સિનર જાનિક (જ. 16 ઑગસ્ટ, 2001, સાન કેન્ડિડો , ઇટાલી) : વિશ્વ ટેનિસનો ઊભરતો સિતારો.
જાનિક સિનરની માતૃભાષા જર્મન છે અને તેનો પ્રારંભિક ઉછેર ડોલોમાઇટ્સના સેક્સટેન શહેરમાં થયો હતો, જે તેમના પરિવારનું વતન હતું, જ્યાં તેમના પિતા રસોઇયા તરીકે અને તેમની માતા સ્કી લોજમાં વેઇટ્રેસ તરીકે કામ કરતાં હતાં. સિનરે ત્રણ વર્ષની ઉંમરે સ્કીઇંગ શરૂ કર્યું હતું અને આઠ વર્ષની ઉંમરે તેમની પ્રથમ સ્કી રેસમાં ભાગ લીધો હતો. તેણે જોકે સાત વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું પણ શરૂ કર્યું હતું. તેઓ સાતથી બાર વર્ષની ઉંમરે ઇટાલીના ટોચના જુનિયર સ્કીઅર્સમાંના એક હતા, 2008માં સાત વર્ષની ઉંમરે જાયન્ટ સ્લેલોમમાં રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ જીતી હતી અને 2012માં 11 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય રનર-અપ બન્યા હતા.
સ્કીઇંગની તાલીમ લેતી વખતે સિનરે સાત વર્ષની ઉંમરે એક વર્ષ માટે ટેનિસ છોડી દીધું હતું, પરંતુ તેના પિતાએ તેને રમતમાં પાછા ફરવા માટે દબાણ કર્યું હતું. જ્યારે તેણે રમવાનું ફરી શરૂ કર્યું, ત્યારે હેરિબર્ટ મેયર તેના પ્રથમ નિયમિત કોચ હતા. સિનરના દાદા તેને વહેલી સવારે ટેનિસ કોચિંગ માટે સાન જ્યોર્જિયો લઈ જતા, જ્યાં સિનરને મેયર પાસેથી વ્યક્તિગત કોચિંગ લેવું પડતું, કારણ કે તેની ઉંમરનો કોઈ બાળક તેના સ્તરે રમતો નહોતો અને તે પોતાનાથી મોટી ઉંમરનાં બાળકો કરતાં પણ ઘણો ઝડપી હતો. તેમ છતાં, સ્કીઇંગ અને ફૂટબૉલ પછી ટેનિસ હજુ પણ તેની ત્રીજી પ્રાથમિકતા હતી. સવારે તે સ્કી રેસમાં ભાગ લેતો અને બપોરે તે AFC સેક્સટન (યુવા) માટે ફૂટબૉલ મૅચ રમતો.
13 વર્ષની ઉંમરે, સિનરે તેના શારીરિક બાંધાને કારણે સ્કીઇંગ અને ફૂટબૉલ છોડી ટેનિસને પસંદ કર્યું, કારણ કે તે ઊંચો, પાતળો અને માત્ર 35 કિલોગ્રામ વજન ધરાવતો હતો. વળી પ્રતિસ્પર્ધી સામે સીધા જ વ્યક્તિગત રમતમાં સ્પર્ધા કરવાનું અને પરિણામ પર વધુ નિયંત્રણ રાખવાનું પણ તેને વધુ પસંદ હતું . બાદમાં સિનરે જાણીતા કોચ પિયાટી અને માસિમો સાર્ટોરી હેઠળ પિયાટી ટેનિસ સેન્ટરમાં તાલીમ લેવાનું નક્કી કર્યું, તેના આ નિર્ણયને તેનાં માતાપિતાએ ટેકો આપ્યો.
