એરિયાન : યુરોપીય અંતરીક્ષ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવેલ પ્રમોચન રૉકેટ. આ રૉકેટના ત્રણ તબક્કાઓ પ્રવાહી બળતણ વડે કાર્ય કરે છે. પહેલા અને બીજા તબક્કામાં હાઇડ્રેઝીન અને નાઇટ્રોજન ટેટ્રૉક્સાઇડ ઉપચાયક (oxidiser) તરીકે કાર્ય કરે છે. ત્રીજા તબક્કામાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઑક્સિજનનો ઉપયોગ થાય છે. એરિયાન રૉકેટની કુલ ઊંચાઈ 47 મીટર હોય છે. તેના પહેલા તબક્કાનો વ્યાસ 3.8 મીટર હોય છે.
એરિયાન રૉકેટ યુરોપનું ભારે વજનના પેલોડ પ્રક્ષેપિત કરવાનું મુખ્ય પ્રમોચન-વાહન છે, જે વ્યાપારી ધોરણે પણ ઉપયોગમાં લેવાય છે. તેના કુલ ચાર જુદા જુદા નમૂના તૈયાર કરવામાં આવ્યા છે, જે ક્રમશ: વધારે ભારે પેલોડ (ઉપગ્રહ) જુદી જુદી કક્ષામાં પ્રક્ષેપિત કરી શકે છે.
નીચેના કોઠામાં જણાવ્યા મુજબ, તે
પ્રકાર પ્રક્ષેપન-ક્ષમતા (સ્થાનાંતરીય ભૂ-સ્થાયી
કક્ષામાં પેલોડનું વજન-કિગ્રા.)
એરિયાન -1 1,700
એરિયાન-2, 3 2,0002,350
એરિયાન-4 4,200 (મહત્તમ)
એરિયાના-5 રૉકેટ વધારે શક્તિશાળી છે અને અમેરિકાના સ્પેસ-શટલની બરાબરી કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. દુનિયાના અડધા ઉપરાંતના ભારે વજનના ઉપગ્રહોને પૃથ્વીની કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે એરિયાન-5, રૉકેટનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી 4670 કિગ્રા. વજનનો એક અથવા તેટલું કુલ વજન ધરાવતા ત્રણ ઉપગ્રહો એકસાથે પૃથ્વીની કક્ષામાં પ્રક્ષેપિત કરી શકાય છે.
એરિયાન-5ના મુખ્ય રૉકેટ ઍન્જિની સાથે બે બુસ્ટર રૉકેટ જોડેલાં છે. (પ્રવાહી ઑક્સિજન-130 ટન + પ્રવાહી હાઇડ્રોજન – 225 ટન) વડે કાર્ય કરે છે, જ્યારે બંને બુસ્ટર રૉકેટ ધન પ્રોપેલન્ટ (દરેકમાં 237 ટન) વપરાય છે. પ્રક્ષેપણની શરૂઆતમાં મુખ્ય રૉકેટ-એન્જિન અને બંને બુસ્ટર રૉકેટના ઉપપ્રોપેલન્ટના દહન દ્વારા રૉકેટ ઉપર ચડે છે. લગભગ બે મિનિટ પછી બંને બુસ્ટર રૉકેટનું પ્રોપેલન્ટ વપરાઈ જતાં તે છૂટાં પડીને નીચે પડી જાય છે, અને મુખ્ય રૉકેટ-એન્જિન દ્વારા રૉકેટ વધારે ઉપર ચડે છે. છેવટે એનું પ્રોપેલન્ટ પૂરેપૂરું વપરાઈ જતાં તે પણ છૂટું પડી જાય છે. ત્યારપછી એક નાના રૉકેટ-એન્જિન દ્વારા ઉપગ્રહ તેની કક્ષામાં પ્રક્ષેપિત થાય છે.
ભારતના ઇનસેટ શ્રેણીના મોટા ભાગના ઉપગ્રહો એરિયાન-4 અને એરિયાન-5 દ્વારા સ્થાનાંતરીય ભૂ-સ્થાયી કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. ઇનસેટ-3 શ્રેણીના ત્રણ ઉપગ્રહો (ઇનસેટ-3A, 3B અને 3E) એરિયાન-5 રૉકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે.
પરંતપ પાઠક