અન્નપૂર્ણા (શિખર) : ભારતની ઉત્તરે પૂર્વ-પશ્ચિમ આશરે 2,400 કિમી. લંબાઈ ધરાવતા અને ઉત્તર-દક્ષિણ આશરે 240થી 320 કિમી.ની પહોળાઈ ધરાવતા હિમાલયનાં સાત ઊંચાં શિખરોમાંનું એક. ભૌ. સ્થાન : 280 34´ ઉ. અ. અને 830 50´ પૂ. રે. અગત્યનાં શિખરોમાં ‘માઉન્ટ એવરેસ્ટ’ અથવા ‘ગૌરીશંકર’ 8,848 મીટરની ઊંચાઈ ધરાવે છે. સેટેલાઇટ (ઉપગ્રહીય) મોજણી મુજબ તેની ઊંચાઈ 8,872 મીટરની છે. તે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. હિમાલયમાં 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતાં લગભગ સાતેક શિખરો આવેલાં છે, જેમાં માઉન્ટ ગોડવિન ઑસ્ટિન, નંગા-પર્વત, કંચનજંઘા, ધવલગિરિ તેમજ અન્નપૂર્ણા શિખરનો સમાવેશ થાય છે.
અન્નપૂર્ણા શિખર નેપાળની મધ્યમાં આવેલું છે. નેપાળના પાટનગર કાઠમંડુથી આશરે 160 કિમી. દૂર વાયવ્ય સરહદ પર અને ભારતીય સીમાથી 100 કિમી. ઉત્તરે આ શિખર આવેલું છે. વર્ષનો મોટો ભાગ તે બરફથી છવાયેલું રહે છે. આ શિખરની ઉત્તરે અને પશ્ચિમે ઊંડી ખીણો અને હિમનદીઓ આવેલી છે. અન્નપૂર્ણા શિખરની સામે જ પશ્ચિમ દિશામાં ધવલગિરિ શિખર આવેલું છે, જે લગભગ 8,172 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઈ. સ. 1950માં ફ્રેન્ચ પર્વતારોહકોએ આ શિખર સર કર્યા બાદ અનેક વખત આ શિખર ઉપર વિદેશી પર્વતારોહકોએ સફળ આરોહણ કર્યું છે.
મહેશ મ. ત્રિવેદી