બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ : શૅરબજાર સાથે લેવાદેવા ન હોય એવા લોકો માટે પણ જાણીતું સ્ટૉક એક્સચેન્જ. BSE કરન્સી અને ડેરિવેટિવ્ઝ જેવાં વિવિધ નાણાકીય સાધનોના વેપાર માટેનું એક વિશાળ પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની સ્થાપના 9 જુલાઈ, 1875ના રોજ થઈ હતી. તે એશિયાનું સૌથી જૂનું સ્ટૉક એક્સચેન્જ છે.

1850ના દાયકામાં મુંબઈની દલાલ સ્ટ્રીટમાં એક વડના ઝાડ નીચે ગુજરાતી અને પારસીઓ શૅરના સોદા કરતા હતા. સમય જતાં પ્રેમચંદ રાયચંદના નેતૃત્વમાં ‘ધ નેટિવ શૅર ઍન્ડ સ્ટૉક બ્રોકર્સ ઍસોસિયેશન’ તરીકે ઔપચારિક રૂપે સોદા થવા માંડ્યા હતા. છેક 1957માં સિક્યૉરિટીઝ કૉન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) ઍક્ટ હેઠળ સરકારી માન્યતા મળી હતી. એ સમયથી દલાલ સ્ટ્રીટમાં રોકાણકારો બોલી લગાવીને સોદા કરતા હતા. પરંતુ 1995થી ઇલેક્ટ્રૉનિક ટ્રેડિંગ શરૂ કરાયું હતું.

BSE-BOLT (BSE On-Line Trading) સિસ્ટમ દ્વારા કાર્ય કરે છે, જે હવે BOLT Plus (T7 પ્લૅટફૉર્મ પર આધારિત) છે. આ સિસ્ટમ વિશ્વની સૌથી ઝડપી ટ્રેડિંગ સિસ્ટમોમાંની એક છે, તેનો રિસ્પૉન્સ ટાઇમ 2૦૦ માઇક્રોસેકન્ડ છે !  તે ઑર્ડર-ડ્રિવન માર્કેટ છે જેમાં પ્રાઇસ-ટાઇમ પ્રાયોરિટી અનુસાર ખરીદી-વેચાણ મૅચ થાય છે. ક્લિયરિંગ અને સેટલમેન્ટ BSE ક્લિયરિંગ કૉર્પોરેશન દ્વારા થાય છે. રોકાણકારો બ્રોકર્સ અથવા ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા ટ્રેડ કરી શકે છે.

BSEનું મુખ્યાલય મુંબઈની દલાલ સ્ટ્રીટ પર ફિરોઝ જીજીભાઈ ટાવર્સમાં આવેલું છે. તેનાં પ્રાદેશિક કાર્યાલયો અન્ય મોટાં શહેરોમાં છે. માર્ચ 2026 સુધી BSE માં 5647થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (SENSEX)  દ્વારા દેશના અર્થતંત્રની તંદુરસ્તીનો અંદાજ પણ મળે છે. કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન લગભગ 412 લાખ કરોડ રૂપિયા છે. BSE Ltdની 2025માં આવક 3236 કરોડ રૂપિયા અને ચોખ્ખી આવક 1322 કરોડ રૂપિયા હતી.

અશોક પટેલ