ઍલોકેસિયા : એકદળી વર્ગમાં આવેલ એરેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય એશિયા, મલેશિયા અને પૅસિફિકમાં થયેલું છે. તેમનો મુખ્યત્વે ખાદ્ય, ઔષધ અને શોભન-જાતિઓ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે.
ઍલોકેસિયા કૅલેડિયમ અને કોલોકેસિયા સાથે ગાઢ સામ્ય ધરાવે છે. સુંદર પર્ણસમૂહ ધરાવતી વનસ્પતિઓમાં તે ઉચ્ચ સ્થાન ધરાવે છે અને સંરક્ષણ-શાળાઓ (conservatories) કે વનસ્પતિ-ગૃહો (plant houses) અને વરંડાના સુશોભન માટે અત્યંત ઉપયોગી છે. તેની ઘણી જાતિઓનાં પર્ણો ભાલાકાર, મોટાં અને રંગીન હોય છે અને ધાત્વિક રંગછટાઓ(metallic hues)વાળી બહુવર્ણતા (variegation) ધરાવે છે. અન્ય જાતિઓમાં લીલી શિરાઓવાળાં, કર્બુરિત (mottled) અને છત્રાકાર (peltate) પર્ણો હોય છે. ઘણી જાતિઓમાં પર્ણની નીચેની સપાટી ઉપરની સપાટી કરતાં સામાન્યત: ભિન્ન હોય છે. તેના પર્ણદંડો સુંદર ચિહનો કે ટપકાંઓવાળા હોય છે. તેનું વાવેતર ખૂબ સહેલાઈથી થઈ શકે છે અને ખુલ્લી અને સારા નિતારવાળી મૃદામાં સૌથી સારી રીતે થાય છે. સરખા પ્રમાણમાં લેવામાં આવેલ પર્ણ-ખાતર (leaf mould) અને રેતી, બે ભાગ જૂનો ચૂર્ણલેપ (mortar) કે કાંકરેટ અને થોડીક બગીચાની ગોરાડુ માટી ભેળવવાથી બનતી મૃદા અત્યંત અનુકૂળ ગણાય છે. જલનિકાસ (drainage) પૂર્ણપણે થવો જરૂરી છે. તેમનું પ્રસર્જન કંદ(tuber)ના કે પ્રકાંડના કટકાઓ દ્વારા કરવામાં આવે છે. તેમની વૃદ્ધિ માટે છાંયડો અને ભેજ જરૂરી છે. ઉનાળા અને ચોમાસામાં પાણી વધારે જોઈએ છે, પરંતુ શિયાળામાં વધારે પાણી મળે તો ભૂમિગત પ્રકાંડ કોહવાઈ જાય છે.
Alocasia metallica Hook. (બદામી રંગછટાવાળાં જાંબલી પર્ણો), A. lowii Hook. (જેતૂન – લીલી રંગછટાવાળાં જાંબલી પર્ણો) અને A. cuprea Koch. (ઘેરાં ધાત્વિક-લીલાં પર્ણો, વધારે ઘેરી શિરાઓ અને નીચેની સપાટી અતિશય જાંબલી) મહત્વની શોભન-જાતિઓ છે અને ઉદ્યાનોમાં તેમની વિવિધ સંકર કે વરિત (selected) જાતો ઉછેરવામાં આવે છે.
