ગૅમ્બજ (Gamboge અથવા Camboge)

February, 2011

ગૅમ્બજ (Gamboge અથવા Camboge) : અગ્નિ એશિયામાં ગાર્સિનીઆ કુળ(genus)માંથી મળતો સખત, બરડ, ગુંદર જેવો રેઝિન (gum-resin). મુખ્યત્વે કંબોડિયા, થાઇલૅન્ડ તથા દક્ષિણ વિયેટનામમાં ઊગતા ગાર્સિનિયા હાનબ્યુરી (G. hanburyi) વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આ વૃક્ષ વિભક્તલિંગી (dioecious) વૃક્ષો છે જે ચામડા જેવાં, ઘેરા લીલાં રંગના ચળકતાં પાંદડાં, નાનાં પીળાં ફૂલો અને સામાન્ય રીતે ચોરસ-આકારનાં ચાર બીજવાળાં ફળ ધરાવે છે. વૃક્ષોમાંથી મળતા રસ(sap)ના બાષ્પીભવનથી ગૅમ્બજ મેળવવામાં આવે છે. તે કેસરીથી બદામી (brown) રંગનો હોય છે, પણ તેનો પાઉડર ચળકતો પીળો બને છે.

ગૅમ્બજનો ઉપયોગ રંગના માધ્યમ (colour vehicle) તરીકે તથા ઔષધ તરીકે વપરાય છે. કલાકારો તેને રંગક તરીકે વાપરે છે. વાર્નિશમાં પણ તેનો રંગક તરીકે ઉપયોગ થાય છે. ઔષધ તરીકે તથા પશુ-ચિકિત્સામાં તે પ્રબળ વિરેચક (cathartic) તરીકે વપરાય છે. ચામડી પર તેની પ્રકોપક (irritant) અસર થાય છે.

આ રાળ પૂર્વના દેશોમાંથી આશરે સોળમી સદીમાં યુરોપમાં આવી હોવાનું મનાય છે.

જ. પો. ત્રિવેદી