આનંદબહેન (જ. 1 મે 1988, ગઢડા) : માનવીય અભિગમ ધરાવતાં સન્નારી.
ગઢડા જેવા ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં એક ક્યૂટ દીકરીનો જન્મ થયો. જન્મથી જ હસમુખી અને સદાય આનંદમાં રહેતી આ દીકરીનું નામ માતાપિતાએ હેતથી ‘આનંદ’ રાખ્યું. આનંદથી ત્રણ મોટાં બહેનો અને એક ભાઈ. આ પાંચ સંતાનોનો ઉછેર અને તેમને ભણાવવાનું કામ એક સાધારણ ખેડૂત પિતા માટે ઘણું જ મુશ્કેલીભર્યું હતું. છતાં સતધર્મી આ દંપતી તાણીતૂસીને ઘરનું ગાડું જેમતેમ નિભાવ્યે જતાં હતાં.
આનંદે દસમું ધોરણ પાસ કર્યું ત્યાં જ પિતા લાંબા ગામતરે ચાલી નીકળ્યા. માતા તો બિચારી સામાન્ય ગૃહિણી. ધોરણ 11માં અભ્યાસ ચાલુ હતો ત્યારે જ આનંદે સાઇડમાં ટ્યૂશન કરી ઘરમાં મદદરૂપ થવાની જવાબદારી નિભાવી. સાથે સાથે ઝૂંપડપટ્ટીનાં બાળકોને મફત ભણાવવાનું કામ તો ચાલુ જ. પોતાની આ બધી કામગીરીને લીધે એસ.એસ.સી.માં 56% જ પ્રાપ્ત થયા, પરંતુ એચ.એસ.સી.માં સારો અભ્યાસ કરી 68% જેવું ઉજ્જ્વળ પરિણામ મેળવ્યું. પછી તો તેણીએ બોટાદની સાકરિયા કૉલેજમાં હોમ સાયન્સ વિષયમાં ગ્રૅજ્યુએશન પણ પસાર કર્યું. ઉપરાંત એમ.એસસી.નો અભ્યાસ પણ ચાલુ કર્યો.
આવી કપરી પરિસ્થિતિમાં આનંદની આકરી પ્રતિજ્ઞા – ‘જ્યાં સુધી ક્લાસ વન અધિકારી ન બની જાઉં, ત્યાં સુધી પગમાં ચંપલ નહીં પહેરું’…..પૂરી કરવાની જવાબદારી પાર પાડવાની હતી. છતાં હિંમત હાર્યા વિના ઈ. સ. 2012માં આનંદબહેને એક NGOમાં નોકરી સ્વીકારી. ચાઇલ્ડ પ્રોટૅક્શન યુનિટમાં ચાઇલ્ડ પ્રોટૅક્શન ઑફિસર તરીકે ફરજ બજાવી. નોકરીની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની એમાંય વિશેષ કરીને GPSC ની તૈયારી ચાલુ જ રાખી હતી. NGO ની નોકરી દરમિયાન ઉપરી અધિકારીઓની અને નીચલી પાયરીના લોકોને પરેશાન કરવાની કે તેનું શોષણ કરવાની માનસિકતા જોઈને આ દીકરીએ નક્કી કરી લીધું કે નોકરી તો ક્લાસ વન અધિકારી તરીકે જ કરવી છે. જેથી કોઈ ઉપલા અધિકારીની નબળી માનસિકતા અને શોષણનો ભોગ બનવું ન પડે.
આનંદબહેને કઠોર મહેનતના પરિણામે GPSCના આઠેક વિભાગની પરીક્ષા એકસાથે પાસ કરી અને ક્લાસ વન અધિકારી બનવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું. GPSC થયેલાં આનંદબહેન પાસે મહિલા અને બાળકલ્યાણ જેવા અનેક વિકલ્પો હતા. છતાં તેમણે સામાજિક અને અધિકારિતા વિભાગ સંદર્ભે અનુસૂચિત જાતિ વિકાસ ક્ષેત્રે કામ કરવાનું નક્કી કર્યું. કારણ કે આનંદબહેન જાણતાં હતાં કે અનુસૂચિત જાતિના લોકો સદીઓથી અસ્પૃશ્યતારૂપી અમાનવીય અત્યાચાર અને અપમાનના ભોગ બનતા આવ્યા છે. તેમને સ્વમાનભેર જીવવા મળે અને આર્થિક અને શૈક્ષણિક રીતે સધ્ધર થાય તે માટેના સરકાર દ્વારા પ્રયત્નો કરવા. આવા ઉમદા હેતુથી આનંદબહેને અનુસૂચિત જાતિ વિકાસ વિભાગ પસંદ કર્યો.
તેમનું પ્રથમ પોસ્ટિંગ ગીર-સોમનાથ ખાતે થયું. જ્યાં બે વર્ષના પ્રોબેશન બાદ તેઓની બદલી રાજકોટ ખાતે જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરીમાં નાયબ નિયામક વર્ગ – 1 તરીકે થઈ. હાલ તેઓ પોતાની ફરજ બહુ નિષ્ઠા અને પ્રામાણિકતાથી બજાવી રહ્યાં છે. આનંદબહેને આજીવન લગ્ન ન કરવાનું નક્કી કર્યું છે. તેઓ માને છે કે એકલા હોઈએ તો લોકોને સારી રીતે મદદરૂપ થઈ શકાય અને જરૂરિયાતમંદ લોકો માટે કશુંક નક્કર કરી શકાય. આનંદબહેન હજુ IAS અધિકારી બનવાની ઇચ્છા રાખે છે. હાલ તેઓ રાજકોટમાં ખૂબ મહેનત કરી રહ્યાં છે. પોતાની કચેરીમાં આવતો માણસ તેનું કામ થયાનો સંતોષ લઈને જાય એવો માનવીય અભિગમ તેમણે અપનાવ્યો છે.
કનુભાઈ શાહ
