એસ્ફોડિલસ : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલિયેસી કુળની એક પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો, એશિયા અને મૅસ્કેરિનના દ્વીપકલ્પોની મૂલનિવાસી છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે.
Asphodelus tenuifolius Cav. (ગુ. ડુંગરો, પં. પ્યાઝી, અં. એસ્ફોડિલ) ટટ્ટાર, અરોમિલ (glabrous) અને એકવર્ષાયુ જાતિ છે. તે ટૂંકી ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. તે ડાંગર કે ઘઉંની લણણી પછી ખાલી ખેતરોમાં ઊગી નીકળતું અપતૃણ (weed) છે અને પશ્ચિમ બંગાળથી શરૂ કરી પશ્ચિમમાં ગુજરાત અને પંજાબનાં મેદાનોમાં થાય છે. તેનાં મૂળપર્ણો (radical leaves), સાદાં 15 સેમી.થી 30 સેમી. લાંબા અને કલગી (raceme) રેખીય હોય છે. તેનું પર્ણાગ્ર અણીદાર હોય છે. પુષ્પવિન્યાસ 49 સેમી.થી 90 સેમી. લાંબા પ્રવૃંત (scape) પરથી શિયાળામાં ઉત્પન્ન થાય છે. પુષ્પ સફેદ હોય છે અને મધ્યમાં રતાશ પડતી બદામી રેખા ધરાવે છે અને ત્રિઅવયવી (trimerous) હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું અને ગોળાકાર હોય છે. તેની કપાટો (valves) ઊંડી કરચલીઓવાળી હોય છે. બીજ ત્રિકોણાકાર હોય છે.
Macrophomina Phaseoli નામની ફૂગ દ્વારા તેને મૂળનો સડો થાય છે.
તે ઘઉંના ખેતરોમાં અને પડતર જમીન પર શિયાળામાં ઊગી નીકળે છે. જો તેને વૃદ્ધિની પ્રારંભિક અવસ્થામાં દૂર કરવામાં ન આવે તો દરેક ઘઉંના ખેતરમાં ડુંગરાના અસંખ્ય છોડ જોવા મળે છે. તેનો અને ઘઉંનો પુષ્પનિર્માણનો સમય લગભગ એક જ હોય છે. ઘઉંની લણણી વખતે સાથે ડુંગરાના છોડ પણ આવી જાય છે અને ઘઉંમાં ડુંગરાનાં બીજ ઉમેરાતાં ઘઉંનું મૂલ્ય ઘટે છે. દુષ્કાળ વખતે તેનાં બીજ ખોરાક તરીકે વાપરવામાં આવે છે.
તેના બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 4.0 %થી 5.6 %, ઇથરનિષ્કર્ષ 21.8 %, નાઇટ્રૉજન મુક્ત નિષ્કર્ષ 30.61 %, અશુદ્ધ પ્રોટીન 15.2 %થી 20.0 %, રેસો 24.0 %, પેન્ટોસન 7.1 %, જલદ્રાવ્ય શ્લેષ્મ 1.2 %, ભસ્મ 2.84 %, P2O5 1.04 % અને કૅલ્શિયમ 0.4 %. પ્રોટીનમાં ફિનિલ એલેનિન, આઇસોલ્યુસિન, એલેનિન, થ્રિયોનિન, સેરાઇન, આર્જિનિન, ગ્લાયસિન, લાયસિન, સિસ્ટાઇન, પ્રોલીન, ટાયરોસિન, ગ્લુટામિક અને એસ્પાર્ટિક ઍસિડ પ્રકારના ઍમિનોઍસિડ હોય છે. બીજમાંથી 17.3 %થી 25.9 % જેટલું મેદીય તેલ મળે છે. અળસીના તેલ સાથે યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી તેનો રંગકામ અને વાર્નિશમાં ઉપયોગ થઈ શકે છે. તેલ-સાબુ બનાવવામાં પણ તે ઉપયોગી છે. તેનો ખોળ ઢોરોના ખાણ તરીકે કે ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
તેલનો ચિકિત્સાવિજ્ઞાનમાં ઉપયોગ થાય છે. તેમાં લિનોલિક ઍસિડનું પ્રમાણ વધારે હોવાથી ધમનીકાઠિન્ય (atherosclerosis) અટકાવી શકાય છે. બીજ મૂત્રલ (diuretic) હોય છે. તે ચાંદાંઓ અને સોજાવાળા ભાગો પર લગાડવામાં આવે છે.
ડુંગરો મધનો પણ સ્રોત છે, કારણ કે મધમાખીની ત્રણેય જાતિઓ માટે તે પરાગરજ ઉત્પન્ન કરે છે.
મીનુ પરબિયા
બળદેવભાઈ પટેલ