ઍમ્પિયર, આંદ્રે મારી (જ. 22 જાન્યુઆરી 1775, લિયોન્સ, ફ્રાન્સ; અ. 10 જૂન 1836, માર્સેલી, ફ્રાન્સ) : વિદ્યુત દ્વારા પણ ચુંબકત્વ પેદા કરી શકાય છે તેવી હકીકત સિદ્ધ કરનાર; વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર વિજ્ઞાની. વિદ્યુતપ્રવાહના એકમને ‘ઍમ્પિયર’ નામ આપી વિજ્ઞાનીઓએ તેના નામને અમરત્વ આપ્યું છે.
તેમના પિતા વ્યાપારી હતા, પણ શિક્ષણપ્રિય હોઈ આન્દ્રેને ગ્રીક ક્લાસિક સાહિત્યમાં દીક્ષા અને શિક્ષા આપ્યાં. આન્દ્રેને ગણિત પ્રત્યે વિશેષ રુચિ હતી. લખતાં કે વાંચતાં શીખે તે પહેલાં આન્દ્રે ગણિતની કેટલીક સમસ્યાઓનું સમાધાન કાંકરાઓ જોડીને કરી લેતા. અગિયાર વર્ષની વયે લૅટિન ભાષામાં પ્રાવીણ્ય અને કલનશાસ્ત્રમાં ઉચ્ચ કોટિની સમજ મેળવી હતી.
ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન પિતાની નિર્મમ હત્યા બાદ આન્દ્રે અને પરિવારને ગુજરાન માટે ફાંફાં મારવાં પડ્યાં. પોતે વિજ્ઞાનનાં ટ્યૂશનો આપી શિક્ષણ મેળવ્યું અને પરિવારને નિભાવ્યો.
જયુલિયા કેરો સાથે તેમણે પ્રેમલગ્ન કર્યું. આ સુખી દંપતીએ જિએ જેક્વિસ ઍમ્પિયર નામના બાળકને જન્મ આપ્યો; જે પાછળથી ફ્રેન્ચ એકૅડેમીનો સભ્ય, પ્રસિદ્ધ ઇતિહાસકાર અને ઉચ્ચકોટિનો સાહિત્યકાર બન્યો. 1804માં આન્દ્રેની પત્નીનું અવસાન થયું. એ જબરદસ્ત આઘાત પોતાની જાતને વૈજ્ઞાનિક સંશોધનમાં ગરકાવ કરીને તેમણે સહી લીધો.
ફ્રાંસના ગણિતજ્ઞો જિએ દેલાંબ્રે અને યૂસફ લલાન્દ્રેએ લિયોન્સ સેકન્ડરી સ્કૂલમાં ગણિત અને નક્ષરશાસ્ત્ર ભણાવવા માટે આન્દ્રેની ભલામણ કરી. ત્યાં બે વર્ષ કામ કર્યું. 1805માં પૉલિટેકનિક સ્કૂલમાં નિમણૂક થઈ અને ઇજનેરીનું પ્રાધ્યાપકપદ મળ્યું. આ સંસ્થાએ 1809માં આન્દ્રેને ગણિત અને યંત્રવિજ્ઞાનનું અધ્યક્ષપદ આપ્યું. તેમણે કલનશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, નેત્રવિજ્ઞાન, પ્રાણીવિજ્ઞાન જેવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાના નિબંધો પ્રગટ કર્યા હતા; આથી તેમને ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સ અને સાયન્સિઝ’ના સભ્ય ચૂંટી કાઢવામાં આવ્યા.
1819માં ડેનિશ વિજ્ઞાની ઑસ્ટેડે પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે વિદ્યુતવહન કરતા તારની નજીક સોયને લઈ જતાં તેના ઉપર અસર થાય છે એટલે કે સોય આવર્તન પામે છે અને બતાવ્યું કે વિદ્યુત અને ચુંબકશક્તિ વચ્ચે કોઈક સંબંધ છે.
આન્દ્રે ઍમ્પિયરે પ્રાયોગિક રીતે સિદ્ધ કરી બતાવ્યું કે ચુંબકની આસપાસ જેવું ક્ષેત્ર તૈયાર થાય છે તેવું જ ક્ષેત્ર વિદ્યુતધારાની આસપાસ થાય છે.
ચુંબકત્વ અને વિદ્યુત-સંબંધે ઍમ્પિયરનો પ્રસિદ્ધ નિબંધ 1823માં પ્રગટ થયો. તેને લીધે એટલું નક્કી થયું કે ચુંબકમાં આકર્ષણ-અપાકર્ષણનો આધાર લોહકણોમાંના વિદ્યુતપ્રવાહ ઉપર છે. આગળ વધતાં એ પણ જાણી શકાયું કે પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુતભારની ઉપસ્થિતિ હોય છે. પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભારિત ન્યૂક્લિયર અને તેની આસપાસ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રૉન ભ્રમણ કરતા હોય છે. ઇલેક્ટ્રૉનની આ ભ્રમણગતિ વિદ્યુત-પ્રવાહ રચે છે, જે ચુંબકત્વ માટે જવાબદાર છે. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે કેટલાંક દ્રવ્યોને ચુંબકિત કરી શકાય છે, જ્યારે કેટલાંકને કરી શકાતાં નથી.
આન્દ્રે મારી ઍમ્પિયરની ગણના વિજ્ઞાનજગતમાં એક અદ્વિતીય વિજ્ઞાની તરીકે થાય છે.
પ્રહલાદ છ. પટેલ