ભાઈ હરજિંદર સિંહજી

June, 2026

ભાઈ હરજિંદર સિંહજી (જ. 1 એપ્રિલ 1958, બલ્લારહ વાલ, પંજાબ) : શીખ કીર્તન પરંપરાની ગુરબાનીના વાહક.

વતનની સરકારી શાળામાંથી મૅટ્રિક થયા પછી તેમણે અમૃતસરની ગુરમત સંગીત કૉલેજમાંથી તાલીમ પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુરમત સાહિત્ય અને રાગ સંયોજન પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને નિષ્કામ કીર્તનને માટે સ્વયંને સમર્પિત કરી દીધા. ત્યારબાદના ત્રણ વર્ષ 1980થી 1983 એમણે શ્રીનગર (જમ્મુ-કાશ્મીર) ખાતે ‘શ્રી ગુરુસિંહ સભા’ ગુરુદ્વારામાં ગાયક તરીકે સેવા સમર્પિત કરી. ગુરુદ્વારામાં આ પ્રકારની સેવાને ‘હજૂરી રાગી’નું પદ આપવામાં આવે છે. ત્યારબાદ પંજાબ પાછા ફરીને તેમણે સ્વતંત્ર ગાયક તરીકેની સેવાપ્રવૃત્તિને જાળવી રાખી. 1985માં એમણે એમની પ્રથમ કૅસેટ ‘સબ દેશ પરાયા’ પેશ કરી. અત્યાર સુધીમાં એમણે સાતસોથી વધુ ‘ગુરુબાની શબદ’ રેકૉર્ડ કરી છે. 1986થી ભાઈજી ‘હરમંદિર સાહિબ- અમૃતસર’માં નિષ્કામ કીર્તનિયા તરીકે અવિરત સેવા અર્પણ કરી રહ્યા છે. એમનાં ભજનો અને એમના વક્તવ્યોએ અનેકનાં જીવન બદલી નાખ્યાના દાખલા છે.

ભાઈ હરજિંદર સિંહજી પર્યાવરણ સંરક્ષણક્ષેત્રે પણ પથપ્રદર્શક રહ્યા છે. પ્રથમ શીખ ગુરુ – ગુરુ નાનકદેવજીના ઉપદેશ ‘વાયુ ગુરુ છે, જળ પિતા છે અને પૃથ્વી માતા છે’માં તેમને અતૂટ વિશ્વાસ છે. ‘ભાઈ લાધાજી પરોપકારી સંગઠન’ સંસ્થાના સહકારથી તેઓ સમાજસેવામાં પણ વ્યસ્ત રહે છે. ભાઈ હરજિંદરજી લુધિયાણા અને અમૃતસર બંને સ્થળે અનુકૂળતા મુજબ પોતાની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહે છે. પણ શ્રીનગરની એમની કારકિર્દીને કારણે એમને અનેક ભક્તો અને ભાવકો ‘શ્રીનગરવાલે’ તરીકે ઓળખે છે. ‘ગુરમત’ અને ‘શબદ’ જેવા પવિત્ર શબ્દો ગુરુ ગ્રંથસાહેબની સાંગીતિક સેવા માટે અને ભક્તિ માટે પ્રચલિત છે. ‘ગુરબાની’ અર્થાત્ ગુરુની વાણીને હલકભેર કીર્તનના રૂપમાં ગાઈને તેમણે અમૃતસરના ‘ગોલ્ડન ટેમ્પલ’ – હરમંદિર સાહિબને ઘણી લોકપ્રિયતા અપાવી છે. 1980માં તેમણે લુધિયાણામાં ‘જથાֺ’ નામની પોતાની સંસ્થા ઊભી કરી હતી – જે આજ દિન લગી દેશવિદેશમાં પ્રવૃત્તિશીલ છે. એમનું સંગીત વિવિધ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. નાની વયથી ગાતા આ ગાયકની સંસ્થા ‘નિર્વાયર ખાલસા જથા’માં તેમના ભાઈઓ પણ જોડાયા છે. જેઓ હાર્મોનિયમ અને તબલાં વગાડે છે.  તેઓ વૈશ્વિક સ્તરે ‘ગુરુ કી સંગત’ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ સંગીત શાસ્ત્રીય રાગો પર આધારિત છે. તેઓ ધીમી શૈલીના આધુનિક રાગો પણ પ્રયોજે છે. વિનમ્રતાપૂર્વક ભાઈજી કહે છે કે તેઓ તો માત્ર ગાયક છે અને ગુરુજીને અનુસરે છે. તેઓ જે કંઈ છે તે ‘શબદ ગુરુ’ને કારણે છે તેમ તેઓ માને છે. ગુરુના આશિષને કારણે જ પોતે સેવાને વરી શક્યા છે. તેમનાં કાર્યોને સમાજે બિરદાવ્યાં છે. શીખ સંગીત પરંપરાને પ્રોત્સાહન આપી પ્રચાર કરવા બદલ તેઓ છવાઈ ગયા છે અને નવી પેઢીને પ્રોત્સાહનસહ તાલીમ પણ આપી રહ્યા છે. ‘ગુરુગ્રંથ’ અને ‘ગુરુપંથ’ને માનનારા ગુરુના આ વિનમ્ર સેવકની પ્રતિભાને અનેક માન-સન્માન અને ઍવૉર્ડ્ઝ મળ્યાં છે.

  • પંજાબ સરકારે ચંડીગઢમાં એમની આધ્યાત્મિક યાત્રા વિશે તેમને ખાસ બ્રોશર સમર્પિત કર્યું હતું.
  • ગુરુ તેગ બહાદુરની શહીદી ગાથા વિશે એમના સમર્પણને અનુલક્ષીને તેમના સિંહફાળાની નોંધ રાજ્યસભામાં લેવાઈ.
  • ‘અકાલ તખ્તસાહિબ’ દ્વારા એમના આજીવન ગુરમતસંગીતસેવા બદલ વિશેષ સન્માન કરાયું.
  • વર્ષ 2025માં ભાઈ હરજિંદર સિંહજીને કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી ઍવૉર્ડ અર્પણ કરાયો.

તેમનાં ભજન-કીર્તનના સંગ્રહમાં ગાયેલાં કેટલાંક યાદગાર ભજનો છે –

જૂઠના બોલ, રામનામ ગુણ હૈ, તુ પ્રભુ દાતા દાન મત પુરા, અમૃત બચન સાદ કી બાની, નાનક ચિંતા મત કરો, ચરણ કમલ તેરે, વાહે ગુરુ વાહે ગુરુ વગેરે.

સુધા ભટ્ટ