ચૌહાણ, શિવરાજસિંહ (જ. 5 માર્ચ, 1959, ગામ જૈત, જિલ્લો સિહોર, મધ્યપ્રદેશ, ભારત) : પીઢ ભારતીય રાજકારણ, ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના ટોચના નેતા, 32મા કેન્દ્રીય કૃષિ અને ખેડૂતકલ્યાણ મંત્રી, 23મા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી. વર્ષ 2005થી 2018 સુધી અને વર્ષ 2020થી 2023 સુધી મધ્યપ્રદેશમાં અત્યાર સુધી લાંબો સમય શાસન કરનાર મુખ્યમંત્રી. રાજ્યમાં કુલ ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સમર્પિત કાર્યકર્તા. મધ્યપ્રદેશમાં પુખ્તો વચ્ચે ‘પાંવ પાંવ વાલે ભૈયા’થી લઈને બાળકો વચ્ચે ‘મામા’ તરીકે પ્રસિદ્ધ. મહિલાઓમાં ‘ભાઈ’ તરીકે પ્રસિદ્ધ હોવાનો પણ તેમનો દાવો છે.

ખેડૂત માતા-પિતા સુંદરબાઈ ચૌહાણ અને પ્રેમસિંહ ચૌહાણ. કુટુંબ મૂળે કિરાર રાજપૂત સમુદાયનું. પ્રાથમિક શિક્ષણ સિહોરમાં મેળવ્યું. પછી બરકતઉલ્લાહ યુનિવર્સિટી, ભોપાલમાંથી ફિલૉસૉફી (દર્શનશાસ્ત્ર) વિષયમાં સુવર્ણચંદ્રક સાથે અનુસ્નાતકની પદવી મેળવી.

13 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં પ્રવેશ કર્યો. 1975માં આદર્શ ઉચ્ચ માધ્યમિક શાળા, ભોપાલમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા. 1976થી 1977 સુધી ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં દેશવ્યાપી કટોકટી સામે આંદોલનમાં ભૂગર્ભપ્રવૃત્તિઓ કરી અને થોડો સમય ભોપાલની જેલમાં રાજકીય કેદી તરીકે પસાર કર્યો. 1991થી 1992 સુધી અખિલ ભારતીય કેશરિયા વાહિનીના સંયોજક તરીકે કામગીરી કરી. 1977-78માં RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠન મંત્રી બન્યા.

1990માં બુધની વિધાનસભા બેઠક પરથી પહેલી વાર વિધાનસભામાં ચૂંટાયા. પછી 1991માં 19મી લોકસભામાં વિદિશા બેઠક પરથી પહેલી વાર સાંસદ બન્યા. 1991માં તત્કાલીન સાંસદ અટલ બિહારી વાજપેયીએ રાજીનામું આપ્યાં પછી શિવરાજ ત્યાંથી લોકસભાની પેટાચૂંટણી લડ્યા અને તેમાં વિજય મેળવ્યો. 1991થી 2005 સુધી લોકસભામાં વિદેશા બેઠકના સાંસદ રહ્યા. 1993થી 1996 સુધી શ્રમ અને કલ્યાણ સમિતિના સભ્ય રહ્યા. 1994થી 2000 સુધી હિંદી સલાહકાર સમિતિના સભ્ય તરીકે કામ કર્યું. 1998માં 12મી લોકસભામાં ત્રીજી વાર સાંસદ બન્યા. 1998થી 1999 સુધી ગ્રામીણ ક્ષેત્રો અને રોજગારી મંત્રાલયની શહેરી અને ગ્રામીણ વિકાસ સમિતિ અને તેની પેટાસમિતિના સભ્ય તરીકે કામ કર્યું. 1999માં 13મી લોકસભામાં ચોથી વાર સાંસદ બન્યા. 1999થી 2000 સુધી કૃષિ સમિતિના સભ્ય અને 1999થી 2001 સુધી જાહેર સાહસો પરની સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી. 2000થી 2003 સુધી ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા. વર્ષ 2000થી 2002 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પણ કામગીરી કરી.

