કામદાર, વાડીલાલ : અમદાવાદના સેવાભાવી મેયર.

સેવાભાવી કૉંગ્રેસજન તરીકે જાણીતા વાડીલાલ કામદારનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે ધર્માનુરાગી જૈન પરિવારમાં થયો હતો. કિશોરાવસ્થાથી આઝાદી જંગના એક અદના સૈનિક તરીકે તેમણે કામગીરી આરંભેલી. ગામમાં મુસ્લિમ વસ્તી હોવાથી એમનામાં સર્વધર્મસમભાવના મૂળ નંખાતાં ગયાં. લીંબડી જૈન બોર્ડિંગમાં રહીને ભણેલા. અસ્પૃશ્યતાને શાસ્ત્રોક્ત ઠરાવતા વિદ્યાર્થીઓના સનાતનમંડળ સામે ઝીંક ઝીલીને ગાંધી રંગે રંગાયેલા અને અસ્પૃશ્યતા નિવારણના કામે લાગી ગયેલા.

ઝાલાવાડમાં રાષ્ટ્રીય ચળવળનું વાતાવરણ હતું. ગર્ભશ્રીમંત પરિવારના ફૂલચંદભાઈ શાહ ગાંધીજી સાથે જોડાયેલા. તેમણે વઢવાણમાં રાષ્ટ્રીયશાળાની સ્થાપના કરેલી. વાડીલાલ શહેરના સીમાડે આવેલા સંત પોપટભાઈના આશ્રમની ઝૂંપડીએ જતા. ત્યાં પરિશ્રમયુક્ત અને સાદગીપૂર્ણ જીવનના પાઠ ભણ્યા. અમદાવાદ સ્થાયી થયા બાદ જાહેરજીવનની શરૂઆત સાબરમતીના સરપંચ બનીને શરૂ કરી. 1969ના અમદાવાદનાં કોમી રમખાણો વખતે રાહત-કામગીરી કરી. તે પછી જ્યારે જ્યારે કુદરતી આફત કે માનવસર્જિત આપત્તિ હોય ત્યારે તેઓ અચૂક રાહત-કામગીરીમાં જોડાઈ જતા. તે પછી તો ગુજરાત રાહત સમિતિના નિયામક તરીકે કચ્છ-સૌરાષ્ટ્રના ભયંકર દુકાળોમાં વાડીલાલ કામદારે સહાયની ઉમદા કામગીરી બજાવી.

1976-77માં તેઓ અમદાવાદના મેયર બન્યા. પહેલી વાર શહેરની ઝૂંપડપટ્ટીઓની મોજણી હાથ ધરાવી. એનો વિસ્તૃત અહેવાલ પ્રગટ કર્યો. આ ઝૂંપડાંઓમાં પાણી, વીજળી અને ગટરની પાયાની સુવિધાઓ સુલભ કરવાની કામગીરી પહેલી વાર એમણે કરી. ગરીબોની રોજગારી ઝૂંટવાતી હોય, લારીગલ્લા કે પાથરણાવાળાને પરેશાન કરાતા હોય ત્યાં વાડીભાઈ મોટી ઉંમરે પણ દોડી જતા. ગરીબમાં ગરીબ વર્ગના કલ્યાણ માટે એમની પડખે ઊભા રહેવામાં વાડીલાલ કામદારે સદાય ગૌરવ અનુભવ્યું.

ડંકેશ ઓઝા