મોહમ્મદ રફી (જ. 14 ડિસેમ્બર 1924, કોટલા સુલતાન સિંહ, પંજાબ; અ. 31 જુલાઈ 1980, મુંબઈ) : મખમલી અવાજના બાદશાહ

હજુ 2024મા જ જેમની જન્મશતાબ્દી ઉજવાઈ તે મોહમ્મદ રફી ,  અલ્લા રખી અને હાજી અલી મોહમ્મદનું છઠ્ઠું સંતાન હતા.નાનપણમાં ખૂબ દૂબળા પાતળા હોવાને કારણે તેમનાં દાદી તેમને ‘ફીકો’ કહીને બોલાવતા અને પછી તો ઘરના સૌ કોઈ એ જ નામથી બોલાવતા. તે સમયે તેમના ગામની ગલીમાં એક ફકીર ચીપિયો ખખડાવતા નીકળતા અને અલગ અલગ ગીતો ગાતા.  એ અવાજની કશિશ હોય કે સંગીત પ્રત્યેનો પ્રેમ-રફી એમની પાછળ ખેંચાતા . શરૂઆતમાં તેમનાં માતાને તેમનું આ ખેંચાણ સમજાતું નહીં એટલે તે રફીને મારી બેસતાં. એક દિવસ જ્યારે મૌલવીસાહેબે તેમને સમજાવ્યા કે તેમનો દીકરો મોટો થઇને સંગીતની ઇબાદત કરશે, તમે નિશ્ચિંત રહો ત્યાર પછી તે માન્યા. તેમના પિતા 1935માં લાહોર સ્થાયી થયા, એ પછી રફીસાહેબે ઉસ્તાદ અબ્દુલ વહીદ ખાન, પંડિત જીવન લાલ મટ્ટુ અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી.

મોહમ્મદ રફી

રફીસાહેબનો સંગીત પ્રત્યેનો પ્રેમ અબ્દુલ હમીદે પારખી લીધો હતો. 13 વર્ષની ઉંમરે તેમણે પહેલી વાર શ્રી કે. એલ. સાયગલનાં ગીતોને જાહેર કાર્યક્રમમાં હૂબહૂ રજૂ કર્યાં ત્યારે ખુદ સાયગલસાહેબ પણ આફરીન થઈ ગયા હતા. શ્રી શ્યામ સુંદરના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલ ‘ગુલ બલોચ‘ (1944) નામની પંજાબી ફિલ્મમાં તેમને ગીત ગાવાની તક મળી. 1944માં તેમને ઑલ ઇન્ડિયા રેડિયો, લાહોર દ્વારા ગાવાનું આમંત્રણ મળ્યું હતું, પણ અબ્દુલ હમીદે રફીસાહેબના   પરિવારને મનાવ્યો અને તેમને મુંબઈ લઈ આવ્યા.

મુંબઈમાં શરૂઆત ખૂબ સંઘર્ષપૂર્ણ રહી. ભીંડી બજારની 10|10 ની ઓરડીમાં તેઓ રહ્યા. કવિ શ્રી તનવીર નકવી એ તેમની ઓળખાણ મેહબૂબ ખાન , અબ્દુર રશીદ કરદાર , નઝીર વગેરે સાથે કરાવી. ‘અજી દિલ હો કાબૂ મેતો દિલદાર કી ઐસી તૈસી‘ (ફિલ્મ – ગાંવ કી ગોરી) રફીસાહેબનું પહેલું ગીત હતું જે હિંદી ફિલ્મ માટે તેમણે ગાયું.નૌશાદસાહેબ સાથે કોરસમા ગાવા નું કામ કરતા કરતા તે શ્રી નૌશાદના મુખ્ય ગાયક બની ગયા હતા.

રફીસાહેબે 1945માં અભિનેતા તરીકે ‘લૈલા મજનૂ’ અને 1947માં ‘જુગ્નુ’ ફિલ્મમાં નસીબ અજમાવ્યું, બંને ફિલ્મો સફળ રહી, પરંતુ તે પછી તેમણે જાતે જ નક્કી કર્યું કે તેમને અભિનય કરતાં ગાયકીમાં જ આનંદ આવશે.

