એપૉલો કાર્યક્રમ : ચંદ્રના તલસ્પર્શી અભ્યાસ માટે, ચંદ્ર ઉપર સમાનવ ઉપગ્રહ મોકલવાનો અમેરિકાનો કાર્યક્રમ. તેની સંકલ્પના (concept) 1960માં થઈ હતી. તેનું ધ્યેય માનવીને ચંદ્ર પર ઉતારવાનું, ત્યાંની સૃષ્ટિ નિહાળવાનું અને ત્યાંની ધરતીની માટી, ખડકો વગેરેના નમૂના પૃથ્વી પર લાવીને, તેમનો ઊંડો અભ્યાસ કરવાનું હતું. સમાનવ ઉપગ્રહનું ચંદ્ર પર ઉતરાણ થાય તે પહેલાં ઉપગ્રહમાં મોકલેલા માનવી પર થતી શારીરિક તથા માનસિક અસરોની ચિકિત્સા કરવા, ચંદ્ર પર કયે સ્થળે ઊતરવું સલામત અને હિતાવહ છે, ચંદ્ર અંગેની અગત્યની માહિતી ક્યાંથી મળી શકે તે જાણવા, પૃથ્વી પર પાછા ફરવા માટે ચંદ્રની પ્રદક્ષિણા કરવા મૂળ વાહક મૉડ્યૂલ સાથે ચંદ્રયાનને જોડવું, વગેરે અંગેના અખતરાની જરૂર હતી. આ પૂર્વતૈયારીઓ માટે અમેરિકાએ સૌપ્રથમ બે માનવયાત્રી સાથેનો ઉપગ્રહ જેમિનિ-V 1965ના એપ્રિલની 21 તારીખે પૃથ્વીની સપાટીથી 167થી 360 કિમી. ઊંચાઈની દીર્ઘવૃત્તીય ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો. આ ઉપગ્રહ 128 પ્રદક્ષિણાઓ પૂરી કરીને ચાર મહિના પછી પરત આવ્યો. પછી 1966ના સપ્ટેમ્બરની 11 તારીખે જેમિનિ-XI ઉપગ્રહમાં ત્રણ અવકાશયાત્રીઓને વધુ ઊંચાઈએ મોકલ્યા. યાનમાંથી બહાર નીકળી તેમણે અવકાશમાં લટાર મારી અને પછી મૂળ વાહક અંગેના મૉડ્યૂલ સાથે જોડાઈને તે પૃથ્વી પર પાછા ફર્યા. આ જોડાણ એપૉલો કાર્યક્રમ માટે એક મહત્વની સિદ્ધિ હતી. અમેરિકાના ‘સર્વેયર’ અને રશિયાના ‘લ્યુનિક’ ઉપગ્રહોએ ચંદ્રનાં અનેક સ્થળોની દૂરદર્શન દ્વારા છબીઓ મોકલાવી. આલ્ફા કિરણોના પ્રકીર્ણન દ્વારા મેળવેલી માટી, ભેજ વગેરેના ગુણધર્મોની માહિતી એકત્રિત કરી. આમ, એપૉલો કાર્યક્રમની સફળતા માટે માર્ગદર્શનરૂપ બની રહે તેવી જરૂરી પૂર્વતૈયારીઓ થયા બાદ ચંદ્રના અભ્યાસ માટે એપૉલો યાનની શ્રેણીની શરૂઆત થઈ.
