ગૅબ્રો (gabbro) : અંત:કૃત પ્રકારનો, ઘેરા રંગવાળો, બેઝિક અગ્નિકૃત સ્થૂળ દાણાદાર (આશરે 1 ચોસેમી. કદ) ખનિજોવાળો ખડક. આ પ્રકારના ખડકો સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળા હોય છે. તે બેઝિક પ્લેજિયોક્લેઝ (લૅબ્રેડોરાઇટથી ઍનોર્થાઇટ – પ્રકારભેદે 35 %થી 65 % પ્રમાણ) તેનાથી થોડાક જ ઓછા પાયરૉક્સિન (ઑગાઇટ અને/અથવા હાઇપરસ્થીન) અને ઘણુંખરું થોડા ઘણા પ્રમાણવાળા ઑલિવીન (ક્યારેક ન પણ હોય) સહિતનાં ખનીજ બંધારણવાળાં હોય છે. હૉર્નબ્લેન્ડ, બાયોટાઇટ અને જવલ્લે ક્વાર્ટ્ઝ (અથવા નેફેલિન) જેવાં ગૌણ ખનીજો તેમાં હોઈ શકે ખરાં. આ ઉપરાંત, ક્યારેક ઍપેટાઇટ અને મૅગ્નેટાઇટ અથવા ઇલ્મેનાઇટ પણ ગૌણ ખનીજો તરીકે હોઈ શકે. આ બધાં ગૌણ ખનીજો ક્યારેય એકસાથે નથી હોતાં. ફેરોમૅગ્નેશિયન ખનીજોના વધવાની સાથે તે પિક્રાઇટમાં કે સમકક્ષ અન્ય અલ્ટ્રાબેઝિક પ્રકારમાં; ફેલ્સ્પારના વધવાની સાથે તે ઍનોર્થોસાઇટમાં ફેરવાય છે; જો આલ્કલી ફેલ્સ્પાર અને/અથવા ફૅલ્સ્પેથૉઇડ ઉમેરાય તો આ ખડક ઑલિવીન મૉન્ઝોનાઇટ કે આલ્કલી ગૅબ્રો તરીકે ઓળખાય છે.

ગૅબ્રો પ્રકારના ખડકો જ્વાળામુખી બેસાલ્ટ અને ભૂમધ્યકૃત ડૉલેરાઇટના સમકક્ષ અંત:કૃત ખડકો છે. રાસાયણિક ર્દષ્ટિએ જોતાં, ગૅબ્રોમાં કુલ સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે, Na અને Kનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, Ca અને Mg વધુ સમૃદ્ધ હોય છે; જ્યારે ફેલ્સ્પૅથિક ગેબ્રોમાં Feનું ઓછું પ્રમાણ અને ફેરોગૅબ્રોમાં Fe સમૃદ્ધ હોય છે.

નીચેની સારણી ગૅબ્રોના સર્વસામાન્ય શીર્ષક હેઠળ સમાવિષ્ટ થતા ખડકપ્રકારોના ખનીજ બંધારણની સ્પષ્ટ સમજ આપે છે :

પાયરૉક્સિન પ્લેજિયોક્લેઝ
લૅબ્રેડોરાઇટ બાયટોનાઇટઍનોર્થાઇટ

ઑલિવીન

રહિત

ઑલિવીન

સહિત

ઑલિવીન

રહિત

ઑલિવીન

સહિત

ઑગાઇટ ઑર્થોગૅબ્રો

ઑલિવીન

ગૅબ્રો

યુક્રાઇટ

ઑલિવીન

યુક્રાઇટ

ઑગાઇટ

અને

ઑર્થોપાય-

રૉક્સિન

હાઇપરસ્થીન

ગૅબ્રો

ઑલિવીન

હાઇપરસ્થીન

ગૅબ્રો

ઑર્થો

પાયરૉક્સિન

નોરાઇટ ઑલિવીન

નોરાઇટ

હાઇપરસ્થીન

યુક્રાઇટ

ઑલિવીન

હાઇપરસ્થીન

યુક્રાઇટ

પાયરૉક્સિન

વિહીન

ઍનોર્થોસાઇટ ટ્રોક્ટોલાઇટ ઍનોર્થોસાઇટ ઑલિવેલાઇટ

 

ગૅબ્રો પ્રકારના ખડકોની ઓળખ

સામાન્ય રીતે મોટા ભાગના ગૅબ્રો સમદાણાદાર હોય છે, જ્યારે અર્ધસ્ફટિકમય પ્રકારો તો વિરલ હોય છે. ઑફિટિક કણરચનાવાળા સ્થૂળ દાણાદાર પ્રકારને ડૉલેરાઇટ કે સૂક્ષ્મગૅબ્રો કહેવો વધુ યોગ્ય છે.

ઉપરની સારણીમાં દર્શિત નામો ઉપરાંત, નીચેના પર્યાયો પણ ક્યારેક ઉપયોગમાં લેવાય છે. પ્રાથમિક (primary) રીતે તૈયાર થયેલા હૉર્નબ્લેન્ડ અથવા બાર્કેવિકાઇટ ધારક ગૅબ્રોને બોજાઇટ કહેવાય, કારણ કે હૉર્નલ્બેન્ડ-ગૅબ્રો તરીકે ઓળખાતા પ્રકારમાંનું હૉર્નબ્લેન્ડ પરિણામી (secondary) હોય છે. હાઇપરસ્થીન અને ઑગાઇટ ધારક ગૅબ્રોને હાઇપરાઇટ કહે છે. પણ આ નામ હવે કાલગ્રસ્ત (obsolete) ગણાય છે. લ્યુકોગૅબ્રો અને લ્યુકોનોરાઇટ એ ફેલ્સ્પાર-સમૃદ્ધ ગૅબ્રો પ્રકારો છે, તો મેલાગૅબ્રો અને મેલાનોરાઇટ એ પાયરૉક્સિન અને/અથવા ઑલિવીન-સમૃદ્ધ ગૅબ્રો પ્રકારો છે. ગૅબ્રોને સમકક્ષ ખનિજ બંધારણ ધરાવતા વિશિષ્ટ પ્રકારના એપ્લાઇટને બીર્બેકાઇટ કહેવાય છે.

મોટા ભાગના ગૅબ્રોની સંપૂર્ણ સ્ફટિકમય, સ્થૂળદાણાદાર કણરચના પોપડામાં ઊંડાઈએ ઊંચા તાપમાન, ભારે દબાણ અને વાયુઓની હાજરીના સંજોગો હેઠળ થયેલા મૅગ્મા દ્રવના ઘનીભવનનો નિર્દેશ કરી જાય છે. ગૅબ્રો બહોળા પ્રમાણમાં મળી આવતો હોવા છતાં પણ તેના જ્વાળામુખી સમકક્ષ બેસાલ્ટની અપેક્ષાએ તો તેમની પ્રાપ્તિ ઘણી ઓછી હોય છે. ગૅબ્રો, ડૉલેરાઇટ (અથવા ડાયાબેઝ) અને બેસાલ્ટ ભૌતિક ગુણધર્મોમાં, ખનિજ બંધારણમાં અને રાસાયણિક બંધારણમાં લગભગ એકસરખા હોય છે, માત્ર કણકદમાં જ જુદા પડે છે. આ ખડકો કણકદ અને પ્રાપ્તિસ્થિતિ વચ્ચે સારો એવો સહસંબંધ ધરાવે છે. આશરે એક સેમી. કદના સ્ફટિકધારક ગૅબ્રો કેટલાક કિલોમીટર કદવાળા અંતર્ભેદિત જથ્થા સ્વરૂપે, સેમી.થી મિમી. કદના સ્ફટિકધારક ડૉલેરાઇટ દસથી સો મીટરની જાડાઈવાળી ડાઇક-સિલ સ્વરૂપે અને બેસાલ્ટ દસના ગુણાંકવાળી જાડાઈના પ્રવાહથરો કે ડાઇક સ્વરૂપે મળે છે. ગૅબ્રોનાં અંતર્ભેદનો 100 ચોકિમી.ની આજુબાજુનો અનિયમિત વિશાળ વિસ્તાર આવરી લે છે. લોપોલિથ સ્વરૂપવાળો દક્ષિણ આફ્રિકાનો બુશવેલ્ડ ગૅબ્રો, કૅનેડાના ઑન્ટારિયોનો સડબરી-નોરાઇટ (આશરે 1500 ચોકિમી.) યુ.એસ.ના મૉન્ટાનાનો સ્ટીલવૉટર ગૅબ્રો અને મિનેસોટાનો ડલથ ગૅબ્રો તેનાં ઉદાહરણો છે. ભારતીય દ્વીપકલ્પમાં હાઇપસ્થીન ગૅબ્રો મોટા વિસ્તારમાં ફેલાયેલો છે, તો રાજસ્થાનમાં સિરોહી પાસે મુંદવાડાનું ગૅબ્રો પ્રકારનું ખડક-સંકુલ પણ મહત્ત્વનું છે. ગૅબ્રો ડાઇક-સિલ કે લેકોલિથ જેવાં નાનાં સ્વરૂપોમાં પણ મળે છે. સ્કૉટલૅન્ડમાં આર્ડનમુર્કાનનું વલય-સંકુલ (ring-complex) અને ગ્રીનલૅન્ડના સ્કરગાર્ડનું સ્તરબદ્ધ ગૅબ્રોસંકુલ (layered complex) અન્ય ઉદાહરણો છે. ગૅબ્રો મોટે ભાગે તો દળદાર (massive) સ્વરૂપમાં મળી આવતા હોય છે; પણ ક્યારેક તે સ્તરબદ્ધ, પડવાળા કે પત્રબંધીવાળા પણ મળી રહે છે.

ગૅબ્રોમાં સછિદ્રતાનું પ્રમાણ ઓછું હોય છે. તેથી બેસાલ્ટ કરતાં તે વધુ ઘટ્ટ હોય છે અને તેની પકડક્ષમતા (cohesive strength) વધુ હોય છે. આ કારણે સુશોભન હેતુ માટેના ઇમારતી પથ્થર તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા