ગેડ પર્વત : પર્વતોનો એક પ્રકાર. વિશાળ મહાસાગરોના તળના ભૂસંનતિમય થાળા પર લાખો વર્ષ સુધી થતી રહેલી દરિયાઈ કણજમાવટમાંથી સ્તરો પર સ્તરો જામી, બંધાઈ, જ્યારે ઘણી જાડાઈ પ્રાપ્ત કરે અને સમય જતાં આત્યંતિક બોજ થઈ જાય ત્યારે એ બધો નિક્ષેપજથ્થો જો ભૂસંચલનની ક્રિયામાં સંડોવાય તો વિવિધ વિરૂપક બળોની અસર હેઠળ આવે છે. અને તેમનું ક્રમશ: ઉત્થાન થતું જાય છે. ઉત્થાન થતી વખતે ગેડીકરણ, સ્તરભંગ વગેરે જેવી વિવિધ જાતની સંરચનાઓ ઉદભવે છે, સાથે સાથે ભૂમિ પર પર્વતો રૂપે તે ઊંચકાઈ આવે છે. આવા પર્વતોમાં જોવા મળતા સ્તરો વિવિધ પ્રકારની ગેડરચનાવાળા હોવાથી તેમને ગેડવાળા પર્વતો કહે છે. બહાર ઊંચકાઈ આવ્યા પછી આ પર્વતો ઘસારાનાં બળોની અસર નીચે આવતા હોવાથી ઉચ્ચ સપાટ પ્રદેશો, એકમેકથી જુદાં પડતાં શિખરો, ખીણપ્રદેશો, કોતરો જેવાં જુદા જુદા પ્રકારનાં ભૂમિસ્વરૂપોમાં ફેરવાતા રહે છે. અરવલ્લી, હિમાલય, ઍપેલેશિયન, રૉકીઝ, ઍન્ડીઝ, કાર્પેથિયન પર્વતમાળાઓ ગેડપર્વતોનાં ઉદાહરણ છે. ગેડ ઉપરાંત ભૂસંચલનને કારણે સ્તરભંગ, ધસારા, નૅપ જેવી અન્ય વિશિષ્ટ પ્રકારની સંરચનાઓ પણ જોવા મળતી હોય છે. હિમાલય કે ઍપેલેશિયન, રૉકીઝ કે ઍન્ડીઝ, ગમે તે ગેડપર્વતમાળા હોય, તેમાં જોવા મળતા સ્તરોની કુલ જાડાઈ જેટલી આજે છે, તે કરતાં જ્યારે કણજમાવટ પછીની પૂર્ણ સ્થિતિમાં હતા ત્યારની જાડાઈ ઘણી વધારે હતી; પરંતુ અતિદાબનાં વિરૂપક બળોને કારણે તે અત્યારે ગેડ સ્થિતિમાં દબાયેલા સ્વરૂપે મળે છે.
ગિરીશભાઈ પંડ્યા