યાદવ, અખિલેશ (જ. 1 જુલાઈ, 1973, સૈફઈ, ઇટવાહ, ઉત્તરપ્રદેશ, ભારત) : ભારતીય રાજકારણી, સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ, ઉત્તરપ્રદેશના કન્નૌજથી સાંસદ અને સમાજવાદી પક્ષના સ્થાપક સ્વ. મુલાયમસિંહ યાદવના પુત્ર. 2012માં 38 વર્ષની વયે ઉત્તરપ્રદેશના સૌથી યુવાન મુખ્યમંત્રી બનવાનો રેકૉર્ડ કરનાર પૂર્વ મુખ્યમંત્રી. કુટુંબમાં હુલામણું નામ ‘ટિપુ.’

પિતા સ્વ. મુલાયમસિંહ યાદવ અને માતા માલતી દેવી.  અખિલેશના જન્મ સમયે માલતી દેવીને પ્રસૂતિમાં જટિલતાઓ ઊભી થવાથી એ કૉમામાં સરકી ગયાં હતાં અને 30 વર્ષ એ સ્થિતિમાં રહ્યાં પછી વર્ષ 2003માં તેમનું મૃત્યુ થયું હતું. પિતા રાજકારણમાં વ્યસ્ત હોવાથી અને માતા કૉમમાં હોવાથી અખિલેશનો ઉછેર દાદા-દાદી સુઘારસિંહ યાદવ અને મૂર્તિ દેવીએ કર્યો. પ્રાથમિક શિક્ષણ સૈફઈ અને ઇટવાહની શાળાઓમાં મેળવ્યું. પછી રાજસ્થાનના ધોલપુરમાં ધોલપુર મિલિટરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ કર્ણાટકની મૈસૂર યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી. 1996માં સિડનીમાં એન્વાયર્મેન્ટલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવી.

પિતા મુલાયમસિંહનો સાધના ગુપ્તા નામની મહિલા સાથે સંબંધ હોવાથી અખિલેશે મોટા ભાગે પિતા સાથે યુવાવસ્થા સુધી અંતર રાખ્યું અને એ સમયે પિતાપુત્ર વચ્ચે સેતરૂપ બન્યા હતા – સમાજવાદી પક્ષના ખજાનચી તરીકે પ્રસિદ્ધ સ્વ. અમરસિંહ. સાધના ગુપ્તા અને મુલાયમના પુત્ર પ્રતીક યાદવ હતા, જેનું તાજેતરમાં મે, 2026માં અવસાન થયું. સાધનાનું જુલાઈ, 2022માં અવસાન થયું હતું.

વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં ભારત પરત ફરીને અખિલેશે 2000માં કન્નૌજની પેટાચૂંટણીમાં સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે વિજય મેળવીને 13મી લોકસભામાં પ્રવેશ કર્યો. વર્ષ 2004માં 14મી લોકસભામાં સાંસદ તરીકે ફરી ચૂંટાયા. વર્ષ 2009થી 2012 સુધી 15મી લોકસભામાં પણ ચૂંટાયા અને સાંસદ તરીકે સેવા આપી.

વર્ષ 2012માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પક્ષનો વિજય થયો અને અખિલેશ 15 માર્ચ, 2012ના રોજ 38 વર્ષની વયે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના સૌથી નાની વયના મુખ્યમંત્રી બન્યા. કન્નૌજ બેઠક પરથી સાંસદ તરીકે રાજીનામું આપ્યું અને ઉત્તરપ્રદેશની વિધાનપરિષદમાં ધારાસભ્ય તરીકે પ્રવેશ કર્યો. મુખ્યમંત્રી તરીકે અખિલેશના કાર્યકાળમાં તેમની સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેનું નિર્માણ હતું, જે એ સમયે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હતો. ઉપરાંત યુપી100 પોલીસ સર્વિસ, વિમેન પાવર લાઇન 1090, 108 ઍમ્બુલન્સ સર્વિસ જેવી જનોપયોગી સેવાઓની શરૂઆત કરી. સાથે સાથે, લખનઉમાં આંતરરાષ્ટ્રીય એકાના ક્રિકેટ સ્ટેડિયમ, એશિયાનો સૌથી મોટો પાર્ક જનેશ્વર મિશ્રા પાર્ક, જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ કન્વેક્શન સેન્ટર, આઇટી સિટી જેવા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરીને ઉત્તરપ્રદેશમાં વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો.

મુખ્યમંત્રી બનવા માટે અખિલેશે ધોરણ 10 અને 12મી પાસના વિદ્યાર્થીઓને લૅપટૉપ આપવાનું વચન આપ્યું હતું, જે પણ તેમણે 2012 અને 2015 વચ્ચે 15 લાખથી વધારે લૅપટૉપનું વિતરણ કરીને પૂર્ણ કર્યું. આ દુનિયામાં કોઈ પણ સરકારની સૌથી મોટી વિતરણ યોજનાઓ પૈકીની એક બની ગઈ.

જોકે, અખિલેશના મુખ્યમંત્રી બન્યા પછી તેમનો પરિવાર બે જૂથોમાં વહેંચાઈ ગયો. એક જૂથ અખિલેશ સાથે હતું, તો બીજું જૂથ તેમના કાકા શિવપાલસિંહ યાદવ સાથે હતું. અખિલેશને પિતાના પિતરાઈ ભાઈ રામગોપાલ યાદવનો ટેકો મળ્યો. પછી શિવપાલસિંહે પ્રગતિશીલ સમાજવાદી પક્ષ (લોહિયા) નામના પક્ષની સ્થાપના કરી, જે 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ જ અખિલેશના સમાજવાદી પક્ષમાં વિલીન થઈ ગઈ. કાકાભત્રીજા વચ્ચે સમાધાન થયું અને કાકા શિવપાલસિંહ સમાજવાદી પક્ષની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષ-કૉંગ્રેસ ગઠબંધનનો પરાજય થયો. પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં કન્નૌજ બેઠક પરથી ફરી સાંસદ બન્યા અને વર્ષ 2022માં ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કરહાલ બેઠક પરથી ધારાસભ્ય બન્યા. સાંસદ તરીકે રાજીનામું આપીને વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં કન્નૌજ બેઠક પરથી ફરી સાંસદ બન્યા અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું. આ જ ચૂંટણીમાં અખિલેશના નેતૃત્વમાં સમાજવાદી પક્ષે 37 બેઠક પર વિજય મેળવ્યો. તેમના આ વિજયને કારણે નરેન્દ્ર મોદીની સરકાર સતત ત્રીજી વાર સંપૂર્ણ બહુમતી મેળવી ન શકી, કારણ કે અગાઉ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં 70થી વધારે બેઠકો મળી હતી.

પત્ની ડિમ્પલ યાદવ, જેઓ ઉત્તરપ્રદેશના મૈનપુરીથી સાંસદ છે. બે પુત્રી – અદિતી અને ટીના તથા એક પુત્ર અર્જુન યાદવ.

પોતાને ખેડૂત તરીકે ઓળખાવવાનું પસંદ કરતા અખિલેશને ક્રિકેટ, સંગીત અને પુસ્તકોનાં વાંચનનો શોખ છે.

કેયૂર કોટક