ઍમિનો બેન્ઝોઇક ઍસિડ, પેરા (PABA)

January, 2004

ઍમિનો બેન્ઝોઇક ઍસિડ, પેરા (PABA) : કેટલાક પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ માટેનો જરૂરી વૃદ્ધિઘટક. સૂત્ર : p-H2NC6H4COOH. ગ.બિં. 186o. સલ્ફાનિલ એમાઇડ (સલ્ફા ઔષધોનો પાયાનો એકમ) અને PABAના અણુઓ વચ્ચે બંધારણીય સામ્ય છે. સૂક્ષ્મ જીવાણુઓ પોતાને જરૂરી ફૉલિક ઍસિડ PABAમાંથી બનાવી લે છે. સલ્ફાનિલ એમાઇડ અને PABA વચ્ચેના સામ્યને કારણે સૂક્ષ્મ જીવાણુઓ PABAના બદલે સલ્ફાનિલ એમાઇડ(કે સલ્ફા ઔષધ)નો ઉપયોગ કરે છે. આથી ફૉલિક ઍસિડને બદલે નકલી ફૉલિક ઍસિડનું નિર્માણ થાય છે, જે સૂક્ષ્મ જીવાણુઓની ઉત્સેચક પ્રણાલી માટે ઉપયોગી નથી. આમ જરૂરી ફૉલિક ઍસિડ ન બનતાં ફૉલિક ઍસિડનો જથ્થો ખૂટી પડે છે અને સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અટકી જાય છે. સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અટકતાં, જે સૂક્ષ્મ જીવાણુઓ હોય તેનો શરીર કુદરતી પ્રતિકારશક્તિથી નાશ કરે છે. સલ્ફા ઔષધોની સાથે PABA આપવાથી તેમની સક્રિયતા ઘટી જાય છે તે આ બાબતને સમર્થન આપે છે. PABAને વિટામિન ગણવા બાબત એકમત છે. જોકે પૃષ્ઠવંશીઓમાં PABAની આહારના જરૂરી ઘટક તરીકેની અગત્ય સાબિત થઈ શકી નથી.

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી