એલીપથ્યામ્ (Red Trap) : રાષ્ટ્રીય ચલચિત્ર સ્પર્ધા(1982)માં શ્રેષ્ઠ સિનેકૃતિનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ ચિત્રપટ. શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ માટેનો પણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને દાયકાની એક મહત્વની સિનેકૃતિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર આ ચલચિત્ર 1983માં દિલ્હી ખાતે યોજાયેલ નવમા આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં પૅનોરમા વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેના દિગ્દર્શક અદૂર ગોપાલકૃષ્ણનના કથન મુજબ તેમનાં અગાઉનાં બે ચલચિત્રો ‘સ્વયંવરમ્’ (1972) અને ‘કોડિયાટ્ટમ’(1977)ની સરખામણીમાં આ ત્રીજી કૃતિ સવિશેષ રીતે આત્મકથાત્મક તત્વો ધરાવે છે.
કથા, પટકથા તથા દિગ્દર્શન : અદૂર ગોપાલકૃષ્ણન; ધ્વનિમુદ્રણ; દેવદાસ; અભિનય : કર્મણા, શારદા, જલજા, રાજમ કે. નાય્યર; નિર્માતા : ટી. સી. શંકર.
નષ્ટ થતી સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતો, અન્યની મહેનતમજૂરીનાં ફળ પામીને જીવન વ્યતીત કરતો, આધેડ ઉંમરે પહોંચેલો ઊન્ની એક સંયુક્ત પરિવારનો વડો છે. તે જે સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તે હવે અપ્રસ્તુત સાબિત થઈ ગઈ છે. જીવન પ્રત્યેનું તેનું વલણ બિનઉપયોગી પુરવાર થયું છે. તે ઝડપભેર બદલાતા જતા જીવનમાં તેને નિરર્થક સાબિત કરતું જાય છે. તેની ત્રણ બહેનોમાં જનમ્માં સૌથી મોટી, પોતાના હક્કની આગ્રહી, ત્રણ સંતાનોની માતા છે. મિલકતમાં તે પોતાનો ભાગ માગે છે. વચલી અપરિણીત રાજમ્મા આજ્ઞાંકિત, લઘુતાગ્રંથિથી પીડાતી, પોતાની જાતને ઉતારી પાડવાનું વલણ ધરાવતી હોઈ મોટાભાઈ પરના બાલિશ પ્રકારના અવલંબનથી ટેવાઈ ગઈ છે. તે તેના ભાઈનાં અપ્રસ્તુત મૂલ્યો અને અસંવેદનશીલ વલણોનો ભોગ બનેલી છે. નાની શ્રીદેવી બહારની આજની દુનિયાના સંપર્કમાં આવેલી છે, તે સહેજ વિરોધી વલણ ધરાવતી અને વ્યવહારુ છે.
વારસામાં મળેલી જમીનદારી, જડ અને સડી ગયેલી સંયુક્ત પરિવારપ્રથા તથા તૂટતી જતી માતૃસત્તાક કુટુંબવ્યવસ્થાનો ભોગ બનેલો ઊન્ની નિ:સત્વ ભૂતકાળ અને વિષમ વર્તમાન વચ્ચે જકડાઈ જાય છે. કુટુંબની મિલકતના ભાગ પડે છે. જીવનમાં ખાલીપણું તેમજ અપરાધભાવ અનુભવી રહેલો ઊન્ની અંતે નિરાશામય અને એકાકી જીવન વિતાવતો ધીરે ધીરે મનોવિભ્રમ(paranoia)માં સરી પડે છે.
ઉષાકાન્ત મહેતા