A. macrorrhiza (Linn.) G. Don. Syn. A. indica (Lour.) spach. (બં. મંકાચુ, હિં. મંકાન્ડા, મ. આલુ, સં. હસ્તિકર્ણી, મલા. મારામ્બુ, અં. જાયન્ટ ટારો) ખડતલ, બહુવર્ષાયુ. 5 મી. સુધીની ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને સમગ્ર ભારતમાં ઉગાડવામાં આવે છે. તેના હવાઈ (aerial) પ્રકાંડ મજબૂત અને બે મીટર કે તેથી વધારે લાંબા હોય છે. પર્ણદલ (leaf blade) 60 સેમી.થી 1.0 મી. લાંબાં, ટટ્ટાર કે પ્રસારિત, અંડાકાર (ovate) કે બાણાકાર (sagitate) હોય છે. પર્ણદંડો 1.35 મી. લાંબા અને આવરક (sheathing) હોય છે. પુષ્પો સુગંધિત એકલિંગી, એકસદની (monoecious) અને પરિદલપત્રવિહીન હોય છે અને માંસલ શૂકી(spodix)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પૃથુપર્ણ (spathe) 23 સેમી. લાંબું હોય છે અને 30 સેમી. લાંબા પુષ્પવિન્યાસદંડ (peduncle) ઉપર આવેલું હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું હોય છે અને 0.75 સેમી.થી 1.0 સેમી. વ્યાસ ધરાવે છે.
આ જાતિ તેના કંદો માટે આસામ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે. ડિસેમ્બરથી માર્ચમાં તેના કંદોનું વાવેતર કરવામાં આવે છે. ઍમોનિયમ સલ્ફેટ, મગફળીનો ખોળ અને છાણિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવે છે અને ટૂંકા સમયાંતરે પિયત આપવામાં આવે છે. પાકની લણણીના ત્રણથી ચાર અઠવાડિયાં પહેલાં પાણી આપવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે. જૂનથી ઑગસ્ટ દરમિયાન લણણી કરવામાં આવે છે. પ્રતિહેક્ટરે 16,500 કિગ્રા.થી 22,000 કિગ્રા. જેટલું કંદોનું ઉત્પાદન થાય છે.
આ પાકને કેટલાક કીટકો અને ફૂગ રોગ લાગુ પાડે છે, જોકે આ રોગ ખૂબ ગંભીર હોતા નથી. તે ઇતરડી (Eutetranychus orientalis) અને જાલપંખ (lacewing) માંકડ(Stephanitis typicus)ની પોષિતા વનસ્પતિ છે. પાનખાઉ ઇયળ (Prodenia litura) પણ તેના ઉપર થાય છે. 50 % BHCના છંટકાવ દ્વારા આ કીટકોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
કંદ, પ્રકાંડ અને પર્ણદંડો કઢી સાથે ખાવામાં આવે છે. કૅલ્શિયમ ઑક્સેલેટના સ્ફટિકો અને હાઇડ્રૉસાયનિક ઍસિડ દૂર કર્યા પછી તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેના એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ (શુષ્ક વજનને આધારે) આ પ્રમાણે છે : પ્રોટીન 10.7 %, લિપિડ 2.35 %, રેસો 9.5 %, અપચાયક (reducing) શર્કરા 1.66 %, સ્ટાર્ચ 68.51 %, ભસ્મ 5.8 %, Na2O અતિઅલ્પ, K2O 2.91 %, ફૉસ્ફરસ 0.14 %, લોહ 0.009 % અને કૅલ્શિયમ 0.31 %. તેના કંદમાં પાણી 8.25 %, સ્ટાર્ચ 46.35 %, નાઇટ્રોજન 13.16 % અને ભસ્મ 8.92 % હોય છે. તે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, કૅમ્પેસ્ટૅરોલ, b-સિટોસ્ટૅરોલ, કૉલેસ્ટૅરોલ અને ફાઇટોસ્ટૅરોલ જેવું સંયોજન (0.7 %), આલ્કેલૉઇડ, ટ્રિપ્સિન અને કાઇમોટ્રિપ્સિન અવરોધક ધરાવે છે. પ્રકાંડમાં 18.8 % સ્ટાર્ચ હોય છે. પર્ણો પ્રોટીનનો સારો સ્રોત ગણાય છે.
