સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) : ભારત સરકારના ઠરાવ દ્વારા નૉન-સ્ટેટ્યુટરી તરીકે કાર્ય કરતી સંસ્થા. તેની સ્થાપના 12 એપ્રિલ, 1988ના રોજ થઈ હતી.
તે સમયે હર્ષદ મહેતાના કેસ જેવા ભારતીય કૅપિટલ માર્કેટમાં અનેક અનિયમિતતાઓ અને કૌભાંડો પ્રકાશમાં આવ્યાં હતાં. અનિયમિતતાને કારણે રોકાણકારોના હિતની રક્ષા, સિક્યૉરિટીઝ માર્કેટનો વિકાસ અને તેનું યોગ્ય નિયમન કરવા માટે SEBIની જરૂરિયાત ઉદ્ભવી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરી, 1992ના દિવસે SEBI ઍક્ટ, 1992 અમલમાં આવ્યો અને તેને વૈધાનિક સત્તા આપવામાં આવી હતી. આ અધિનિયમની પ્રસ્તાવના કહે છે કે SEBIનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોનાં હિતની રક્ષા, સિક્યૉરિટીઝ માર્કેટના વિકાસ અને નિયમન છે.
SEBIનું મુખ્યાલય મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલું છે. તેનાં ચાર પ્રાદેશિક કાર્યાલયો- પશ્ચિમમાં અમદાવાદ, પૂર્વમાં કૉલકાતા, દક્ષિણમાં ચેન્નાઈ અને ઉત્તરમાં નવી દિલ્હી ખાતે છે. વધુમાં અન્ય શહેરોમાં પણ સ્થાનિક કાર્યાલયો કાર્યરત છે. SEBI ના બોર્ડમાં અધ્યક્ષ અને આઠ સભ્યો હોય છે. બોર્ડમાં સરકાર, રિઝર્વ બૅંક અને નિષ્ણાતોના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે.
SEBIની કામગીરી ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં વહેંચાયેલી છે. : 1.રક્ષાત્મક કાર્યમાં રોકાણકારોને કૌભાંડોથી બચાવવા, તેમના અધિકારોની જાગૃતિ વધારવી અને ફરિયાદોનું નિવારણ કરવું સામેલ છે. 2. નિયમનાત્મક કાર્ય હેઠળ દેશના સ્ટૉક એક્સચેન્જો – નૅશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, બ્રોકર્સ, મર્ચન્ટ બૅન્કર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરેને રજિસ્ટર કરે છે, તેમના પર દેખરેખ રાખે છે અને નિયમોનું પાલન થાય એ સુનિશ્ચિત કરે છે. 3. વિકાસાત્મક કાર્યમાં માર્કેટને આધુનિક બનાવવા, નવી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવું અને રોકાણકારોને શિક્ષિત કે જાગૃત કરવા માટે કાર્યક્રમો ચલાવે છે.
SEBI કેવી રીતે કાર્ય કરે છે ? : SEBI ક્વાઝી-લેજિસ્લેટિવ, ક્વાઝી-એક્ઝિક્યુટિવ અને ક્વાઝી-જ્યુડિશિયલ શક્તિઓ ધરાવે છે. તે નિયમો અને માર્ગદર્શિકાઓ જારી કરે છે, ઇન્સ્પેક્શન અને તપાસ કરે છે અને અનિયમિતતાઓ જણાય તો કસૂરવારોને દંડ, પ્રતિબંઘ અથવા કાનૂની કાર્યવાહી કરવા જેવી સજા કરે છે. ઉપરાંત SEBI અપીલ માટે સેટેલાઇટ એપેલેટ ટ્રિબ્યૂનલ (SAT) પણ છે. તે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને માર્કેટ સર્વેલન્સ કરે છે અને રિયલ-ટાઇમ મૉનિટરિંગ કરે છે. SEBI રોકાણકારો માટે વેબસાઇટ, હેલ્પલાઇન અને જાગૃતિ અભિયાનો ચલાવે છે. આજની સ્થિતિમાં SEBI ભારતીય અર્થતંત્રના મુખ્ય સ્તંભ તરીકે કાર્ય કરે છે.
અશોક પટેલ