સિનરે ITF જુનિયર સર્કિટ પર ટેનિસ રમવાનું શરૂ કર્યું. મર્યાદિત સફળતા હોવા છતાં, તે 2017ના અંત પછી પ્રૉફેશનલ ટૂર તરફ ગયો. સિનરે 2017માં ઇટાલીની ગ્રેડ A ટુર્નામેન્ટમાં શરૂઆતના રાઉન્ડમાં હાર બાદ 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જે તે વર્ષે તેણે રમેલી એકમાત્ર જુનિયર ઇવેન્ટ હતી. સિનરે 2018ની શરૂઆતમાં ITF મેન્સ સર્કિટ પર રમવાનું શરૂ કર્યું. તેના નીચા રૅન્કિંગ સાથે તેને શરૂઆતમાં ફક્ત ITF ફ્યુચર્સ ઇવેન્ટ્સમાં જ તક મળતી, તેમ છતાં, તેને વર્ષના બીજા ભાગમાં ATP ચૅલેન્જર ટૂર ઇવેન્ટ્સ માટે વાઇલ્ડ કાર્ડ મળવાનું શરૂ થયું, સિનરે ફેબ્રુઆરી 2019માં બર્ગામોમાં 17 વર્ષ અને 6 મહિનાની ઉંમરે તેનું પ્રથમ ATP ચૅલેન્જર ટાઇટલ જીત્યું, જોકે ચૅલેન્જર સ્તરે કોઈ મેચ જીતી ન હતી અને ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો હતો. આમ તે ઇતિહાસમાં ચૅલેન્જર ટાઇટલ જીતનાર સૌથી નાની ઉંમરનો ઇટાલિયન ખેલાડી બન્યો. આ ટાઇટલ સાથે, તે ATP રૅન્કિંગમાં 200 થી વધુ સ્થાન ઉપર આવીને 324 નંબર પર પહોંચી ગયો.
સિનરનો પહેલો ATP માસ્ટર્સ વિજય સ્ટીવ જોહ્ન્સન સામે ઇટાલિયન ઓપનમાં આવ્યો, અને બાદમાં ક્રોએશિયા ઓપનમાં તેની ATP જીત સાથે ટોચના 200માં પ્રવેશ કર્યો. વિમ્બલ્ડનમાં ક્વૉલિફાઇંગમાં હાર્યા પછી, સિનરે યુએસ ઓપનમાં તેની પહેલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના મુખ્ય ડ્રો માટે ક્વૉલિફાય કર્યું. જોકે તે નંબર 24 સ્ટેન વાવરિન્કા સામે તેની ડેબ્યૂ મૅચ હારી ગયો. સિનર યુરોપિયન ઓપનમાં વાઇલ્ડ કાર્ડ તરીકે, પાંચ વર્ષમાં ATP સેમિફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બન્યો. અહીં તેણે ટોચના ક્રમાંકિત અને વિશ્વના 13મા ક્રમાંકિત ગેલ મોનફિલ્સને હરાવીને તેની કારકિર્દીની પ્રથમ ટોચની 50 જીત મેળવી. આ પ્રદર્શને તેને એક અઠવાડિયા પછી પ્રથમ વખત ટોચના 100માં પ્રવેશવામાં મદદ કરી. સિનરે વર્ષનો અંત વિશ્વના ક્રમાંક 78 પર કર્યો, 2003માં રાફેલ નડાલ પછી વર્ષના અંતે ટોપ 80માં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બન્યો. 2019માં તેને ATP ન્યૂકમર ઑફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યો. અને નેક્સ્ટ જનરલ ATP ફાઇનલ્સમાં ડી મિનૌર સામે જીત મેળવવા બદલ, તેને વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગૅઝેટા સ્પૉર્ટ ઍવૉર્ડ મળ્યો.
સિનરે 2021 સીઝનની શરૂઆતમાં, 2020ની અંતની પોતાની સફળતાને આગળ ધપાવી. તેણે ગ્રેટ ઓશન રોડ ઓપનમાં પોતાની કારકિર્દીનું બીજું ATP ટાઇટલ જીત્યું, ખાસ કરીને મૅચ પૉઇન્ટ બચાવ્યા બાદ સેમિફાઇનલમાં નંબર 20 કરેન ખાચાનોવને હરાવ્યો. તે 2005માં રાફેલ નડાલ પછી, સતત બે ATP ટાઇટલ જીતનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો.
