ખાંડુ, પેમા (જ. 21 ઓગસ્ટ, 1979, ગ્યાંગખાર ગામ, લેમ્બરડુંગ સર્કલ, તવાંગ જિલ્લો, અરુણાચલ પ્રદેશ, ભારત) : અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી. મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં માળખાગત સુવિધાના વિસ્તરણ, ડિજિટાઇઝેશનની પહેલો અને ચીન સાથે સરહદ પર સ્થિત વિસ્તારોને પ્રાથમિકતા આપવા જેવાં નોંધપાત્રો કાર્યો માટે પ્રસિદ્ધ. સાથે સાથે, રાજ્યમાં રોડનું નેટવર્ક વધારવા અને યુવા પેઢીમાં  આર્થિક આત્મનિર્ભરતા પર કેન્દ્રીત કાર્યક્રમોને અગ્રતા આપી.

મોન્પા જનજાતિમાં મૂળ ધરાવતા અને બૌદ્ધ સંપ્રદાયના અનુયાયી પેમાના પિતા અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. દોરજી ખાંડુ, જેઓ વર્ષ 2007થી 2011 સુધી હેલિકૉપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યાં સુધી મુખ્યમંત્રી હતા. દોરાજી અરુણાચલ પ્રદેશમાં સૌથી લાંબા સમય મુખ્યમંત્રી રહેવાનો રેકૉર્ડ ધરાવે છે.

પ્રાથમિક શિક્ષણ બોમ્ડિલા, તવાંગમાં અને માધ્યમિક શિક્ષણ ઇટાનગરમાં ડોન્યી-પોલો વિદ્યાભવનમાં મેળવ્યું. વર્ષ 2000માં દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજમાંથી ઇતિહાસ વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. પિતા 1980ના દાયકાથી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા હતા અને તેમનો હાથ પકડીને પુત્ર પેમા ખાંડુએ પણ કૉંગ્રેસના કાર્યકર્તા તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો.

પિતા દોરજી ખાંડુએ 2007માં કૉંગ્રેસના મુખ્યમંત્રી જિગોંગ અપાંગ સામે બળવો કર્યો અને તેને શમાવવા કૉંગ્રેસ હાઈ કમાન્ડે એપ્રિલ, 2007માં દોરજી ખાંડને મુખ્યમંત્રી બનાવ્યા. ઓક્ટોબર, 2009માં દોરજી ખાંડુના નેતૃત્વમાં કૉંગ્રેસે 60માંથી 42 બેઠકો પર વિજય મેળવ્યો અને દોરજી બીજી વાર મુખ્યમંત્રી બન્યા. આ વિજયમાં પુત્ર પેમા ખાંડુએ રાજ્યની યુવા પેઢી વચ્ચે અને ખાસ કરીને મોન્પા જનજાતિ, બૌદ્ધ સંપ્રદાય સાથે સ્થાપિત કરેલા ગાઢ સંબંધો જવાબદાર હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.

એપ્રિલ, 2011માં હેલિકૉપ્ટર અકસ્માતમાં પિતા દોરજી ખાંડુનું મૃત્યુ થયા પછી પુત્ર પેમા ખાંડને મુખ્યમંત્રી જર્બોન ગામ્લિનના મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા. જળ સંસાધન અને પ્રવાસન મંત્રી તરીકે પેમા ખાંડુએ સરકારમાં કામગીરીની શરૂઆત કરી. જુલાઈ, 2011માં પેમાએ મુક્તો વિધાનસભા બેઠક પરથી વિજય મેળવીને ધારાસભામાં પ્રવેશ કર્યો અને પિતાના વારસાને મોન્પા જનજાતિનું પ્રભુત્વ ધરાવતા તવાંગ જિલ્લામાં આગળ વધાર્યો.

