ગોપીનાથ, ગીતા (જ. 8 ડિસેમ્બર, 1971, મૈસૂર, કર્ણાટક) : ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇકૉનૉમિક્સનાં પ્રોફેસર. જાન્યુઆરી, 2022થી 31 ઑગસ્ટ, 2025 સુધી આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ(આઇએમએફ)નાં પ્રથમ ડેપ્યુટી મૅનેજિંગ ડાયરેક્ટર. વર્ષ 2019થી 2022 સુધી આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી. કેરળના મુખ્યમંત્રીનાં પૂર્વ માનદ્ આર્થિક સલાહકાર. જાન્યુઆરી, 2026માં દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ભારતની લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ માટે પ્રદૂષણને સૌથી ગંભીર જોખમ ગણાવીને ભારત સરકારની આ સમસ્યા પ્રત્યે ઉદાસીનતા બદલ ટીકા કરી. પછી ગીતા ભારતની સાથે યુરોપના દેશોમાં પણ વધારે જાણીતાં અને લોકપ્રિય થયાં છે.
ગીતા ગોપીનાથ મૂળે કેરળના કન્નૂરનાં મલયાલી હિંદુ નાયર પરિવાર સાથે સંબંધિત છે. પિતા ટી. વી. ગોપીનાથ ખેડૂત અને ઉદ્યોગસાહસિક તથા માતા વી. સી. વિજયાલક્ષ્મી ગૃહિણી. મૈસૂરની નિર્મલા કૉન્વેન્ટ સ્કૂલમાં પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ મેળવ્યું. અર્થશાસ્ત્ર વિષય સાથે 1992માં દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કૉલેજ ફોર વિમેનમાંથી સ્નાતક અને દિલ્હી યુનિવર્સિટીની જ દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. 1996માં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ફરી અનુસ્તાનકની ઉપાધિ મેળવી. 2001માં પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડીની પદવી મેળવી.
વર્ષ 2001માં યુનિવર્સિટી ઑફ શિકાગો બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી. વર્ષ 2005માં હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં આંતરરાષ્ટ્રીય સંબંધો અને અર્થશાસ્ત્રના જોહન ઝવાન્સ્ટ્રા પ્રોફેસર તરીકે જોડાયાં. ઑક્ટોબર, 2018માં આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણૂક થઈ. કાર્યકાળમાં કોવિડ-19 મહામારી આવી, જેમાં ગીતાએ દુનિયામાં રસીનો પુરવઠો પહોંચાડવા માટે વર્લ્ડ બૅંક, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ વેપાર સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ સાથે અસરકારક કામગીરી કરી. આ કામગીરીથી પ્રભાવિત થઈને ડિસેમ્બર, 2021માં આઇએમએફનાં મૅનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ પ્રથમ ડેપ્યુટી મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે ગીતાની નિમણૂક કરવાની સાથે તેમની પ્રશંસા કરી.
ભારતના વિકાસ માટે સૌથી મોટું પરિબળ વસ્તીજન્ય લાભને માનતાં ગીતાએ જાન્યુઆરી, 2026માં દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં પ્રદૂષણ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવા બદલ ભારત સરકારની ટીકા કરી હતી. વર્ષ 2028માં ભારત પોતાની વધતી વસ્તીને કારણે દુનિયામાં ત્રીજું મોટું અર્થતંત્ર બની જશે એવી આગાહી કરવાની સાથે ગીતાએ ચેતવણી પણ ઉચ્ચારી છે કે, ભારત સરકાર પ્રદૂષણને નિયંત્રણમાં જાળવવાની દિશામાં ગંભીર પ્રયાસો નહીં કરે તો તેને પોતાના વસ્તીજન્ય લાભનો ઇચ્છિત ફાયદો નહીં મળે, કારણ કે ભારતની લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ માટે પ્રદૂષણ સૌથી ગંભીર જોખમ છે. તેનાથી કામદારોની ઉત્પાદકતા ઘટે છે, હેલ્થકેરનો ખર્ચ વધે છે અને સંપૂર્ણપણે આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે.
કેયૂર કોટક