2024માં સિનરે ઑસ્ટ્રેલિયન ઓપનથી પોતાના વર્ષની શરૂઆત કરી હતી, જ્યાં સેમિફાઇનલમાં, તેણે વિશ્વના નંબર 1 અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન નોવાક જોકોવિચને હરાવીને તેની પ્રથમ મેજર ફાઇનલમાં પ્રવેશ કર્યો. જોકોવિચ પર સિનરનો વિજય 2018 પછી ઑસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચનો પ્રથમ પરાજય હતો. ફાઇનલમાં, તેણે બે સેટના નુકસાન પછી ડેનિલ મેડવેડેવને હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો, મેડવેડેવ પરની તેની આ જીતનો અર્થ એ થયો કે તે ફાઇનલમાં પહેલા બે સેટ ગુમાવ્યા છતાં, રાફેલ નડાલ બાદ ઑસ્ટ્રેલિયન ઓપન જીતનાર બીજો ખેલાડી બન્યો.
સિનરે 2024 યુએસ ઓપનમાં પોતાનો બીજો મેજર જીત્યો, ક્વાર્ટર ફાઇનલમાં 5મા ક્રમાંકિત ડેનિલ મેડવેડેવને હરાવીને, વિમ્બલ્ડનમાં તેની અગાઉની હારનો બદલો લીધો. અને 23 વર્ષની ઉંમરે, સિનર એક જ વર્ષમાં બંને હાર્ડ-કોર્ટ મેજર જીતનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો. 2024 શાંઘાઈ માસ્ટર્સ સેમિફાઇનલમાં ટોમાસ માચાચને હરાવ્યા બાદ, સિનરને વર્ષના અંતે વિશ્વ નંબર 1નો તાજ મળ્યો, અને આ રૅન્કિંગ પ્રાપ્ત કરનાર ઇતિહાસમાં પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો ત્યારબાદ સિનરે નોવાક જોકોવિચ સામે સીધા સેટમાં આ ચૅમ્પિયનશિપ જીતીને વર્ષનો પોતાનો ત્રીજો માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યો, સાથે સાથે તે ટુર્નામેન્ટનો સૌથી યુવા ચૅમ્પિયન બન્યો.
સિનરની રમવાની શૈલી જોઈએ તો, તે પોતાની આક્રમક બેઝલાઇન રમત માટે જાણીતા છે, જે ચોકસાઈ અને પાવર પર આધારિત છે. સિનાર ફોરહૅન્ડ અને બૅકહૅન્ડ બંને પાસાઓમાં મજબૂત રમત ધરાવે છે અને ઉચ્ચ દબાણવાળી પરિસ્થિતિઓમાં પણ શાંત સ્વભાવ તે તેની વિશેષતા છે. સિનર બિગ થ્રી પછીના યુગમાં, વર્ચસ્વ જમાવવા માટે તૈયાર, ટેનિસ સ્ટાર્સની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે, અને ખાસ કરીને કાર્લોસ અલ્કારાઝ સાથેની તેની હરીફાઈને આધુનિક ટેનિસમાં સૌથી રોમાંચક માનવામાં આવે છે. જાનિક સિનરને ટેનિસના ભાવિ સિતારાઓમાંના એક તરીકે વ્યાપકપણે માનવામાં આવે છે. તેની પ્રતિભા, માનસિક મજબૂતાઈ અને સાતત્યપૂર્ણ પ્રદર્શન સાથે, તેની પાસેથી બહુવિધ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની અને વર્ષો સુધી ટોચનું રૅન્કિંગ જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે.
વ્યાવસાયિક ટેનિસમાં જાનિક સિનરનો ઉદય પ્રતિભા અને શિસ્તના સંગમથી પ્રાપ્ત સફળતાની વાત છે. ઇટાલીના એક યુવાન સ્કીઅરથી લઈને ગ્રાન્ડ સ્લેમ ચૅમ્પિયન બનવા સુધી, તેણે બહુ ઝડપથી પોતાને ઉચ્ચ સ્તરે સ્થાપિત કર્યો છે. આમ, સિનર ફક્ત એક ઊભરતો સ્ટાર નથી, તે આધુનિક ટેનિસનો એક પુરવાર થયેલ સિતારો છે.
ત્રિલોક સંઘાણી