પેમા ખાંડુને મુખ્યમંત્રી ગામ્લિન સાથે મતભેદો થયા અને એ સમયે પણ કૉંગ્રેસ હાઈ કમાન્ડે તેમની સામે નમતું જોખીને નબામ તુકીને મુખ્યમંત્રી બનાવ્યા. આ મંત્રીમંડળમાં પેમા ખાંડનું કદ વધ્યું અને તેમને એક વધારે ગ્રામીણ વિકાસ મંત્રાલય મળ્યું. કેન્દ્રમાં મોદી સરકારના આગમન પછી અરુણાચલ પ્રદેશની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થયો અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું.   પરંતુ સર્વોચ્ચ અદાલતના આદેશ પછી જુલાઈ, 2016માં નબામ તુકીની સરકારને મળી. 17 જુલાઈ, 2016માં રોજ કૉંગ્રેસે તુકીને હટાવીને પેમા ખાંડુને મુખ્યમંત્રી બનાવ્યા અને 37 વર્ષની વયે તેઓ અરુણાચલ પ્રદેશના સૌથી યુવાન મુખ્યમંત્રી બની ગયા.

મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ શરૂ કરવા છતાં કેન્દ્રની મોદી સરકારે કોઈ પણ પ્રકારનો સાથસહકાર ન આપવાથી છેવટે પેમા ખાંડુ 43 કૉંગ્રેસી ધારાસભ્યો સાથે પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલપ્રદેશમાં સામેલ થયા. આ સરકારમાં પેમા ખાંડુએ વ્યૂહાત્મક રીતે ભાજપનો બહારથી ટેકો લીધો. ત્યાર બાદ જાન્યુઆરી, 2017માં ખાંડુ અને 32 ધારાસભ્યો પીપીએ છોડીને છેવટે ભાજપમાં સામેલ થઈ ગયા. એ સમયે ખાંડુ રાજ્યમાં રાજકીય સ્થિરતા અને સાતત્યપૂર્ણ વહીવટ માટે ભાજપમાં સામેલ થયા હોવાનું કારણ જાહેરમાં રાજ્યની જનતાને જણાવ્યું હતું.

2019 અને 2024માં વિધાનસભાની ચૂંટણીઓમાં અનુક્રમે 41 અને 46 બેઠકો પર વિજય મેળવીને પેમા ખાંડુએ ભાજપની સરકાર બનાવી. આ રીતે પેમા ખાંડુ સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા. પોતાના ત્રીજા કાર્યકાળમાં પેમા ખાંડુએ સરકાર આપકે દ્વાર, મુખ્યમંત્રી આરોગ્ય અરુણાચલ યોજના, હમારા અરુણાચલ અભિયાન અને અરુણાચલ પ્રદેશ ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ જેવી પહેલો હાથ ધરી. વર્ષ 2020ની આસપાસ ખાંડુના નેતૃત્વમાં  રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકૉસિસ્ટમ ઊભી થઈ, જેનો ઉદ્દેશ ઇનોવેશન, માર્ગદર્શન અને ફંડ મારફતે સ્થાનિક પડકારોનું સમાધાન કરવાનો છે. ઓગસ્ટ, 2025 સુધી આ પહેલ અંતર્ગત 106 સ્ટાર્ટઅપ શરૂ થયા છે અને તેમને 4.05 કરોડનું પ્રાથમિક ફંડ મળ્યું છે.

વર્ષ 2024માં વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં ભાજપને 60માંથી 48 બેઠક પર વિજય મળ્યો.

પત્ની ત્શેરિંગ ડોલ્મા અને પાંચ સંતાનો – બે પુત્રો અને ત્રણ પુત્રીઓ. સંગીતના શોખીન અને મોન્પા ગીતોને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. ફૂટબૉલ, ક્રિકેટ, બૅડમિન્ટન અને વૉલીબૉલ જેવી રમતોના પણ શોખીન. વર્ષ 2019થી પેમા અરુણાચલ પ્રદેશ ફૂટબૉલ સંગઠનના પ્રમુખ છે.

કેયૂર કોટક