કંદ સુગંધિત, તીખો, શીતળ હોય છે અને શોથ(inflam-mation)માં અને ઉદર તેમજ બરોળના રોગોમાં ઉપયોગી થાય છે. ઉકાળ્યા પછી તે મંદ રેચક અને મૂત્રલ (diuretic) તરીકે અને મસામાં ઉપયોગમાં લેવાય છે. શુષ્ક કંદનો લોટ ચોખાના લોટ સાથે મિશ્ર કરી ઉકાળવામાં આવે છે. બધું પાણી ઊડી ગયા પછી તે સર્વાંગશોફ(anasarca)માં આપવામાં આવે છે. પર્ણો સ્તંભક (styptic) અને સંકોચક (astringent) હોય છે. પર્ણોનો રસ બાળકોને કર્ણસ્રાવ (otorrhoea) થાય તો કાનમાં નાખવામાં આવે છે.
પુષ્પવિન્યાસમાં લ્યુસિન, α-એલેનિન, પ્રોલિન, ગ્લુટામિક ઍસિડ, ગ્લાયસિન, વૅલાઇન, એસ્પાર્ટિક ઍસિડ, r-ઍમિનોબ્યુટિરિક ઍસિડ, થ્રિયૉનિન અને સેરાઇન નામના ઍમિનો-ઍસિડો હોય છે. તે અલ્પ પ્રમાણમાં લાયસિન, સિસ્ટિન, આર્જિનિન, હિસ્ટિડિન, ફિનિલ ઍલેનિન, ટાયરોસિન, ગ્લુટેમાઇન અને ઍસ્પર્જિન ધરાવે છે. પુષ્પવિન્યાસના અન્ય ઘટકોમાં સાઇટ્રિક, મૅલિક, સક્સિનિક અને ઍસ્કોર્બિક ઍસિડ અને ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝનો સમાવેશ થાય છે.
જાયન્ટ ટારોનો કડવો રસ મોટા વીંછુડા(Laportea gigas Wedd.)ના દંશ પર લગાવતાં તરત આરામ મળે છે. જાવામાં ચીરેલાં મૂળ અને પર્ણો રક્તિમાકર (rubefacient) તરીકે વપરાય છે. પર્ણો અર્બુદ (tumor) વિરુદ્ધ ઉપયોગી છે. પર્ણદંડો દાંતના દુખાવામાં અને તેમનો રસ કફમાં અપાય છે. પ્રકાંડનો રસ કાનમાં દુખાવો થાય ત્યારે નાખવામાં આવે છે.
તરુણ પર્ણો 0.018 % હાઇડ્રોજન સાયનાઇડ અને ટ્રાઇગ્લોચિનિન અને આઇસોટ્રાઇગ્લોચિનિનનું મિશ્રણ ધરાવે છે. પર્ણો, પર્ણદંડો, કંદ અને મૂળમાં દ્રાવ્ય ઑક્સેલેટની ઊંચી સાંદ્રતા હોય છે અને ખોરાકમાં તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કૅલ્શિયમની ન્યૂનતા ઉત્પન્ન થાય છે અને ઑક્સેલ્યુરિયા (oxaluria) થાય છે. ગાંઠામૂળી સિવાયના વનસ્પતિના બધા ભાગો સાયનોજેનિક ઘટક ધરાવે છે. ટ્રાઇગ્લોચિનિનના જલાપઘટન માટે અત્યંત વિશિષ્ટ એવો β-ગ્લુકોસાઇડેઝસ નામનો ઉત્સેચક વનસ્પતિમાંથી પ્રાપ્ત થયો છે. પર્ણો તાટ કે મોટી થાળીઓની જેમ ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં વવાતી અન્ય જાતિઓમાં – A. acuminata Schott અને A. cucullata (Lour.) G. Donનાં પર્ણો અને કંદો શાકભાજી માટે વાવવામાં આવે છે. A. montana (Roxb.) Schottનાં મૂળ વાઘને ઝેર આપવા માટે વપરાય છે અને A. fornicata (Roxb.) Schott ઔષધ-વનસ્પતિ છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