એસ્ટેટાઇન : આવર્તક કોષ્ટકના હેલોજન સમૂહ તરીકે ઓળખાતા 17મા (અગાઉના VII B) સમૂહનું પાંચમું (છેલ્લું) અને સૌથી ભારે રાસાયણિક તત્વ. સંજ્ઞા At. 1940માં કૅલિફૉર્નિયા વિશ્વવિદ્યાલયના ડી. આર. કૉર્સન, કે. આર. મૅકેન્ઝી અને ઇ. સેગ્રેએ સાઇક્લોટ્રોનમાં બિસ્મથ ઉપર α-કણોનો મારો ચલાવીને આ તત્વનો 211At સમસ્થાનિક સૌપ્રથમ મેળવ્યો હતો.
ગ્રીક શબ્દ ‘astatos’ (= અસ્થાયી) ઉપરથી તત્વને ‘એસ્ટેટાઇન’ નામ આપવામાં આવેલું. તે પછી તો આ તત્વના 27 જેટલા (194Atથી 220At) સમસ્થાનિકો પારખવામાં આવ્યા છે. આમાં સૌથી ઓછા અસ્થાયી સમસ્થાનિક(210At)નો અર્ધઆયુષ્ય સમય 8.1 કલાકનો છે.
એમ માનવામાં આવે છે કે પૃથ્વીના પોપડાનો સૌથી બહારનો 1 કિમી. જેટલો ભાગ 44 મિગ્રા. At ધરાવે છે (પોપડામાં કુલ જથ્થો 28 ગ્રા.થી ઓછો). તેની સરખામણીમાં ફ્રાન્સિયમ (Fr) 15 ગ્રા., પોલોનિયમ 2,500 ટન જ્યારે ઍક્ટિનિયમ 7,000 ટન હોવાનું ગણાય છે.
એસ્ટેટાઇન વિકિરણધર્મી અને ઓછા અર્ધઆયુવાળું તત્ત્વ હોવાથી તેને વજન કરી શકાય તેટલા જથ્થામાં મેળવવું શક્ય નથી. આથી તેના જથ્થારૂપ (bulk) ભૌતિક ગુણધર્મો જાણીતા નથી. તેનો પરમાણુક્રમાંક 85, ઇલેક્ટ્રૉનવિન્યાસ [Xe]4f145d106s26p5, તથા પરમાણુભાર (210) છે. અન્ય ગુણધર્મોમાં ગ.બિં. 3020 સે., ઉ.બિં. 3370 સે., આયનીકરણ-ઊર્જા 926 કિ.જૂ. મોલ–1, તથા ઇલેક્ટ્રૉન-મમતા (electron affinity) 270 કિ.જૂ. મોલ–1 હોવાનું માનવામાં આવે છે.
એસ્ટેટાઇનનો સૌથી ઓછો અસ્થાયી સમસ્થાનિક (210At) 2 ક્યુરી પ્રતિ માઇક્રોગ્રામ (mg) જેટલી વિશિષ્ટ સક્રિયતા ધરાવે છે (7 x 1010 વિખંડન પ્રતિ સેકન્ડ પ્રતિ mg). એસ્ટેટાઇનનું બાષ્પદબાણ મર્ક્યુરી જેવું લગભગ હોવું જોઈએ તેમ મનાય છે. કાચના પાત્રમાં શૂન્યાવકાશમાં તેનું નિસ્યંદન કરી શકાય છે અને શુષ્ક બરફ (ઘન CO2) વડે ઠંડી કરેલી ટ્રૅપ(trap)માં તેનું સંઘનન કરી શકાય છે. હાલ વધુમાં વધુ 0.05 mg જેટલો જથ્થો પ્રાપ્ત થયો હોવાથી તેના રાસાયણિક ગુણધર્મો પણ 10–11થી 10–15 M જેટલી સાંદ્રતાએ ટ્રેસર ટેકનિક દ્વારા જાણી શકાયાં છે. સૌથી વધુ સાંદ્ર જલીય દ્રાવણો પણ ~10–8M સંકેન્દ્રિતતાવાળાં હતાં.
અન્ય હલકાં હેલોજનોની માફક એસ્ટેટાઇન પણ પાણીની સરખામણીમાં કાર્બનિક દ્રાવકોમાં વધુ દ્રાવ્ય છે. આથી જલીય દ્રાવણોમાંથી વિવિધ હાઇડ્રોકાર્બનો, હેલોકાર્બનો અને ઈથર દ્વારા તેનું નિષ્કર્ષણ કરી શકાય છે.
