ઍટાના એપિક : પ્રાચીન મેસોપોટેમિયન રાજવંશાવલિવિષયક મહાકાવ્ય. આ મહાકાવ્ય પ્રમાણે આદિકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો. તેથી દેવો રાજાને શોધવા નીકળ્યા અને એટાનાને પસંદ કર્યો. એટાના કુશળ રાજ્યકર્તા નીવડ્યો. પરંતુ તેની પત્ની સગર્ભા હોવા છતાં બાળકને જન્મ આપવા અશક્ત હતી અને તેથી તેના પછી કોઈ ગાદીવારસ ન રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આનો ઉપાય જન્મદાતા વનસ્પતિ છોડ હતો, જેને એટાનાએ જાતે સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર લાવવાનો હતો. એટાનાએ આ માટે શામશદેવને પ્રાર્થના કરી. દેવે તેની પ્રાર્થના સાંભળી. તેને એક પર્વત પર ઘવાયેલ ગરુડને મળવા કહ્યું. આ ગરુડે કોઈ પવિત્ર કરારનો ભંગ કર્યો હતો તેથી તેને શિક્ષા માટે ખાડીમાં ફેંકેલું હતું. એટાનાએ ગરુડનો ઉદ્ધાર કર્યો એટલે ગરુડ તેને લઈને આકાશમાર્ગે ઊડ્યું. એટાનાએ સ્વર્ગમાં પહોંચીને દેવો આગળ દંડવત્ પ્રણામ કર્યા આથી એટાના તેના કાર્યમાં સફળ થયો.
ઈ. પૂ. હજારો વર્ષ પહેલાં દક્ષિણ મેસોપોટેમિયાના કિશમાં રાજ્ય કરનાર એટાના વિશે આ પૌરાણિક કથા હોવાનો સંભવ છે.
કૃષ્ણવદન જેટલી