એલિસ ટાપુ : દરિયા માર્ગે ન્યૂયૉર્ક બંદરમાં પ્રવેશતાં આવતો ટાપુ. ભૌગોલિક સ્થાન : 40o 42’ ઉ. અ. અને 74o 02’ પ. રે.. તે ન્યૂજર્સી રાજ્યના જળપ્રદેશમાં હોવા છતાં ન્યૂયૉર્ક રાજ્યના રાજકીય વર્ચસ્ તળે રહ્યો છે. મેનહટન ટાપુના દક્ષિણ તરફના છેડે આશરે 1.6 કિમી. અંતરે તે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 11 હેક્ટર જેટલો છે.

1785માં આ ટાપુ ઉપર સૅમ્યુઅલ એલિસ નામના એક કસાઈનો માલિકીહક હતો. તે ઉપરથી તે એલિસ ટાપુ કહેવાયો. તે પહેલાં તે ઑઇસ્ટર ટાપુ, ગિબેટ ટાપુ, બકિંગ ટાપુ, ગલ ટાપુ, કિઑસ્ક ટાપુ એમ જુદા જુદા નામે ઓળખાતો હતો. 1892થી 1943 દરમિયાનના ગાળામાં અમેરિકામાં કાયમી વસવાટ કરવા માટે દાખલ થવા ઇચ્છતા પરદેશી આગંતુકો (immigrants) માટે તે સ્થળ મુખ્ય પ્રવેશદ્વાર બન્યું હતું અને તે પછી 1954 સુધી અમેરિકામાંથી દેશપાર થયેલાઓ તથા પરદેશીઓ (aliens) માટેનું પ્રસ્થાન મથક પણ હતું. 1892-1943ના ગાળા દરમિયાન આશરે બે કરોડ જેટલા આગંતુકો (કુલ આગંતુકોના 90 ટકા) આ પ્રવેશદ્વારરૂપ સ્થાન દ્વારા અમેરિકામાં દાખલ થયા હતા.

1808માં અમેરિકાની સમવાય સરકારે 10,000 ડૉલર આપીને આ ટાપુનો માલિકીહક ન્યૂયૉર્ક રાજ્ય પાસેથી લઈ લીધો. ત્યારથી તેનો વહીવટ સમવાય સરકાર હસ્તક રહ્યો છે.

અહીં સ્વાતંત્ર્યની દેવીની ભવ્ય મૂર્તિ આવેલી છે. આ ટાપુ તે વિસ્તાર માટે રચવામાં આવેલા રાષ્ટ્રીય સ્મારકનો ભાગ બની ગયો છે (1965). અમેરિકા(U. S.)નું સ્વાતંત્ર્ય યુદ્ધ સફળ થતાં તેની સ્મૃતિમાં આ મૂર્તિ ફ્રાન્સ તરફથી અમેરિકાને ભેટ આપવામાં આવેલી. આ સમગ્ર વિસ્તાર પર્યટકો માટે મોટું આકર્ષણ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે