ફિફા (FIFA) વર્લ્ડકપ

June, 2026

ફિફા (FIFA) વર્લ્ડકપ (શરૂઆત: 1930) : રમતગમત અને સંસ્કૃતિમાં એક વૈશ્વિક ઘટના. FIFA વર્લ્ડકપ એ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ટુર્નામેન્ટ છે. ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબૉલ ઍસોસિયેશન (FIFA) દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં વિશ્વભરની શ્રેષ્ઠ રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમો વિશ્વ ચૅમ્પિયનના ખિતાબ માટે સ્પર્ધા કરે છે.

પ્રથમ FIFA વર્લ્ડકપ 1930માં ઉરુગ્વેમાં યોજાયો હતો. આ ટુર્નામેન્ટની શરૂઆત જુલ્સ રિમેટ દ્વારા કરવામાં આવી હતી, જેમના નામ પરથી મૂળ ટ્રૉફીનું નામ આપવામાં આવ્યું હતું. ઉરુગ્વે જ પ્રથમ ચૅમ્પિયન બન્યું. બીજા વિશ્વયુદ્ધ (1942 અને 1946 આવૃત્તિઓ રદ કરવામાં આવી હતી) સિવાય, આ ટુર્નામેન્ટ દર ચાર વર્ષે યોજવામાં આવે છે. સમય જતાં, તે અબજો દર્શકો સાથે વૈશ્વિક રમતગમતના નકશા પર અવ્વલ સ્થાન પામ્યું છે.

સ્પર્ધા ક્વૉલિફિકેશન સ્ટેજથી શરૂ થાય છે, જે અગાઉનાં ત્રણ વર્ષોમાં એ નક્કી કરવા માટે થાય છે કે કઈ ટીમો ‘ટુર્નામેન્ટ તબક્કા’ માટે ક્વૉલિફાય થશે. અહીં 200થી વધુ રાષ્ટ્રો અંતિમ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય થવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ, ટુર્નામેન્ટ તબક્કામાં, 32 ટીમો લગભગ એક મહિના દરમિયાન વિશ્વકપ ટાઇટલ માટે સ્પર્ધા કરે છે. યજમાન રાષ્ટ્ર આપમેળે ટુર્નામેન્ટના ગ્રૂપ તબક્કા માટે ક્વૉલિફાય થાય છે.

અંતિમ ટુર્નામેન્ટ અંતર્ગત હાલમાં 32 ટીમો છે (2026થી 48 ટીમો સુધી વિસ્તરશે). હાલની ફિફા વર્લ્ડકપ ટ્રૉફી 1974માં બનાવવામાં આવી હતી. તે 18-કૅરેટ સોનાથી બનેલી છે અને બે માનવ આકૃતિઓ પૃથ્વીને ધારણ કરી રહ્યા હોય તે પ્રકારની છે, આ ટ્રૉફી ફૂટબૉલમાં વૈશ્વિક એકતા અને શ્રેષ્ઠતાનું પ્રતીક છે.

ફિફા વર્લ્ડ કપની સૌથી સફળ ટીમો વિશે જાણીએ તો : 1930માં ઇવેન્ટની શરૂઆત થઈ ત્યારથી 22 ફાઇનલ ટુર્નામેન્ટ યોજાઈ છે, અને કુલ 80 રાષ્ટ્રીય ટીમોએ ભાગ લીધો છે. આ ટ્રૉફી આઠ રાષ્ટ્રીય ટીમો જીતી છે. પાંચ જીત સાથે, બ્રાઝિલ એકમાત્ર ટીમ છે જે દરેક ટુર્નામેન્ટમાં રમી છે. અન્ય વર્લ્ડકપ વિજેતાઓમાં જર્મની અને ઇટાલી છે, જેમણે ચાર-ચાર ટાઇટલ જીત્યા છે. આર્જેન્ટિના, ત્રણ ટાઇટલ સાથે; ફ્રાન્સ અને ઉદ્ઘાટન વિજેતા ઉરુગ્વે, દરેક બે ટાઇટલ સાથે વિજેતાઓની યાદીમાં સ્થાન પામે છે. ભારત ક્યારેય ફિફા વર્લ્ડ કપની અંતિમ ટુર્નામેન્ટમાં રમ્યું નથી. જોકે 1950માં, અન્ય ટીમો ખસી જતાં વર્લ્ડકપ માટે આપણે ડિફોલ્ટ રૂપે ક્વૉલિફાય થયા હતા. જોકે મુસાફરી ખર્ચ અને પ્રૅક્ટિસના અભાવને કારણે ભારત પણ ત્યારબાદ ટુર્નામેન્ટમાંથી ખસી ગયું હતું.

આ ટુર્નામેન્ટના કેટલાક યાદગાર ખેલાડીઓની યાદી જોઈએ તો : પેલે – 3 વર્લ્ડકપ જીતનાર એકમાત્ર ખેલાડી છે, તો ડિએગો મેરાડોના – 1986ના શૌર્ય માટે પ્રખ્યાત છે અને લાયોનેલ મેસ્સી એ 2022માં આર્જેન્ટિનાને વિજય અપાવ્યો તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મહાન આધુનિક ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે.

અત્યાર સુધીમાં અઢાર દેશોએ વર્લ્ડકપનું આયોજન કર્યું છે, આ વર્ષે 2026માં FIFA વર્લ્ડકપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને મેક્સિકો દ્વારા યોજાશે, અને તેમાં પ્રથમ વખત 48 ટીમો ભાગ લેશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી એડિશન બનાવશે. છેલ્લે 2022 ફિફા વર્લ્ડકપ, કતારમાં યોજાયો હતો. તે ઐતિહાસિક હતું કારણ કે, મધ્ય પૂર્વમાં આ પ્રથમ વર્લ્ડકપ યોજાયો અને તેમાં ફ્રાન્સ સામે રોમાંચક ફાઇનલ બાદ આર્જેન્ટિનાએ ટાઇટલ જીત્યું.

આમ, FIFA વર્લ્ડકપને વૈશ્વિક સ્તરે સૌથી પ્રતિષ્ઠિત ફૂટબૉલ સ્પર્ધા તરીકે ગણવામાં આવે છે, તેમજ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી અને અનુસરવામાં આવતી રમતગમતની ઇવેન્ટ તરીકે ગણવામાં આવે છે. 2018 વર્લ્ડકપની દર્શકોની સંખ્યા 3.57 અબજ હોવાનો અંદાજ હતો, જ્યારે 2022 વર્લ્ડકપ સાથેની વ્યસ્તતા 5 અબજ હોવાનો અંદાજ હતો, જેમાં લગભગ 1.5 અબજ લોકો ફાઇનલ મૅચ જોઈ રહ્યા હતા. FIFA વર્લ્ડકપ ફક્ત એક રમતગમત ટુર્નામેન્ટ કરતાં કંઈક વધુ છે: તેમાંનું એક કારણ છે તેની સાંસ્કૃતિક અસર- તે વિવિધ દેશો અને સંસ્કૃતિઓના લોકોને એક કરે છે. વળી તેના આર્થિક પ્રભાવની પણ નોંધ લેવી પડે કારણ કે તે યજમાન દેશોમાં પ્રવાસન અને માળખાગત સુવિધાઓને વેગ આપે છે. વળી, વિશ્વભરમાં સૌથી વધુ જોવાતી ઇવેન્ટ્સમાંની એક એવી આ ટુર્નામેન્ટ સાથે રાષ્ટ્રીય ગૌરવની લાગણી પણ જોડાયેલી છે.

ત્રિલોક સંઘાણી