તે કોઈ પણ અભિનેતાના વ્યક્તિત્વને મેળ ખાય તેવી રીતે અવાજને ઢાળવામાં કાબેલ હતા. ભાગલા થયા બાદ તેમણે ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. 1948માં ગાંધીજીના નિર્વાણ પછી રાતોરાત હુસ્નલાલ ભગતરામ, રાજેન્દ્ર કૃષ્ણ અને રફીની ત્રિપુટીએ ‘સુનો દુનિયા વાલો, બાપુજી કી કહાની’ ગીત રચેલું.

તે સમયે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એ તેમને પોતાના ઘરે આ જ ગીત ગાવાનું આમંત્રણ આપ્યું હતું અને  શ્રી નેહરુના હસ્તે જ સ્વતંત્રતાદિન પર તેમને રજતચંદ્રક  આપવામાં આવ્યો હતો.

1949માં  તેમણે નૌશાદ ઉપરાંત, શ્યામ સુંદર, હુસ્નલાલ ભગતરામ વગેરે માટે ગીતો ગાયાં. 1950થી 1960ના ગાળામાં ઓ. પી. નૈયર, શંકર જયકિશન, રોશન, એસ. ડી. બર્મન સાથે જોડાયેલા. રફીની ગાયકીમાં શ્રી જી. એમ. દુરાનીનો પણ પ્રભાવ હતો. ફિલ્મ ‘બેકસૂર’ (1950)મા તેમણે શ્રી દુરાની સાથે ગીતો ગાયાં.

સૌથી વધુ ગીતો ( લગભગ 369) તેમણે લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ગાયાં, જેમાંથી 186 સોલો હતાં. સાથી ગાયક તરીકે મન્ના ડે અને સાથી ગાયિકા તરીકે આશા ભોંસલે સાથે તેમણે અગણિત ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શાસ્ત્રીય સંગીત, દેશભક્તિ ગીત, દર્દભયાઁ ગીતો, પ્રેમભર્યા ગીતો, કવ્વાલી, ભજન, ગઝલો એમ થઇને રફીસાહેબે તેમની કારકિર્દીમાં પચીસ હજાર કરતાં પણ વધારે હિન્દી ગીતો ગાયાં.

હિન્દી સિવાય અન્ય 19 ભાષામાં ગાનાર આ કલાકારનો HMVવાળાં દર્દભયાઁ ગીતો માટે જ્યારે ગંભીર ફોટો શોધતા હતા ત્યારે આખી લાઇબ્રેરીમાં ક્યાંય  તેમનો ઉદાસ ફોટો ન મળતાં હસતા ચહેરા સાથેની તેમની કૅસેટ બહાર પાડેલ.

તેમનાં સદાબહાર ગીતો એટલે ‘લીખે જો ખત તુઝે’ (કન્યાદાન), ‘આજ મૌસમ બડા’ (લોફર), ‘આજકલ તેરે મેરે પ્યારકે’ (બ્રહ્મચારી) ‘ તુમ બિન જાઉં કહાં’  (પ્યાર કા મૌસમ) વગેરે..

‘સુકૂ સુકૂ’ (જંગલી) આ ગીત ભારતમાં જ નહિ, પણ વેસ્ટ ઇન્ડીઝમાં પણ એટલું પ્રખ્યાત થયેલું કે તેઓ સુકૂ સુકૂમૅન તરીકે લોકપ્રિય થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે  ‘દિવસો જુદાઈના જાય છે’, ‘કહું છું જવાનીને પાછી વળી જા’, ‘મીઠડી નજરો વાગી’ જેવાં  અમર ગુજરાતી ગીતોને તેમનો અવાજ આપ્યો.

રફીની ગાયકીએ  કવિતા કૃષ્ણમૂર્તિ, શબ્બીર કુમાર, ઉદિત નારાયણ, સોનુ નિગમ જેવા અનેક ગાયકોને ખૂબ પ્રભાવિત કર્યા અને  તેમના પ્રેરણાસ્રોત બની રહ્યા.

2016માં ભારત સરકારે  ટપાલ ટિકિટ બહાર પાડેલ. તેમને 1967માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે ઉપરાંત 6 ફિલ્મફેર ઍવૉર્ડ, 1 નૅશનલ ઍવૉર્ડ  અને અન્ય અનેક ઍવૉર્ડ મળ્યા છે.

બિજલ બુટાલા