માર્ક ટુલી (સર વિલિયમ માર્ક ટુલી)

May, 2026

માર્ક ટુલી (સર વિલિયમ માર્ક ટુલી) (જ. 24 ઑક્ટોબર, 1935, ટોલીગંજ, કૉલકાતા; અ. 25 જાન્યુઆરી, 2026, નવી દિલ્હી) : બ્રિટિશ પત્રકાર, બીબીસીના નવી દિલ્હી ખાતેના બ્યૂરો ચીફ. આ હોદ્દા પર તેઓએ સતત 20 વર્ષ કામગીરી કરી હતી. જોકે બીબીસીમાં તેમણે કુલ ત્રણ દશક કામગીરી કરી હતી. તદુપરાંત, તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં હતાં તેમજ તેનું પ્રકાશન પણ કર્યું હતું.

માર્ક ટુલી

બ્રિટિશ ભારતમાં જન્મેલા આ પત્રકાર પોતાના પત્રકારત્વના વ્યવસાયને ઘણી ગંભીરતાથી જોતા. તેમના પિતા બ્રિટિશ વ્યવસાયકાર અને માતા બંગાળમાં જન્મેલ મહિલા હતાં. આથી ટુલીના જન્મનો પ્રથમ દસકો ભારતમાં પસાર થયો. આ પરિવારમાં તેમની સાથે રહેતાં તેમનાં બ્રિટિશ દાદીમા તેમને આમ બાળકો સાથે ખાસ રમવા દેતાં નહીં. હિંદીમાં બોલવા માટે પણ નિરુત્સાહિત કરતાં. તેમની ચાર વર્ષની વયે તેમને દાર્જિલિંગની બોર્ડિંગ શાળામાં ભણવા માટે મૂકવામાં આવેલા. નવ વર્ષની વયે તેઓ   અભ્યાસ માટે બ્રિટન ગયા. બ્રિટનમાં તેમણે હેમ્પશાયરની શાળામાં, માલબરો કૉલેજ અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યું. તેમણે ધર્મશાસ્ત્ર(થિયૉલૉજી)નો અભ્યાસ કર્યો. તેમનો ઇરાદો ઇંગ્લૅન્ડના સર્ચના પાદરી બનવાનો હતો, પરંતુ ધર્મના શિક્ષણ અંગે મનોમન તેમણે ઘણી અવઢવ અનુભવી. સાથે પત્રકાર અને તે અંગેનાં કાર્યોમાં રસ પડતાં તેમણે પત્રકાર બનવાનો નિર્ણય કર્યો.

આ નિર્ણયથી પ્રેરાઈને 1964માં તેઓ પત્રકારત્વ માટેની જાણીતી સંસ્થા બીબીસીમાં જોડાયા. ભારત સાથેના મનના અનુરાગને કારણે તેમને ભારત વિશેની માહિતી મોકલવાનું જણાવવામાં આવ્યું, આથી તેમણે 1965માં ભારતમાં આવી અહીં સ્થાયી થવાનો નિર્ણય લીધો. ત્યારથી જીવનના અંત સુધી તેમણે ભારતને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. આ સુદીર્ઘ કાર્યકાળ દરમિયાન બીબીસીના પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી. જેમાં ભારત-પાક સંઘર્ષો, ભોપાલ ગૅસ ટ્રૅજેડી, ઑપરેશન બ્લૂ સ્ટાર, ઇંદિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા, શીખ વિરોધી રમખાણો/તોફાનો અને બાબરી મસ્જિદ ભંગાણ જેવી અનેક નોંધપાત્ર ઘટનાઓના અહેવાલ રજૂ કરેલા. આ અહેવાલોમાં તેમની રજૂઆત નવતર શૈલીની પૂર્વગ્રહમુક્ત તેમજ ઊંડાણભરી માહિતી સાથેની રહેતી. આકાશવાણીના તે જમાનામાં એક મોટો ચાહક વર્ગ તેમણે ઊભો કર્યો હતો જે તેમના અહેવાલોની આતુરતાપૂર્વક રાહ જોતો; એટલું જ નહીં, પણ તેમના નિર્દંશ અભિપ્રાયોની સરાહના પણ કરતો. ‘બાબરી મસ્જિદ ધ્વંસ’ની ઘટનાને તેમણે ભારતની બિનસાંપ્રદાયિકતાના ‘ઘણા મોટા આઘાત’ તરીકે ઓળખાવેલી. તેમણે 1994માં બીબીસીમાંથી રાજીનામું આપીને આ લાંબી કારકિર્દી છોડી. આ રાજીનામું તેમણે બીબીસીના ડિરેક્ટર જનરલ મિ. જ્હોન બર્ટ સાથેના મતભેદોને કારણે મૂક્યું હતું. તેમનું માનવું હતું કે બીબીસી તેના અભિપ્રાયો ભયભીત બનીને રજૂ કરે છે, જે યોગ્ય નથી. વળી એથી બીબીસીનો ગ્રાફ નીચો ઊતરે છે અને કર્મચારીઓ પણ હતોત્સાહ થાય છે. આવા પ્રામાણિક મતભેદો તેમને બીબીસી દૂર લઈ ગયા અને તેને પરિણામે તેમણે બીબીસીથી છોડવાનું પસંદ કર્યું.

