એબોટાબાદ : પાકિસ્તાનના હઝારા પ્રાંત અને એબોટાબાદ જિલ્લાનું વડું મથક અને વહીવટી કેન્દ્ર. સ્થાન : ઉ. અ. 30o 9′, પૂ. રે. 73o 13′. તે રાવળપિંડીની ઉત્તરે 134 કિમી. દૂર અને દરિયાઈ સપાટીથી 1,256 મી. ઊંચે આવેલું છે. વસ્તી આશરે 1,43,028 (2021). સરેરાશ વાર્ષિક વરસાદ 200 મિમી.. શહેરનું નામ હઝારા જિલ્લાના પ્રથમ બ્રિટિશ ડેપ્યુટી કમિશનર સર જેમ્સ એબોટ પરથી પડ્યું છે. ત્યાં લશ્કરી છાવણી છે. તે હવા ખાવાનું સ્થળ છે. ત્યાં એક આરોગ્યધામ (sanatorium) છે. શહેરની નજીક અશોકના શિલાલેખ છે. ત્યાં 1867માં સુધરાઈ સ્થપાઈ હતી. તે ધોરીમાર્ગથી મુઝફરાબાદ થઈ શ્રીનગર સાથે જોડાયેલું છે. વેપાર સાગના લાકડાનો. પેદાશ – ઘઉં, જવ, મકાઈ, બાજરી. ઘેટાંઉછેરનો સામાન્ય ધંધો. હવામાન ઠંડું. એબોટાબાદમાં ઓસામા બિન લાદેન અને ઇન્ડોનેશિયન આતંકવાદી ઉમર પટીક છુપાયા હતા. 2011માં લાદેનને આ શહેરમાં ઠાર કરાયો હતો. એબોટાબાદ જિલ્લાની વસ્તી 13 લાખ (2021) જેટલી છે.

કૃષ્ણવદન જેટલી