એલિસન, રાલ્ફ (વાલ્ડો) (જ. 11 માર્ચ 1914, ઑક્લોહોમા, યુ. એસ.; અ. 16 એપ્રિલ 1994, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્ર્વેત સાહિત્યકાર. તેમણે 1933-1936 સુધી ટસ્કેજી સંસ્થામાં શિક્ષણ લીધું અને સંગીતકારની કારકિર્દી માટે તૈયારી કરી, પરંતુ સાહિત્યના વાચને તેમને સાહિત્યસર્જન કરવા પ્રેર્યા. 1936માં તે ન્યૂયૉર્ક નગરના બીજા અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટને મળ્યા અને ‘ફેડરલ રાઇટર્સ પ્રૉજેક્ટ’ સાથે સંકળાયા. તેમણે ‘ધ ઇનવિઝિબલ મૅન’ (1952) નામની એક જ નવલકથા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. રાલ્ફ એલિસનને આ નવલકથા માટે 1953માં નૅશનલ બુક એવૉર્ડ અર્પણ થયો હતો.

રાલ્ફ એલિસન (વાલ્ડો)

આ નવલકથાનો નાયક દક્ષિણ બાજુનો અશ્વેત છે. તે અશ્વેતોની વસાહત હાર્લેમમાં જઈ ત્યાં ગોરા લોકોના જુલ્મો સામે પ્રતિકાર કરે છે છતાં અંતમાં તે અશ્વેત લોકો જ તેને અવગણે છે. લેખકના જીવન વિશે તેમના નિબંધસંગ્રહ – ‘શૅડો ઍન્ડ ઍક્ટ’ (1964) દ્વારા વધુ જાણી શકાય છે. તેમણે બૂટપૉલિશ કરનાર, સંગીતકાર અને અખબારી ફોટોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. અમેરિકાના ગુલામોના વંશજ આફ્રિકન હબસીઓની સંસ્કૃતિ, તેમનું લોકસાહિત્ય, તેમનું સર્જનાત્મક લેખન વગેરે વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં અને અમેરિકાની અનેક કૉલેજોમાં અને વિદ્યાપીઠોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1970થી તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આલ્બર્ટ સ્વાઇત્ઝર પ્રોફેસર તરીકે માનવવિદ્યાઓનું અધ્યાપન કર્યું. તેમના લેખન પર રશિયન લેખક દોસ્તોવસ્કી, ફ્રેચ લેખક આન્દ્રે માલરો અને અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટનો પ્રભાવ છે. તેમનો નિબંધસંગ્રહ ‘ગૉઇંગ ટુ ધ ટેરીટરી’ 1966માં અને ટૂંકી વાર્તા ‘ફ્લાઇંગ હોમ’ (1996) મરણોત્તર પ્રકાશન છે.

કૃષ્ણવદન જેટલી