રાવ, ચેન્નમનેનિ હનુમંતા (જ. 15 મે 1929, સીરસીલ્લા, હૈદરાબાદ, તેલંગણા) : ભારતીય અર્થશાસ્ત્રી. તેમણે બી.એ.ની ડિગ્રી 1955માં નિઝામ કૉલેજ એમ.એ. (ઇકૉનૉનિક્સ) 1957, ઓસ્માનીયા યુનિવર્સિટી, હૈદરાબાદ અને 1962માં પીએચ.ડી.(ઇકૉનૉમિક્સ)ની ઉપાધિ દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી પોસ્ટ ડૉક્ટરલ ફેલો (Post Doctoral Fellow) યુનિવર્સિટી ઑફ શિકાગોના અર્થશાસ્ત્ર વિભાગ(1966-67)માં હતા. એમના ડૉક્ટરલ સલાહકાર વિકાસ મિશ્રા હતા.
તેમનું સંશોધનકાર્ય ગરીબી ઉન્મૂલનને કેન્દ્રમાં રાખીને કૃષિ વિકાસના ધ્યેયને સમર્પિત રહ્યું. કૃષિ અર્થવ્યવસ્થામાં યોગદાન માટે વર્ષ 1974-75માં રફી અહમદ કીડવાઈ સ્મારક પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. સેન્ટર ફોર ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ સ્ટડીઝ(Centere for Economic and Social Studies)ના ચૅરમૅન છે. તેઓ 7th & 8th ના પ્લાનિંગ કમિશન અને ફાઇનાન્સ કમિશનના સભ્ય (1982-86) રહ્યા છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (1982-84) તથા ભારત સરકારની અન્ય અનેક વિશેષજ્ઞ સમિતિઓ તેમજ આયોગોના સભ્ય તરીકે પણ કાર્ય કર્યું. અર્થશાસ્ત્ર વિષયમાં આજીવન કાર્ય કરવા માટે 1995માં ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડ આપવામાં આવ્યો.
નૅશનલ ઍડ્વાઇઝરી કાઉન્સિલ (National Advisory Council) 2004-2008 દરમિયાન સભ્ય રહ્યા. ભારત સરકારે 2004માં પદ્મભૂષણનો ખિતાબ આપીને સન્માનિત કર્યા છે. 1990ના દશકમાં ‘પોસ્ટ-ઇકૉનૉમિક રિફૉર્મ્સ સિનિયરો ઑન ઍગ્રિકલ્ચરલ ગ્રોથ, રૂરલ પાવર્ટી ઍન્ડ ઍન્વાયર્નમેન્ટ ઇન ઇન્ડિયા’ નામના વિષય પર સંશોધનકાર્ય કેન્દ્રિત કર્યું છે.
1961માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ગ્રોથ, દિલ્હી વિશ્વવિદ્યાલયના ફેલો બન્યા તથા 1992માં સેવાનિવૃત્ત થયા.
કનુભાઈ શાહ
