ઍક્ટિનોમાયકોસિસ : Actinomycosis israelli અને A. bovis નામના જીવાણુઓથી મનુષ્ય તથા અન્ય પ્રાણીઓને થતા રોગો. આ જીવાણુઓના ગ્રામ ધન, દંડાણુ અથવા શાખાયુક્ત ઉચ્ચ જીવાણુઓ એમ પ્રકારો છે. તે મનુષ્યો તથા અન્ય પુખ્ત પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે અને પેશીજળમાં સલ્ફરયુક્ત કણોનું ઉત્પાદન કરે છે. 50 % દરદીઓમાં તેનો ચેપ ઉદર અથવા છાતીની ગુહામાં થાય છે. તે મોંની ચામડી ભેદીને અંદર જઈ શકે છે અને ઊંડો વ્રણ વિકસાવે છે, જે વહેવા માંડે છે. A. bovis ચહેરા ઉપર અને માથા ઉપર પરુ ભરેલાં ગૂમડાં ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારનાં 20થી 60 વર્ષની ઉંમરનાંને આ રોગ થાય છે. ચોપગાં પ્રાણીઓમાં તે જડબાંનો સોજો અને ગાંઠો ઉત્પન્ન કરે છે.
ઉમા દેસાઈ