કૌરા, સતીષકુમાર (જ. 18 ડિસેમ્બર 1944) : ટેલિવિઝન પિક્ચર ટ્યૂબના ઉત્પાદન માટે ગૃહઉદ્યોગ-ટેલિટ્યૂબ ઇલેક્ટ્રૉનિક્સના સ્થાપક.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, કાનપુરથી ઈ. સ. 1966માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ(B.Tech.)ની સ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓ કૅનેડા ગયા અને કાર્લટોન યુનિવર્સિટી(Carleton University)માંથી ઇલેક્ટ્રૉનિક્સમાં માસ્ટર્સ ડિગ્રી (MS) મેળવી. ભારત પાછા આવીને ઈ. સ. 1973માં સામટેલ ગ્રૂપની સ્થાપના કરી. ત્યારબાદ બે નાનાં સાહસોની શરૂઆત કરી. ઈ. સ. 1981માં સામટેલ ઇન્ડિયા લિમિટેડ અને એન્જિનિયરિંગ વેપારી પેઢી – સામટેલ એન્જિનિયરિંગ ઍન્ડ સોર્સિંગ સૉલ્યુશન્સનો ઈ. સ. 1983માં પ્રારંભ કર્યો. ઈ. સ. 1986માં તેમણે ‘સામટેલ કલર લિમિટેડ’ની સ્થાપના કરી. જે વાર્ષિક ધોરણે દસ લાખ પિક્ચરટ્યૂબનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

તેમના નેતૃત્વમાં સામટેલ ગ્રૂપ રંગીન અને બ્લૅક ઍન્ડ વ્હાઇટ ટીવી પિક્ચરટ્યૂબ, ડિસ્પ્લે મૉનિટર ટ્યૂબ તથા હવાઈ જહાજો, ચિકિત્સા અને ઉદ્યોગમાં પ્રયોગ કરવાવાળી ટ્યૂબો, સી.આર.ટી.ગ્લાસ, ઇલેક્ટ્રૉન ગન, હીટર અને કેથોડ, ડિસ્પ્લે મૉનિટર જેવાં અનેક ડિસ્પ્લે યંત્રોનાં નિર્માણકાર્ય થાય છે. આજે સામટેલ ગ્રૂપનો 1300 કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. તેમજ તેમની આઠ ફૅક્ટરીઓમાં 6000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

કૌરા કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના નોર્ધન ચેપ્ટરના પ્રમુખ છે. ‘નૅશનલ કમિટી ઑન ડિફેન્સ’ના સહપ્રમુખ (Co-chairman) છે તેમજ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી કમિટીના ચૅરમૅન છે. તેમણે ઇલેક્ટ્રૉનિક ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી છે. તેઓ ઘણી કંપનીઓના બોર્ડમાં સંકળાયેલા છે : આઈસીઆઈસીઆઈ ગ્રૂપ, એસઆરએફ લિમિટેડ, ઇન્ફિનિટી આઈ, ફ્રેમ મર્કેન્ટાઇલ, કેફીન લીઝિંગ, બ્લૂ બેલ ટ્રેડ લિંક અને પારસેક ટૅકનૉલૉજીસ (ભારત). રિવ્યૂ કમિટી ઑફ ધ ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન(DRDO)ના તેમજ સાયન્ટિફિક ઍડવાઇઝરી કાઉન્સિલના સભ્ય છે.

કૌરાને વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેમની ઉત્કૃષ્ટ કાર્યશીલતા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, કાનપુર તરફથી 1989માં વિશિષ્ટ ઍલ્યુમની ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે. કુદરતની સંભાળ માટેનો ઍવૉર્ડ પ્રિન્સ ફિલિપ તરફથી વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (1994) પ્રાપ્ત થયો છે. ત્યારપછી સંસ્થાના પ્રેસિડન્ટ થયા. લખનઉ મૅનેજમેન્ટ ઍસોસિયેશને તેમને ‘ઉત્તરપ્રદેશ ટ્રાન્સફોર્મેશનલ લીડરશિપ ઍવૉર્ડથી 2002માં નવાજ્યા છે. 2004માં ભારત સરકારે પદ્મશ્રી ઍવૉર્ડ અર્પણ કર્યો છે. તેમજ તેમને ઇલેક્ટ્રૉનિક્સ ફોર યૂ ગ્રૂપે લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ(2007)થી સન્માનિત કર્યા છે. આ અને આવા અન્ય ઍવૉર્ડો એમનાં કાર્યોથી પ્રભાવિત થઈને એમને પ્રાપ્ત થયા છે.

કનુભાઈ શાહ