આયોડિનની માફક At પણ વિભિન્ન સપાટીઓ પર અધિશોષણ પામવાની વૃત્તિ ધરાવે છે. ટેલ્યુરિયમ, સિલ્વર અને પ્લૅટિનમ તેના સારા અધિશોષકો છે.
એસ્ટેટાઇનનો રાસાયણિક અભ્યાસ 211At (t = 7.21 કલાક) વાપરીને થઈ શકે છે. ટ્રેસર અભ્યાસ માટે પણ આ સમસ્થાનિક વપરાય છે. તત્વની પાંચ ઉપચયન (oxidation) અવસ્થાઓ જાણી શકાઈ છે (-I, O, + I, V, VII) અને એક વધુ (III) પણ હોવાનું મનાય છે. 0.1M ઍસિડ દ્રાવણમાં આ અવસ્થાઓને સાંકળી લેતાં માનક-ઉપચયન વિભવ [E0 (વૉલ્ટ)] આ પ્રમાણે છે :
હવે તો એસ્ટેટાઇનનાં HAt, CH3At, AtI, AtBr અને AtCl જેવાં સંયોજનો દળ-સ્પેક્ટ્રોમિટર વડે પારખી શકાયાં છે. આ જ ટેકનિક વડે તેનાં C6H5At, HOC6H4At, p-AtC6H4COOH, p-AtC6H4SO3H, At(C5H5N)2ClO4 અને At(C5H5N)2NO3 જેવાં કાર્બનિક સંયોજનો પણ જાણવા મળ્યાં છે.
જલીય દ્રાવણમાં એસ્ટેટાઇન આયોડિનને મળતું આવે છે. દ્રાવણમાં રહેલા આ તત્વનું સલ્ફર ડાયૉક્સાઇડ જેવા અપચાયકો વડે અપચયન જ્યારે બ્રોમીન વડે ઉપચયન કરી શકાય છે. અન્ય હેલોજનો કરતાં તે વધુ ધનવિદ્યુતીય છે.
એસ્ટેટાઇડ આયન At– (જે AgI, TlI, PtI2 અથવા PdI2 સાથે સહઅવક્ષેપિત થાય છે.) At(0) અથવા AtIમાંથી Zn/H+, SO2, /OH–, [Fe(CN)6]4– અથવા AsIII જેવા સાધારણ શક્તિશાળી અપચાયકો દ્વારા મેળવી શકાય છે. CeIV, NaBiO3, , જેવા શક્તિશાળી ઉપચાયકો At(0)ને સીધા માં ફેરવે છે. 1970માં USSRમાં વી. એ. ખાલ્કિન અને સાથીઓએ ગરમ NaOH દ્રાવણમાં pH ≈ 10 મૂલ્યે ઘન XeF2 વાપરી પરએસ્ટેટેટ આયન () બનાવ્યો હતો.
આ ઉપરાંત વિમર્ક્યુરિયેશન (demercuriation) પ્રક્રિયાઓ દ્વારા ઍરોમેટિક ઍમિનો-ઍસિડો, સ્ટિરોઇડ સંયોજન, ઇમિડાઝોલ સંયોજનો (imidazols) વગેરે સંકીર્ણ સંયોજનો પણ બનાવી શકાયાં છે. આ સંશોધનનો આશય રોગનિવારક (therapeutic) ઉપયોગ માટેના જૈવિક રીતે સક્રિય પદાર્થોમાં 211At દાખલ કરવાનો છે. At– તરીકે તેને અંત:ક્ષેપિત કરવામાં આવે તો તે થાઇરૉઇડ ગ્રંથિમાં સંકેન્દ્રિત થાય છે તથા અસામાન્ય થાઇરૉઇડ પેશીના નાશ માટે રેડિયો-આયોડિન કરતાં એસ્ટેટાઇન વધુ સારું માલૂમ પડ્યું છે. પણ સામાન્ય રીતે આ તત્ત્વની અપ્રાપ્યતા અને ઊંચી કિંમત તેના ઉપયોગમાં બાધારૂપ છે.
પ્રવીણસાગર સત્યપંથી
જ. દા. તલાટી