ઍલિસીઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ (1865)

January, 2004

ઍલિસીઝ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ (1865) : બાળકો માટેની સાહસકથા. ‘લૂઇ કેરોલ’ તખલ્લુસધારી અને ઑક્સફર્ડના ગણિતશાસ્ત્રી ચાર્લ્સ લુટવિજ ડૉજસને (1832-1898) ઍલિસ લિકેલ નામની બાલિકાને કહેલી અને પછીથી લખેલી નવલકથા. બાળકો તેમજ પ્રૌઢોને તે અત્યંત આનંદદાયી વાચન પૂરું પાડે છે. આ નવલકથાના અનુસંધાનમાં ‘થ્રૂ ધ લુકિંગ ગ્લાસ ઍન્ડ વૉટ એલિસ ફાઉન્ડ ધેર’ લખાયેલ છે. દુનિયાની અનેક ભાષાઓમાં આ નવલકથાનાં ભાષાંતરો થયાં છે. સૌથી વધુ પ્રસાર પામેલાં બાલભોગ્ય પુસ્તકોમાં તેનું સ્થાન છે.

આ વાર્તાનાં પાત્રો છે (1) ઍલિસ-વિક્ટોરિયન યુગની સારી રીતભાતવાળી જિજ્ઞાસુ બાલિકા, (2) સફેદ સસલું, (3) ડચેસ (અત્યંત કુરૂપ પ્રાણી), (4) ‘લાલની રાણી’ જે વારંવાર ‘તેનું માથું ઉડાવી દો’ એવું કહે છે, (5) ચેશાયરની બિલાડી, (6) ધ મૅડ હેટ્ટર – ગાંડાઓની ચાપાણી – પાર્ટીના યજમાન.

એક ઉનાળાની બપોરે ઍલિસ એક પુસ્તક વાંચતી નિદ્રાવશ થાય છે અને સ્વપ્નામાં તે એક સસલાને ઉજાણી માટેના પહેરવેશમાં જુએ છે. સસલું ગજવામાંથી ઘડિયાળ કાઢી જોતાં મોડા પડવાની ચિંતામાં છે. સસલું દોડતું જાય છે અને કુતૂહલવશ ઍલિસ તેનો પીછો પકડે છે. તે એક દરમાં નીચે જતાં જતાં અનેક દરવાજે તાળાં લગાવેલા એક ખંડ આગળ આવે છે. કાચના ટેબલ પર પડેલી સોનાની ચાવીથી ઍલિસ સૌથી નાનું દ્વાર ખોલે છે. એક ટેબલ પર ‘મને પીઓ’ નામની બાટલી છે. તેમાંનું પીણું પીતાં તે ફક્ત દસ ઇંચની બની જાય છે. આગળ જતાં બીજા ટેબલ પર એક થાળી છે. તેમાં ‘મને ખાવ’ નામનો ખોરાક છે. તે ખાતાં દસ ઇંચની ઍલિસ નવ ફૂટ ઊંચી થઈ જાય છે. આમ વાત આગળ ચાલે છે. અંતે ‘લાલની રાણી’ (ગંજીફાનું જીવંત પત્તું) ઍલિસનું માથું ઉડાવી દેવા ચીસ પાડે છે ત્યારે ઍલિસ કહે છે : ‘તારી કોણ પરવા કરે છે, તું તો ગંજીફાનું પત્તું છે.’ આ સાંભળી ગંજીફાનાં પત્તાં તેની ચારે બાજુ ઊડવા લાગે છે. ઍલિસ ચીસ પાડી જાગી જાય છે ત્યારે પોતાના મોં પર સૂકાં પાન પડેલાં જુએ છે. તેની બહેન તેને હચમચાવી કહે છે; ‘તું તો બધો વખત સૂતી હતી’. આમ સ્વપ્નામાં ઍલિસ અજાયબ દેશની યાત્રામાં ખૂબ અજાયબ અનુભવો કરે છે. આ નવલકથા મનોરંજક અને લોકપ્રિય છે. ઍલિસ નામની બાળકીને દરિયાઈ મોજ-પ્રવાસ દરમિયાન આ વાર્તા કહેવાઈ છે. તે ઑક્સફર્ડ કૉલેજના વડા હેન્રી જ્યૉર્જ લિડલની પુત્રી હતી.

મહારાણી વિક્ટોરિયાએ આ પુસ્તક વાંચ્યું અને ખુશ થઈ લેખકને તેમની બીજી કૃતિઓ મોકલી આપવા જણાવ્યું. લેખકે તેમનાં ગણિતશાસ્ત્રનાં પુસ્તકો મોકલ્યાં. બાળસાહિત્યની ર્દષ્ટિએ તેનું વિશેષ મહત્વ અને અસર એ રીતે જોવાયાં છે કે તે સમયની પ્રચલિત બોધ અને ઉપદેશલક્ષી શૈલીને બદલે આમાં હાસ્ય-રમૂજ અને ઉપહાસનો અભિગમ છે.

કૃષ્ણવદન જેટલી