સોપોરી, ભજન (પં.) (જ. 22 નવેમ્બર 1948, શ્રીનગર; અ. 2 જૂન 2022, ગુરુગ્રામ) : સૂફિયાના ઘરાનાની મૌસિકીના બેતાજ બાદશાહ. પિતાનું નામ પંડિત શંભુનાથ સોપોરી. માતાનું નામ અપર્ણા સોપોરી.
સાંગીતિક પરિવારમાં જન્મેલા ભજનલાલ સોપોરી કે જેઓ સંગીત વિશ્વમાં ભજન સોપોરી તરીકે ઓળખાયા. મૂળે તેઓ કાશ્મીર ખીણના બારામુલ્લા જિલ્લાના સોપોર ગામના રહેવાસી હતા. એમના વંશમાં પ્રાચીન સંતૂર વાદ્યના અનેક વિશેષજ્ઞો હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતના ‘સૂફિયાના ઘરાના’ સાથે તેઓ સંલગ્ન હતા. છ પેઢીઓથી સંતૂરવાદનની સૂફી સંગીતની સમૃદ્ધ પરંપરાના વાહક એવા ભજન સોપોરીએ બાળપણથી સંગીતની તાલીમ લેવા માંડેલી. દાદા એસ. સી. સોપોરી તથા પિતા શંભુનાથને ગુરુપદે સ્થાપી તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખ્યા. 1953માં પાંચ વર્ષની વયે તેમણે પ્રથમ મંચપ્રસ્તુતિ કરી હતી. દસમે વર્ષે પ્રયાગ સંગીત સમિતિ – અલાહાબાદ યુનિવર્સિટી અન્વયે આયોજિત સંમેલનમાં એમની પ્રસ્તુતિની નોંધ લેવાઈ. આ કાશ્મીરી પંડિત પરિવારના ફરજંદે એ પછી પાછું વાળીને જોયું નહોતું. અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પંડિત ભજનજીએ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી. એ વિદ્યાનું એમણે ભારતમાં પ્રસારણ કર્યું. સાંસ્કૃતિક સંઘો, બેલ્જિયમ, મિશ્ર, ઇંગ્લૅન્ડ, જર્મની, નૉર્વે, સીરિયા અને અમેરિકા જેવા દેશોમાં પણ દર્શકો દ્વારા એમની પ્રસ્તુતિના ભરપૂર વખાણ થયા. એમના સુપુત્રો અભય અને રૂસ્તમ પણ સંતૂરક્ષેત્રે છે.
ખ્યાતિપ્રાપ્ત સંગીતકાર – પ્રતિષ્ઠિત સંતૂર સંગીતજ્ઞ પંડિતજીના વાદનમાં ઉચ્ચસ્તરીય ટૅકનિકલ મર્મજ્ઞતા તેના ખાસ લક્ષણોસહ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુપેરે પ્રતિપાદિત થાય. તેમના આત્માપૂર્ણ – પ્રાણવાન સંગીતમાંથી ઊંડી લાગણી પ્રગટ થાય – જે દિલને અચૂક સ્પર્શી જાય. તેઓ શાસ્ત્રીય રાગો ઉપરાંત કાશ્મીરી ધૂનને પણ તેના ઉચ્ચતમ શિખરે લઈ જાય. જેમાંથી સ્થાનિક લોકસંગીતનો રણકાર સંભળાય. પંડિત ભજનજી રાગ બિભાસને ખૂબ ચાહતા. રાગ ભૈરવીમાં તો તેમના આલાપને લોકચાહના પ્રાપ્ત થતી. તેમાં તેઓ અધ્ધા તાલમાં પારંપરિક બંદીશ પેશ કરતા. રાગ માલકૌંસમાં રૂપક તાલમાં જ્યારે તેઓ ગત વગાડતા ત્યારે સભાખંડનો માહોલ બદલાઈ જતો. રાગ મારવા પર પણ તેમની પકડ પ્રશંસનીય હતી. ‘સંગીત સરતાજ’ કહેવાતા પંડિત ભજન સોપોરીએ એમના સંતૂરવાદનના બે વૉલ્યુમ 2006માં બહાર પાડ્યાં હતાં. 1996માં ‘કાશ્મીરી સબ્લાઇમ’ રેકૉર્ડ બહાર પાડી હતી. વ્યાવસાયિક કારકિર્દી ધરાવતા પંડિતજી ત્રણ અષ્ટમ્ સ્વરો અને માધુર્યયુક્ત આલાપ આધારિત તેમની જટિલ લયકારી અને છંદકારીને કારણે લોકપ્રિય થયા. તેમની તાનો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી. તેમના અભિનવ પ્રયોગોને કારણે તેઓ ‘તારના રાજા’ તરીકે જાણીતા થયા. તેમણે સંગીત અંગે વ્યાખ્યાનો અને અનેક પ્રસ્તુતિઓનાં નિદર્શન કર્યાં. સંગીતશાસ્ત્રના ગૂઢ જ્ઞાનની ચર્ચા તેઓ દેશ-વિદેશના મંચો પરથી કરતા. ભારતની ભિન્ન ભિન્ન ભાષાઓના 4,000થી વધુ ગીતો તેમણે સંગીતબદ્ધ કર્યાં. ફિલ્મો, પ્રચાર માધ્યમો, વૃત્તચિત્રો, નૃત્યનાટિકા માટે સંગીત નિયોજનો કર્યાં. અનેક રાષ્ટ્રીય વાદ્યવૃંદો (ઑરકેસ્ટ્રા) માટે તેમણે સંગીત સમર્પણ કર્યું.
આવા ઉત્કૃષ્ટ સંગીતકારને દેશે અનેક ઍવૉર્ડ્ઝ આપીને નવાજ્યા હતા. 1992માં દિલ્હી સંગીતનાટક અકાદમીએ પુરસ્કૃત કર્યા હતા. 2009માં બાબા અલ્લાઉદ્દીન ખાન પુરસ્કાર અને 2011માં લાઇફટાઇમ એચીવમેન્ટ ઉપરાંત અભિનવ કલા, શિરોમણિ અને કલાયોગ જેવાં સન્માન પણ પ્રાપ્ત થયાં હતાં. દેશના સર્વોચ્ચ પુરસ્કારોમાંનો એક પદ્મશ્રી ઇલકાબ પંડિતજીને કેન્દ્ર સરકારે 2004માં આપીને એમનું બહુમાન કર્યું હતું.
સુધા ભટ્ટ