મધ્યપ્રદેશમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં સામેલ શિવરાજસિંહે વીસમી સદીના અંતિમ દાયકા અને 21મી સદીની શરૂઆતનાં વર્ષોમાં કૉંગ્રેસની અને ખાસ કરીને દિગ્વિજય સિંહની સરકાર સામે પદયાત્રાઓ કરી. આ કારણસર જ તેઓ રાજ્યમાં ‘પાંવ પાંવ વાલે ભૈયા’ તરીકે પ્રસિદ્ધ થયા. ડિસેમ્બર, 2003માં ભાજપે પહેલી વાર મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો, પરંતુ શિવરાજસિંહ ચૌહાણનો રાઘોગઢમાં કૉંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સામે પરાજય થયો. 2003માં મધ્યપ્રદેશમાં ભાજપે ઉમા ભારતને મુખ્યમંત્રી બનાવ્યાં.

2004માં 14મી લોકસભામાં શિવરાજસિંહ પાંચમી વાર સાંસદ બન્યા. 2004માં લોકસભામાં ભાજપની હાર પછી અડવાણી સાથે ઉમા ભારતીને મતભેદો થયા પછી તેમને મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રીપદેથી દૂર કરવામાં આવ્યાં. તેમને  સ્થાને બાબુલાલ ગૌરને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ તેઓ અસરકારક પુરવાર ન થવાથી 30 નવેમ્બર, 2005ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહને કેન્દ્રમાંથી રાજ્યમાં મોકલવામાં આવ્યા. બુધની વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી લડીને તેમણે વિધાનસભામાં પ્રવેશ કર્યો.

વર્ષ 2008માં એ જ બેઠક પરથી તેમનો વિજય થયો અને ભાજપે રાજ્યમાં બીજી વાર સત્તા મેળવી. 12 ડિસેમ્બર, 2008ના રોજ શિવરાજસિંહે બીજી વાર મુખ્યમંત્રીપદના શપથ લીધા. ડિસેમ્બર, 2013માં ભાજપે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર વિજય મેળવ્યો અને શિવરાજસિંહ સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા.

મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળમાં ગરીબોને 1 રૂપિયામાં કિલોગ્રામ ચોખા આપવા, મહિલા શ્રમિકોને માતૃત્વમાં સહાય પ્રદાન કરતી સમ્બલ યોજના, વંચિત સમુદાયોની કન્યાઓ માટે નિઃશુલ્ક શિક્ષણ, લાડલી લક્ષ્મી યોજના, બેટી બચાઓ અભિયાન જેવી કલ્યાણકારક યોજના શરૂ કરીને મધ્યપ્રદેશમાં ભાજપ માટે સત્તાને જાળવી રાખવાનો માર્ગ સરળ કર્યો. આ જ કારણે ભાજપને 2008, 2013 અને 2023ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યો. જોકે, વ્યાપમ કૌભાંડ શિવરાજસિંહની રાજકીય કારકિર્દીમાં કલંક સમાન છે. વ્યાપક એટલે વ્યાવસાયિક પરીક્ષામંડળ. તેમાં તબીબી શાખામાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલી પરીક્ષામાં મોટા પાયે કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. પછી 2018માં સર્વોચ્ચ અદાલતે 600થી વધારે ડૉક્ટરની ડિગ્રી રદ કરી હતી.

ડિસેમ્બર, 2018માં મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી ન મળી અને ચૌહાણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. 2019થી 2020 સુધી શિવરાજસિંહને ભારતીય જનતા પક્ષના ઉપપ્રમુખ તરીકે દિલ્હી લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે ભાજપના સંસદીય મંડળ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી. મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં કૉંગ્રેસની સરકાર બની, પરંતુ માર્ચ, 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાની હેઠળ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ કરતા કૉંગ્રેસની સરકારનું પતન થયું. પછી શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે દિલ્હીથી ફરી ભોપાલ મોકલવામાં આવ્યા. ડિસેમ્બર, 2023માં મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો, પરંતુ શિવરાજસિંહને મુખ્યમંત્રી બનાવવાને બદલે મોદી સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં શિવરાજસિંહ વિદિશા બેઠક પરથી સાંસદ તરીકે ફરી ચૂંટાયા અને 18મી લોકસભામાં સાંસદ તરીકે પુનઃપ્રવેશ કર્યો. હાલ કેન્દ્ર સરકારમાં કૃષિ અને ખેડૂતકલ્યાણ મંત્રી તરીકે કાર્ય કરે છે.

કેયૂર કોટક