1994થી તેમણે ફ્રીલાન્સ પત્રકાર બનવા સાથે બ્રૉડકાસ્ટર બનવાનું પસંદ કર્યું. આમ છતાં તેમણે બીબીસી સાથેના સંબંધો યથાવત્ રાખ્યા હતા. આથી ‘સમથિંગ અન્ડરસ્ટુડ’ નામનો કાર્યક્રમ તેઓ બીબીસીમાં નિયમિત રજૂ કરતા. 2019માં આ કાર્યક્રમ બીબીસીએ સમાપ્ત થયેલો ઘોષિત કર્યો ત્યાં સુધી તેઓ દર સપ્તાહે તેની રજૂઆત કરતા રહ્યા હતા.

ભારત વિશે તેમના નિજી ખ્યાલો હતા. તેમણે જણાવેલું કે સુદીર્ઘ સંસ્કૃતિ ધરાવતો આ દેશ ધાર્મિક બહુત્વવાદનો દેશ છે. ઐતિહાસિક રીતે વિશ્વના મુખ્ય મુખ્ય  ધર્મોનું એ પિયર છે. તેમના મતે આ દેશે (ભારતે) જ આપણને શીખવ્યું છે કે ‘ઈશ્વરની નજીક પહોંચવાના વિવિધ માર્ગો’ હોય છે. ભારતમાંના સુદીર્ઘ વસવાટને કારણે તેઓ અંગ્રેજી અને હિંદી – એમ બંને ભાષાઓ પર સરસ પકડ ધરાવતા. આ કારણથી સાહિત્યિક કાર્યક્રમોમાં પણ તેઓ વક્તા તરીકે માનભેર આમંત્રિત થતા.

એક વિવાદાસ્પદ બાબતની પણ અહીં નોંધ લઈએ. ‘હિંદુત્વ, સેક્સ ઍન્ડ ઍડ્વેન્ચર’ નામની એક નવલકથા અંગ્રેજી ભાષામાં ‘રોલી બુક્સ’ દ્વારા પ્રકાશિત થયેલી. જેના લેખકનું નામ પ્રકાશકે પ્રકટ કર્યું નહોતું. આ નવલકથા ઘણા અંશે માર્ક ટુલીના જીવનકથાના અંશો અને તેમની કારકિર્દી પ્રકટ કરે છે, તેમજ નવલકથાનું મુખ્ય પાત્ર પણ ‘માર્ક’ નામધારી છે. માર્ક ટુલીએ આ નવલકથા વાંચી ત્યારે તેમણે તેને ઘણી અસંગત અને અયોગ્ય માહિતીભરી નવલકથા ગણાવી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ‘રોલી બુક્સ’ જેવા પ્રકાશકે આવું દુઃસાહસ કેમ કર્યું હશે, ભલા !! બ્રિટનમાં ‘ચાઇલ્ડ ઇન નીડ’ નામની બાળકો માટેની એક સંસ્થા કામ કરે છે. આ સંસ્થાની ભારત ખાતેની શાખાના પેટ્રન તરીકે પણ તેઓ કામ કરતા. 1992માં તેમને ભારત સરકારે પદ્મશ્રી ઘોષિત કર્યા હતા. તેમજ 2005માં તેઓ પદ્મભૂષણથી સન્માનિત થયા હતા. 2002માં તેમને બ્રિટિશ સરકારે ‘નાઇટ’ના સન્માનથી પણ સુશોભિત કર્યા હતા.

1960માં તેમણે માર્ગારેટ સાથે લગ્ન કર્યાં, જેમની સાથે તેમણે લાંબાં વર્ષો સુધી સહજીવન માણ્યું હતું. આ સહજીવનના પરિણામ રૂપે તેઓ ચાર બાળકોનાં માતાપિતા હતાં અને 1960માં અધિકૃત લગ્ન ઘોષિત કરેલાં. કાયમી નિવાસ તરીકે તેમણે નવી દિલ્હી પર પસંદગીની મહોર મારી હતી. અલબત્ત જીવનનાં છેલ્લાં થોડાંક વર્ષો તેમણે તેમની મહિલામિત્ર ગિલીયન રાઈટ સાથે પસાર કર્યાં હતાં. સતીશ જેકબ તેમના પત્રકારત્વના સાથી હતા જેમની સાથે છેલ્લાં વર્ષો ગાઢ મિત્રતામાં પરિણમેલાં. જીવનના અંત સુધી આ મિત્રએ તેમનો સાથ નિભાવ્યો હતો. તેમની સાથે તેમણે બેએક પુસ્તકો લખવાનું પણ પસંદ કર્યું હતું.

‘અમ્રીતસર : મિસિસ ગાંધી’સ લાસ્ટ બેટલ’ (1985) આ તેમનું ભારત પરનું પ્રથમ પુસ્તક હતું. જેમાં તેમના સાથી અને ગાઢ મિત્ર સતીશ જેકબ સહલેખક હતા. ઑપરેશન બ્લૂ સ્ટારની ઘટનાઓને આવરી લેતું આ પુસ્તક તે ઘટના અંગેનું તેમનું દૃષ્ટિબિંદુ વ્યક્ત કરે છે. ‘નો ફુલ સ્ટોપ ઇન ઇન્ડિયા’ એ પત્રકારત્વના નિબંધો અંગેનું તેમનું પુસ્તક છે જે 1988માં પ્રકાશિત થયું હતું. આ ઉપરાંત પણ બીજાં પુસ્તકો તેમણે લખ્યાં હતાં, જેમાં તેમનું છેલ્લું પુસ્તક ‘અપકન્ટરી ટેલ્સ : વન્સ અપોન એ ટાઇમ ઇન ધ હાર્ટ ઑવ્ ઇન્ડિયા (2017)’ની પણ નોંધ લેવી જોઈએ.

રક્ષા મ. વ્યાસ