પહેલાં બે એપૉલો યાનોને ઊડવામાં સફળતા મળી નહિ. એપૉલો-3ને 11 ઑક્ટોબર 1968ની સવારે 82.5 મીટર લાંબા સૅટર્ન રૉકેટ દ્વારા, પૃથ્વીની સપાટીથી 200થી 240 કિમી. ઊંચાઈએ દીર્ઘવૃત્તીય ભ્રમણકક્ષામાં તરતું મૂકીને, ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી. તે જ દિવસે સૅટર્ન 1-B રૉકેટ દ્વારા એપૉલો-7ને ત્રણ યાત્રીઓ સહિત 406 કિમી. ઊંચાઈએ મોકલ્યું. મૉડ્યૂલને રૉકેટના છેલ્લા તબક્કાથી અલગ કરીને પોતાના યાનમાં પ્રદક્ષિણાઓ કરીને અવકાશયાત્રીઓએ ભ્રમણ કરતા રૉકેટના ભાગ સાથે જોડાઈ જવાની તાલીમ લીધી. દૂરદર્શન કૅમેરા વડે તેમની ક્રિયાઓનાં જીવંત ચિત્રો પૃથ્વીનાં નિયંત્રણ-કેન્દ્રો ઉપર ઝીલવામાં આવ્યાં અને 260 કલાકમાં પૃથ્વીની 163 પ્રદક્ષિણાઓ પૂરી કરીને 22 ઑક્ટોબરે પૃથ્વી પર ત્રણેય અવકાશયાત્રીઓ પાછા આવ્યા. ત્રણ યાત્રીઓ સાથેના એપૉલો-8ને સૌપ્રથમ સૅટર્ન-5 રૉકેટ દ્વારા 1968ના ડિસેમ્બરની 21મી તારીખે ચંદ્રની સપાટીથી 115 કિમી. ઊંચાઈએ ભ્રમણકક્ષામાં તરતું મૂક્યું હતું. ચંદ્રની ભૂમિ પર ઊતરવાનાં સ્થાનોની અને ત્યાંથી પૃથ્વી પરનાં મથકોએ સંદેશાવ્યવહાર કરવામાં સફળતા મળે તેની ખાતરી કરીને ચંદ્રની આસપાસ આ ભ્રમણ દરમિયાન આ અવકાશયાત્રીઓએ આગલી-પાછલી બાજુઓથી તેનાં સારી ગુણવત્તાવાળાં દૂરદર્શન ચિત્રો પ્રસારિત કર્યાં. આશરે 20 કલાકમાં ચંદ્રની 10 પ્રદક્ષિણાઓ પૂરી કરીને તે જ યાનમાં 27 ડિસેમ્બરે પૃથ્વી પર તેઓ પાછા આવ્યા. ત્રણ યાત્રીઓ સાથે એપૉલો-9નું પ્રયાણ 28 ફેબ્રુઆરી, 1969ના રોજ થયું હતું. આ યાનનું પૃથ્વીની આસપાસ 400 કિમી. ઊંચાઈએ ભ્રમણ કરાવવામાં આવ્યું; તેનો આશય ચંદ્ર પરથી પાછા ફરતાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરવાની ફરજ પડે તે અંગેની તાલીમ માટેનો હતો. એક અવકાશયાત્રીએ યાનમાંથી બહાર નીકળી કેટલીક અંગકસરતો કરી અને નિયંત્રણ-કળોની કામગીરી ચકાસી. મૂળ વાહક, મૉડ્યૂલ સાથે જોડાઈને 13 માર્ચે પાછું ફર્યું.
ત્રણ યાત્રીઓ સાથે એપૉલો-10નું પ્રયાણ 18 મે, 1969ના રોજ થયું હતું. બે યાત્રીઓ મૂળ વાહક, કમાન્ડ મૉડ્યૂલમાંથી છૂટા પડી ચંદ્રયાનમાં પ્રવેશીને ચંદ્રની સપાટીથી છેક 15 કિમી. દૂર સુધી નીચે આવીને, પછીની કામગીરી ઝડપથી પતાવીને ચંદ્રની આસપાસ 115 કિમી. ઊંચે ભ્રમણ કરી રહેલા કમાન્ડ મૉડ્યૂલ સાથે જોડાયા હતા. ચંદ્ર અને તેની આસપાસની સૃષ્ટિનાં દૂરદર્શન-ચિત્રો પ્રેષિત કર્યાં હતાં. આ યાત્રા ઘણી સફળ નીવડી. પછીનું એપૉલો યાન ચંદ્ર પર સલામત ઉતારી શકાશે એવી ખાતરી કરાવીને 192 કલાક બાદ 26 મેના રોજ આ યાત્રીઓ પાછા ફર્યા.
