એક્સકુકેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વૃક્ષ કે ક્ષુપસ્વરૂપ ધરાવતી નાનકડી પ્રજાતિ. તે કડવો અને ઝેરી ક્ષીરરસ ધરાવે છે અને જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. અમેરિકામાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ નોંધાઈ છે.
Excoecaria agallocha Linn. (અં. ઍગેલોચા, બ્લાઇન્ડિંગ ટ્રી; બં. ગેંગ્વા; મ. સુરુંદ, ફુંગલી; મલ. કોમાટ્ટી) સદાહરિત, નાનું વૃક્ષ કે મોટું ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે. તેની છાલ ભૂખરી હોય છે. તેનાં પર્ણો ચળકતાં, ઉપવલયાકાર (elliptical) કે અંડાકાર હોય છે. પુષ્પો નાનાં પીળાશ પડતાં લીલાં અને સુગંધિત હોય છે. તે ભારત અને આંદામાનના દરિયાકિનારે સુંદરી મૅન્ગ્રોવનાં જંગલોમાં થાય છે. ગુજરાતમાં તે ઘોઘા(ભાવનગર)ના દરિયાકિનારે મળી આવે છે. તે 12.0 મી. જેટલી ઊંચાઈ અને 1.5 મી. જેટલો ઘેરાવો ધરાવે છે.
તેનું કાષ્ઠ શરૂઆતમાં સફેદ હોય છે અને ઉંમર વધતાં પીળાશ પડતું ભૂખરું બને છે. તે હલકું (વજન 335 કિગ્રા.થી 495 કિગ્રા./ઘમી.), પોચું વાદળી જેવું, સુરેખ-દાણાદાર (stright-grained) અને સમ-ગઠનવાળું (even-textured) હોય છે. તેનું સંશોષણ (seasoning) સહેલાઈથી થાય છે. કાષ્ઠ બહુ ટકાઉ હોતું નથી અને સરળતાથી વહેરી શકાય છે. તેનો સામાન્ય સુથારીકામ, અને ખોખાં, રમકડાં, પલંગના પાયાઓ અને તરાપા બનાવવામાં ઉપયોગ થાય છે. તે કોલસો બનાવવામાં અને બળતણ તરીકે પણ ઉપયોગી છે. તેનો નીચી ગુણવત્તાવાળાં ખપાટિયાં અને કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. તેમાંથી પાવર આલ્કોહૉલ બનાવી શકાય છે. કાષ્ઠીય કણોનું સલ્ફ્યુરિક ઍસિડથી પાચન કરતાં 40 % શર્કરાઓ (શુષ્ક વજનને આધારે) ઉત્પન્ન થાય છે; જે પૈકી 70 %નું આથવણ થઈ શકે છે. તેના કાષ્ઠનો પુરવઠો સુંદરવન, કોંકણ, દક્ષિણ કાનડા અને આંદામાન દ્વારા પૂરો પડે છે.
વનસ્પતિના બધા ભાગો આછો પીળો અને કડવો ક્ષીરરસ (વિ. ગુ. 0.9723; ઍસિડમૂલ્ય 4.0) ધરાવે છે. તાજો રસ ખરાબ વાસવાળો હોય છે. તાજા ક્ષીરરસનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : કુલ ઘન પદાર્થ 38 %, જલ-દ્રાવ્ય પદાર્થો 4 %, સ્કંદનીય (coaguable) દ્રવ્ય 34 %, અશુદ્ધ પ્રોટીન 7.9 %, લિપિડ અને રાળ-ઍસ્ટર 8.6 %, રાળ 11.4 %, ભસ્મ 1.7 %, રેસા 1.7 % અને રબર 2.7 %. લિપિડમાં લિગ્નોસેરીક, સેરોટીક, ઓલીક અને લીનોલીક ઍસિડના ગ્લિસરાઇડો હોય છે. ક્ષીરરસ ચામડી ઉપર ફોલ્લા ઉત્પન્ન કરે છે અને આંખમાં પડે તો વ્યક્તિ અંધ બને છે. તે ખુલ્લામાં કાળા જથ્થામાં ફેરવાય છે. તેની છાલમાં 10 % ટૅનિન અને 9.0 % ટૅનિનરહિત પદાર્થો હોય છે.
તેનો ક્ષીરરસ હઠીલા ચાંદાની ચિકિત્સામાં દાહક (caustic) તરીકે વપરાય છે. તેલમાં ઉકાળેલો રસ સંધિવા, કોઢ અને લકવામાં લગાડવામાં આવે છે. તેલવાળો રસ અને કાષ્ઠના નિસ્યંદનથી મેળવેલ ઘટ્ટ તેલનો મ્યાનમારમાં ચામડીના રોગોમાં ઉપયોગ થાય છે. ક્ષીરરસ જલદ રેચક અને ગર્ભપાતક (abortifacient) છે. તે મત્સ્ય-વિષ તરીકે ઉપયોગી છે.
પર્ણો વિષાળુ હોય છે. તેમનો કાઢો અપસ્માર(epilepsy)માં અને ચાંદા ઉપર લગાડવામાં ઉપયોગી છે. તેની છાલ જલદ વમનકારી (emetic) અને રેચક ગુણ ધરાવે છે. મૂળનો મર્દનદ્રવ-(embrocation)ના ઘટક તરીકે ઉપયોગ થાય છે અને હાથ-પગના સોજાઓ પર વપરાય છે.
E. robusta Hook. f. દક્ષિણ ભારતના પહાડી પ્રદેશમાં થતી ક્ષુપ-જાતિ છે. E. cochinchinensis Lour. syn. E. bicolor Hassk. 1.2 મી.થી 1.5 મી. ઊંચી શોભન-જાતિ છે અને ઉદ્યાનમાં કે કૂંડામાં તેનાં સુંદર પર્ણો માટે ઉગાડાય છે. તેનાં પર્ણો ઉપરથી ઘેરાં લીલાં અને નીચેથી લાલ રંગનાં, અંડાકાર અને સંમુખ ગોઠવાયેલાં હોય છે. ગુચ્છમાં ઉદભવતાં સફેદ પુષ્પો તેની શોભામાં વધારો કરે છે. તે છાંયડામાં ઉગાડાય છે અને વર્ષા ઋતુ દરમિયાન કટકાઓ (cutting) દ્વારા રોપવામાં આવે છે.
E. acerifolia F. Didr. (હિં. બાસીંગ, કુમાઉં ફુટકિયા) સદાહરિત ક્ષુપ કે નાની વૃક્ષ-જાતિ છે અને 900 મી.થી 1,800 મી.ની ઊંચાઈએ મધ્ય હિમાલય – ખાસી પહાડીઓ – માં થાય છે. તેનાં પર્ણોનો ઉપયોગ સંધિવામાં થાય છે. E. oppositifolia Griff. (આસામ – ડીએંગ-જામ, દુધ્ગોચ) આસામમાં થાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