ઍઝ યુ લાઇક ઇટ : શેક્સપિયરની કૉમેડી પ્રકારની મશહૂર નાટ્ય- કૃતિ. 1599માં સરકારી દફતરે નોંધાયેલી, પરંતુ તે પહેલાં વર્ષો અગાઉ તેની રચના થયેલી જણાય છે. જોકે 1623ના પ્રથમ ફોલિયોમાં તે નાટક સૌપહેલાં છપાયું. વિલ્ટન મુકામે જેમ્સ પહેલાની સમક્ષ તે ભજવાયું હોય તે બાબતનો કોઈ સચોટ પુરાવો અત્રે પ્રાપ્ત થતો નથી. ‘લૉજ’ના ‘રોઝલિન્ડ’માં તેનો સ્રોત મળી આવે છે. જોકે જેક્વિસ તથા ટચસ્ટોનનાં પાત્રોનું પગેરું તેમાં મળતું નથી.

આર્ડનના ઉપવનમાં વિશ્વાસુ સાથીદારો સાથે રહેતા ડ્યૂકની સત્તા નીચેના પ્રદેશોને ફ્રેડરિકે ઝૂંટવી લીધા હતા. ફ્રેડરિકની પુત્રી સિલિયા અને ડ્યૂકની પુત્રી રોઝલિન્ડ ફ્રેડરિકના મહેલમાં સાથે રહેતાં હોય છે ત્યાં એક દિવસ મલ્લયુદ્ધ જુએ છે. આ મલ્લયુદ્ધમાં સર રોલૅન્ડ બૉઇઝનો પુત્ર ઓર્લૅન્ડો શક્તિશાળી પ્રતિસ્પર્ધીને સખત હાર આપે છે. રોઝલિન્ડ પ્રથમ દૃષ્ટિએ જ ઓર્લૅન્ડોના પ્રેમમાં પડે છે અને ઓરલૅન્ડો પણ રોઝલિન્ડના પ્રેમમાં પડે છે. પિતાના મૃત્યુ બાદ ઓર્લૅન્ડોનો ઉછેર તેના મોટા ભાઈ ઓલિવરની છત્રછાયામાં થયેલો છે. ઓલિવરના અયોગ્ય વર્તાવને લીધે ઓર્લૅન્ડોને ઘર છોડવું પડે છે. ફ્રેડરિકને જાણ થાય છે કે ઓર્લૅન્ડો સર રોલૅન્ડનો પુત્ર છે. સર રોલૅન્ડ દેશનિકાલ થયેલ ડ્યૂકના મિત્ર છે. ફ્રેડરિક સર રોલૅન્ડ ઉપર ગુસ્સે થાય છે. પરિણામે રોઝલિન્ડને તે પોતાના રાજ્યમાંથી દેશનિકાલ કરે છે. સિલિયા સ્વેચ્છાએ રોઝલિન્ડની સહચરી બને છે. રોઝલિન્ડ ગામઠી યુવાનનો વેશ ધારણ કરે છે અને જેની મિડ નામ ધારણ કરે છે. સિલિયા તેની બહેન બની, એલિના નામ ધારણ કરે છે. ઉભય આર્ડનના ઉપવનમાં રહે છે. એટલું જ નહિ પણ બંને ઓર્લૅન્ડોના પ્રેમમાં પડે છે. ઓર્લૅન્ડો દેશનિકાલ થયેલ ડ્યૂકની સેવામાં ગોઠવાઈ જાય છે. જેની મિડ જાણે કે પોતે જ રોઝલિન્ડ હોય તેમ ઓર્લૅન્ડોને પોતાના પ્રેમમાં લલચાવે છે. ઓર્લૅન્ડોનું કાસળ કાઢી નાંખવા ઓલિવર ઉપવનમાં પ્રવેશ કરે છે. પરંતુ એક સિંહણના મોંમાં કોળિયો થવાની અણી ઉપર ઓલિવર હોય છે ત્યાં તેનો બચાવ ઓર્લૅન્ડો કરે છે. ઓલિવર પોતાની ક્રૂરતા બદલ શરમ અનુભવી પશ્ર્ચાત્તાપ કરે છે. તે એલિનાના પ્રેમમાં પડે છે અને બીજે દિવસે બંનેનું લગ્ન નિર્ધારાય છે. જેની મિડ ઓર્લૅન્ડોને સમજાવે છે કે કોઈ જાદુની શક્તિથી તે રોઝલિન્ડને તે જ સમયે તેની સાથે લગ્ન કરે તે હેતુથી પ્રગટ કરશે. દેશનિકાલ થયેલ ડ્યૂકના સાન્નિધ્યમાં બેઉ લગ્નોની ઉજવણી કરવા જ્યારે બધાં ભેગાં થાય છે ત્યારે સિલિયા અને રોઝલિન્ડ પોતપોતાનો વેશપલટો દૂર કરે છે અને અસલ સ્વરૂપે છતાં થાય છે. ત્યાં બાતમી મળે છે કે ગેરરીતિથી ગાદી પચાવી પાડનાર ફ્રેડરિક પોતાના ભાઈ અને તેના વિશ્વાસુ સાથીદારોનો નાશ કરવા માટે ઉપવન તરફ નીકળી પડ્યો છે. ત્યાં એક વૃદ્ધ, ધર્મપરાયણ માનવી તેનો હૃદયપલટો કરે છે અને ડ્યૂકને તેનું રાજ્ય પાછું મળે તેમ કરવા બોધ આપે છે.

આનંદ આપવો તે આ નાટકનું ધ્યેય છે. એટલું જ નહિ પરંતુ જેક્વિસ અને ટચસ્ટોન જેવાં પાત્રો અને અન્ય નાટકમાં બને છે તેમ નાટકના વસ્તુવિકાસમાં ઓતપ્રોત બની જતાં ગીતો આનંદની લહાણી કરે છે. આ નાટકમાં ‘અન્ડર ધ ગ્રીનવુડ ટ્રી’ (જે શબ્દોનો ઉપયોગ હાર્ડીએ પોતાની નવલકથાના શીર્ષક માટે કર્યો છે) અને ‘બ્લો, બ્લો ધાઉ વિન્ટર વિન્ડ’ (ઉભય અંક 2, દૃશ્ય 7) ગીતો રજૂ થયાં છે.

વિ. પ્ર. ત્રિવેદી