એપૉલો-11 : આનું પ્રયાણ એક યાદગાર પ્રસંગ બની ગયો છે. નીલ આર્મસ્ટ્રૉંગ, માઇકલ કોલિન્સ અને એડવિન ઇ. એલ્ડ્રિન (જૂનિયર) નામના ત્રણ અવકાશયાત્રીઓ 16 જુલાઈ 1969, ગ્રિનિચ સમય 0132 કલાકે પૃથ્વી પરથી ચંદ્ર પર જવા રવાના થયા. 20 જુલાઈએ આર્મસ્ટ્રૉંગ અને પછી એલ્ડ્રિન ચંદ્રની ભૂમિ પર ઊતર્યા. ત્યાં 3 કલાક હરીફરીને માટીના નમૂના એકત્રિત કર્યા. આ બંને વીરોની ઊતરવા, ફરવા અને ચડવાની ક્રિયાઓની આબેહૂબ તસવીરો દૂરદર્શન દ્વારા પૃથ્વી પર મોકલાવવામાં આવી. ચંદ્રની સપાટી પર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ રોપ્યો, ચંદ્રની ધરતીનાં કંપનો નોંધવાનું ઉપકરણ અને પૃથ્વી-ચંદ્ર વચ્ચેના અંતરમાં થતા ફેરફારો માપવા લેઝર કિરણોને પરાવર્ત કરે તેવું સાધન ગોઠવ્યું. ખૂબ ઓછું ગુરુત્વાકર્ષણબળ (પૃથ્વી કરતાં આશરે છઠ્ઠા ભાગનું) હોવા છતાં કાર્યમાં કોઈ મુશ્કેલી નડી નહિ. બધી વૈજ્ઞાનિક કાર્યવાહી પુરોગામી એપૉલો-10ના માર્ગદર્શન અનુસાર, કોઈ પણ યાંત્રિક ખામી વગર સફળ નીવડી. ત્રણેય યાત્રીઓ ચંદ્રયાનમાં બેસી જઈ, ઊંચકાઈને ભ્રમણ કરતા મૂળ વાહક યાન સાથે જોડાઈને 24 જુલાઈએ ગ્રિનિચ સમય 0549 કલાકે, પૃથ્વી પર હેમખેમ પરત આવ્યા.
એપૉલો-12 : પ્રયાણ 14 નવેમ્બર 1969. ત્રણ અવકાશયાત્રીઓ સાથે 19 નવેમ્બર ગ્રિનિચ સમય 12.25 કલાકે ચંદ્ર પર ‘તોફાનોના સાગર’ (sea of storms) નામના સ્થળે ઊતરી યાત્રી એલાન બીને લાંબી ખેપ કરી; વિદ્યુત પુરવઠો રેડિયો આઇસોટોપના સૌરકોષો વડે નહિ, પરંતુ રેડિયો આઇસોટોપ્સની નાભિકીય (neucleur) પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવ્યો. 22 નવેમ્બર 1969ના રોજ પ્રત્યાગમન કર્યું. 2 વર્ષ ચંદ્ર પર રહી ચૂકેલા સર્વેયર-3ના કેટલાક ભાગોને તપાસવા માટે પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા.
એપૉલો-13 : ત્રણ યાત્રીઓ સાથે તેનું પ્રયાણ 15 એપ્રિલ, 1970ના રોજ થયું. વાહક અંતરિક્ષયાનના ઇંધનની ટાંકીમાં ખરાબી થવાથી ચંદ્ર પર ઉતરાણ થઈ શક્યું નહિ. જીવસંરક્ષણ-પદ્ધતિ(life support system)ની મદદથી 17 એપ્રિલે પ્રત્યાગમન.
એપૉલો-14 : પ્રયાણ 31 જાન્યુઆરી, 1971. ચંદ્ર ઉપર આવેલા ‘ફ્રા માઉરો’ વિસ્તારમાં ઉતરાણ. આઠ દિવસ પછી પ્રત્યાગમન. નોંધ : રશિયાની અમાનવ ચંદ્ર-બગીએ ચંદ્ર પરના ‘વર્ષાના સાગર’ વિસ્તારમાં 17 નવેમ્બર, 1970થી 9 ઑક્ટોબર, 1971 સુધી 1,015 કિમી. સફર કરી અનેક નમૂનાનું પરીક્ષણ કરીને માહિતી પૂરી પાડી હતી.
એપૉલો-16 : ચંદ્રયાત્રાનું આ છેલ્લું સમાનવ યાન હતું. પ્રયાણ તા. 3 ડિસેમ્બર, 1972; પૃથ્વી પર પરત આગમન તા. 20 ડિસેમ્બર, 1972.
એપૉલો-17 : માનવી વિનાનું સ્વયંસંચાલિત યાન 12 ડિસેમ્બર 1972ના રોજ ચંદ્ર પર ઊતર્યું અને 19 ડિસેમ્બરે પાછું ફર્યું. ત્યારબાદ અમેરિકાએ 16 જુલાઈ, 1975ના રોજ છોડેલા એપૉલો યાનનું રશિયાએ 15 જુલાઈ, 1975ના રોજ છોડેલા સોયુઝ અવકાશયાન સાથે પૃથ્વીની સપાટીથી 203 કિમી. ઊંચાઈએ વર્તુળ ભ્રમણકક્ષામાં 17 જુલાઈએ જોડાણ કર્યું. આમ એપૉલો શ્રેણીનો કાર્યક્રમ પૂરો થયો.
કાંતિલાલ મોતીલાલ કોટડિયા