નું ઉદઘાટન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં એનાથી મોટાં પરાવર્તક ટેલિસ્કોપ ફક્ત ચાર છે.
પ્ર. દી. અંગ્રેજી