નૅશનલ સ્ટૉક એક્સચેન્જ

July, 2026

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ :  હર્ષદ મહેતાના કૌભાંડ પછી કૅપિટલ માર્કેટમાં પારદર્શિતા લાવવા માટે ફેરવાની સમિતિની ભલામણ અનુસાર અગ્રણી નાણાકીય સંસ્થાઓએ 27 નવેમ્બર, 1992ના રોજ કરેલી સ્થાપના.

સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) એ 1993ના એપ્રિલમાં તેને સ્ટૉક એક્સચેન્જ તરીકે માન્યતા આપી હતી. 1994 માં હોલસેલ ડેટ માર્કેટથી તેનાં કાર્યનો આરંભ થયો અને ત્યારબાદ ઇક્વિટી કેશ માર્કેટ શરૂ થયું હતું. NSE ભારતનું પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રૉનિક સ્ક્રીન-બેઝ્ડ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ છે. તે NSE NEAT (National Exchange for Automated Trading) સિસ્ટમ દ્વારા કાર્ય કરે છે. આ ઑર્ડર-ડ્રિવન માર્કેટ છે જેમાં પ્રાઇસ-ટાઇમ પ્રાયોરિટી અનુસાર ટ્રેડિંગ થાય છે. તે ઇક્વિટી, ડેટ, ડેરિવેટિવ્ઝ (ફ્યૂચર્સ અને ઑપ્શન્સ), કરન્સી અને કૉમોડિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ સુવિધા આપે છે. ક્લિયરિંગ અને સેટલમેન્ટ NSE ક્લિયરિંગ દ્વારા થાય છે. તે અત્યાધુનિક ટૅક્નૉલૉજી વાપરે છે જેથી રોકાણકારો મોબાઇલ એપ અને વેબ પ્લૅટફૉર્મ દ્વારા સીધું ટ્રેડ કરી શકે છે.

NSEનું મુખ્યાલય મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલું છે. તેનાં કાર્યાલયો અમદાવાદ, ચેન્નાઈ,  દિલ્હી,  હૈદરાબાદ અને કૉલકાતામાં છે. NSE ભારતનું સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ છે જે ટ્રેડિંગ વૉલ્યુમ અને ટર્નઓવરમાં અગ્રેસર છે. વિશ્વમાં તે ડેરિવેટિવ્ઝ વૉલ્યુમમાં અગ્રેસર છે. ભારતનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન લગભગ 42 લાખ કરોડ છે અને તેમાંથી મોટા ભાગનું નિયંત્રણ NSE કરે છે. નિફ્ટી 50 ઇન્ડેક્સ  NSEનો બેન્ચમાર્ક છે. 2025માં તેની આવક 19177 કરોડ અને નેટ ઇન્કમ 12188 કરોડ હતી. NSE માં 2100થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે.

આર્થિક બજારમાં NSEનું મહત્ત્વ ઘણું છે. NSE એ ભારતીય કૅપિટલ માર્કેટને આધુનિક અને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું છે. કંપનીઓને સરળતાથી કૅપિટલ ઊભી કરવાની તક આપે છે, જે આર્થિક વિકાસને વેગ આપે છે. રોકાણકારોને પારદર્શિતા, લિક્વિડિટી અને વિવિધતા પ્રદાન કરે છે. તેના કારણે રિટેલ અને સંસ્થાકીય રોકાણ વધ્યું છે. NSE ભારતની આર્થિક વૃદ્ધિનું મુખ્ય પ્રેરક છે અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષે છે. તેની ટૅક્નૉલૉજી અને નવીનતા દ્વારા તે વિશ્વનાં અગ્રણી એક્સચેન્જોમાં સ્થાન ધરાવે છે.

અશોક પટેલ