કિટાગાવા, સુસુમા (Kitagawa, Susuma) (જ. 4 જુલાઈ 1951, ક્યોટો, જાપાન) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

સુસુમા કિટાગાવાએ ક્યોટો યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને અહીંની જ 1979માં હાઇડ્રો-કાર્બન રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેમની નિમણૂક મદદનીશ પ્રાધ્યાપક તરીકે થઈ (કિન્ડાઈ યુનિવર્સિટી) અને તે પછી 1983માં તેઓ વ્યાખ્યાતા અને 1988માં સહયોગી પ્રાધ્યાપક બન્યા. 1998માં તેઓ અકાર્બનિક કાર્યાત્મક રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા અને 2007માં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેટેડ સેલ-મટીરિયલ સાયન્સીસની સ્થાપના કરી. 2024માં ક્યોટો યુનિવર્સિટીમાં સંશોધનોને ઉત્તેજન આપવા માટે તેમની નિમણૂક કાર્યવાહક વાઇસ-પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવી. 1997માં કિટાગાવાએ દર્શાવ્યું કે સંકલન પૉલિમર માળખાઓ (coordination polymer structures) વાયુ ગ્રહણ કરવા માટેના ગુણધર્મો ધરાવે છે, જે કાર્યાત્મક છિદ્રાળુ પદાર્થના વિકાસ માટે ચાવીરૂપ અર્થાત્ અગત્યની શોધ હતી. ત્યારબાદ તેઓએ મૃદુ છિદ્રાળુ સ્ફટિક(soft porous crystals)ની ભૌતિક અથવા રાસાયણિક ઉત્તેજનાથી વિશાળ ફલક પર થતાં માળખાકીય પરિવર્તનોને લગતાં સંશોધનો કર્યાં.

સુસુમા કિટાગાવાને 2008માં હમ્બોલ્ટ રિસર્ચ પુરસ્કાર, 2009માં કેમિકલ સોસાયટી ઑવ્ જાપાન પુરસ્કાર, 2016માં ફ્રેડ બસોલો ચંદ્રક, 2017માં ‘કેમિસ્ટ્રી ઑવ્ ધ ફ્યુચર’ – સૉલ્વે પુરસ્કાર જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

પૂરવી ઝવેરી