રુમાદેવી (જ. 16 નવેમ્બર 1988, રાવતસર, જિ. બાડમેર, રાજસ્થાન) : સમાજમાં શિક્ષણ, આરોગ્ય અને સ્ત્રીઓના પ્રશ્નો વિશે ક્રાંતિ લાવનાર.

રુમાદેવીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ ચાર વર્ષની ઉંમરે માતાનું છત્ર ગુમાવ્યું હતું. પિતાએ બીજાં લગ્ન કરી લેતાં નાનકડી રુમાને તેના કાકાને ત્યાં મોકલી દેવામાં આવી. ગરીબીમાં ઊછરતી રુમાને ખેલકૂદ કરવાની ઉંમરે અત્યંત શ્રમભર્યું ઘરકામ કરવું પડતું. માથે માટલાં મૂકીને દૂરથી પાણી ભરી લાવવું પડતું. શાળા ખૂબ દૂર હતી. પગે ચાલીને જવું પડતું. તેની પાસે પગમાં પહેરવાનાં ચપ્પલ નહોતાં. આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો.

17 વર્ષની વયે તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં. લગ્નનાં બે વર્ષ બાદ તેના પ્રથમ સંતાનનો જન્મ થયો, પરંતુ જન્મથી અશક્ત બાળકની સારવાર માટે આર્થિક સવલત ન હોવાથી સારવારના અભાવે સંતાનનું મૃત્યુ થયું. આ આઘાત તેના માટે અસહ્ય હતો. તે અંદરથી ભાંગી પડી અને તે સમયે આપઘાત કરવાના વિચારો આવવા માંડ્યા. પરંતુ સમય જતા રાજસ્થાનની આ નારીએ ગરીબી અને વિકટ પરિસ્થિતિ સામે ઝઝૂમવાનો અડગ નિર્ધાર કર્યો.

બાળપણમાં તેનાં દાદીમાએ શીખવેલું બારીક નકશીદાર ભરતકામ યાદ આવ્યું અને તેણે તે કાર્ય શરૂ કર્યું. તેણે યોજનાબદ્ધ રીતે સોય-દોરાથી ગાદી-તકિયા, થેલીઓ વગેરે તૈયાર કરી વેચવા માંડ્યાં. કામ વધતું ગયું, પરંતુ પર્યાપ્ત સાધન-સામગ્રીને અભાવે અનેક મુશ્કેલીઓ હતી. કેટલાક ઓળખીતાઓ પાસેથી જેમતેમ ઉધાર પૈસા લઈ સિલાઈ મશીન ખરીદ્યું. રૂઢિચુસ્ત સમાજમાં મહિલા તરીકે એકલપંડે દુકાનદારો અને વિક્રેતાઓ સાથે કામ કરવાનું સરળ નહોતું.

ધીમે ધીમે સ્થાનિક બજારોમાં કામ મળવા માંડ્યું. 2010 સુધીમાં તો 5000થી વધુ મહિલાઓ તેની સાથે જોડાઈ. હવે તેણે દિલ્હીના બજારની તપાસ કરી, પરંતુ ત્યાં ભાષાની સમસ્યા નડતી હતી. તેને હિંદી કે અંગ્રેજી ભાષા આવડતી ન હતી. નકારાત્મક પ્રતિભાવ મળે તોપણ તે નાસીપાસ થતી નહીં. તેણે એક પછી એક વિદેશોમાં પણ નકશીદાર, આકર્ષક, પારંપરિક કપડાંઓનું પ્રદર્શન કરી પ્રશંસા મેળવી.

તેમને સાસરામાં બહારનાં કામ કરવા પર સખત પ્રતિબંધો હતા. તે માટે તેમણે ખાસ્સી લડત આપવી પડી. શરૂ શરૂમાં માથે ઘૂમટો તાણીને કામ કરવું પડતું. બારમેડમાં 50 ડિગ્રી તાપમાનમાં ઘૂમટા સાથે રંગકામ તથા બારીક ભરતકામ કરવાનું દુષ્કર હતું. તેમણે જિલ્લાની અસંખ્ય મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવી. તેમણે ભારતના અનેક ખ્યાતનામ ડિઝાઇનરો સાથે કામ કર્યું.

કેબીસી.ના ખાસ શો કર્મવીરમાં ઉપસ્થિત થવાની તક મળ્યાનું તેમને ખૂબ ગૌરવ છે. 2018માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ‘નારી શક્તિ પુરસ્કાર’થી સન્માનિત કરાયાં.

શુભ્રા દેસાઈ