અંકેગૌડા એમ. (જ. 8 જાન્યુઆરી 1949, ચિનકુરુલી, તા. પાંડવપુરા, કર્ણાટક) : એક પ્રસિદ્ધ ગ્રંથસૂચિકાર તથા જ્ઞાનસંરક્ષક. જેમણે પોતાનું સમગ્ર જીવન પુસ્તકોનાં સંરક્ષણ, સંગ્રહ અને વિનામૂલ્યે સાર્વજનિક પ્રચાર-પ્રસાર માટે સમર્પિત કર્યું છે.

એમનાં માતા-પિતાનું નામ છે મેરી ગૌડા અને નિનગમ્મા. જેઓ પાંડવપુરાના ચિનકુરુલી ગામમાં ખેતીનો વ્યવસાય કરે છે. અંકેગૌડા નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ પુસ્તકવાંચન અને સંગ્રહનો શોખ હતો. જે આગળ જતાં આજીવન ‘મિશન’(Mission)ના રૂપમાં પરિણમ્યો.

અંકેગૌડાએ કન્નડ સાહિત્યમાં એમ.એ. સુધીનો અભ્યાસ મૈસૂરની મહારાજા કૉલેજમાંથી કર્યો છે.  એમણે 32 વર્ષ સુધી ટાઇમ ઑફિસર તરીકે ‘પાંડવપુરા સહકાર સક્કરે કરકને લિમિટેડ’(પીએસએસકે લિમિટેડ)માં સેવા આપી છે. 2005માં સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ સ્વીકારી. જેમણે પાંચ દશકાની લાંબી જીવનયાત્રામાં પુસ્તકોનાં સંગ્રહનું સર્જન કર્યું જે 20 લાખથી અધિક પુસ્તકોનાં સંગ્રહમાં પરિણમ્યું. જેણે ભારતમાં શિક્ષા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વપૂર્ણ અને અદ્વિતીય યોગદાન આપ્યું છે. પુસ્તકોના સંગ્રહ માટે એમણે પોતાની કમાણીની રકમનો જ માત્ર ઉપયોગ કર્યો છે. આ પુસ્તકસંગ્રહમાં કન્નડ, અંગ્રેજી, હિંદી, તમિલ, તેલુગુ અને અન્ય ભાષાઓનો સમાવેશ થાય છે. તેમજ અનેક વિષયો જેવા કે સાહિત્ય, ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, દર્શન, અધ્યાત્મ, સંગીત, ભૂગોળ, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. આ સંગ્રહ એમના ઘરે જ સુરક્ષિત છે. આ લોકપ્રિય સંગ્રહ ‘પુસ્તકદા માને’ (House of Books) તરીકે ઓળખાય છે. આ પુસ્તકસંગ્રહનો સાર્વજનિક પુસ્તકાલયના સ્વરૂપે પણ ઉપયોગ થાય છે. આ સંગ્રહનો ઉપયોગ વિદ્યાર્થીઓ, શોધકર્તાઓ અને સમાજના તમામ વર્ગના લોકો વિના મૂલ્યે કરે છે. જેનાથી સામાજિક-આર્થિક કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના જ્ઞાનની ઊંચાઈએ પહોંચવા માટે પ્રોત્સાહન મળે છે.

અંકેગૌડા પોતાના પરિવારના સહયોગથી વેતનિક કર્મચારી વિના આ સંગ્રહની વ્યવસ્થા કરે છે. આજે પણ એમણે પોતાનું જીવન પુસ્તકોના સંગ્રહની જાળવણી માટે સમર્પિત કર્યું છે તેમજ પુસ્તકસંગ્રહનો વિસ્તાર કરવા માટે આજે પણ તેઓ એટલા જ કાર્યશીલ છે. તેઓ પુસ્તક પરિસરમાં જ રહે છે. જ્ઞાનસંરક્ષણ અને સાર્વજનિક શિક્ષણક્ષેત્રે અંકેગૌડાનું યોગદાન અદ્વિતીય છે. એમનું જીવન સેવા, સાદાઈ અને જ્ઞાનના પ્રસાર માટે પ્રતિબદ્ધતાપૂર્વક એક ઉદાહરણરૂપ છે.

અંકેગૌડાના આ અદભુત અને વિલક્ષણ કાર્યને માટે એમને સન્માન મળ્યાં છે. જેમાં કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર (2014) અને એમના અસાધારણ પુસ્તકસંગ્રહ માટે ‘લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્ઝ’ (2017)ની માન્યતા મળી છે. ભારત સરકારે 2026માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. કર્ણાટક સરકારે એમના સામાજિક મહત્ત્વનો સ્વીકાર કરતાં વિકસતા સંગ્રહને સમાયોજિત કરવા માટે અવસર અનુરૂપ (અવસંચરનાત્મક) સહાયતા પ્રદાન કરી છે.

કનુભાઈ શાહ