કનોડિયા મહેશ–નરેશ

March, 2026

કનોડિયા મહેશ–નરેશ (મહેશ – જ. 27 જાન્યુઆરી 1937, કનોડા, જિ. પાટણ; અ. 25 ઑક્ટોબર 2020, ગાંધીનગર) (નરેશ – જ. 20 ઑગસ્ટ 1943, કનોડા, જિ. પાટણ; અ. 27 ઑક્ટોબર 2020, અમદાવાદ) : સંગીતકારો, ગાયકો અને અભિનેતા.

મહેશ કનોડિયા-નરેશ કનોડિયા

મહેશ–નરેશ જાણીતા સંગીતકારો. સંગીતમાં રસ હોવાને કારણે એમણે પ્રારંભમાં મહેશકુમાર ઍન્ડ પાર્ટી નામના એક મ્યુઝિકલ ગ્રૂપનું ગઠન કરેલું અને આ ગ્રૂપ અલગ અલગ શહેરોમાં જઈને ફિલ્મી ગીતોના કાર્યક્રમો રજૂ કરતું. આ સમયે નરેશ કનોડિયા જોની જુનિયર તરીકે ઓળખાતો હતો. આ કાર્યક્રમોમાં મહેશકુમાર ડબલ અવાજમાં ગીતો રજૂ કરતા હતા. એટલે કે પુરુષના અને સ્ત્રીના એમ બંને અવાજમાં તેઓ રજૂઆત કરતા. અને એ સમયે આ રીતે ડબલ અવાજમાં પ્રસ્તુતિ કરનાર મહેશકુમાર એકમાત્ર ગાયક હતા. એમની કાર્યક્રમની રજૂઆતની શૈલી ખૂબ પ્રભાવક હોવાથી એમના કાર્યક્રમો સફળ રહેતા હતા. આવી રીતે કાર્યક્રમો આપવા માટે આ સૌપ્રથમ બેલડી હતી જેમણે વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપેલા.

કેટલાંય વર્ષો આવી રીતે કાર્યક્રમો કરીને પછી એમણે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવાનું શરૂ કરેલું. તથા નરેશ કનોડિયાએ સંગીતની સાથે સાથે અભિનય કરવાનું પણ શરૂ કરેલું. નરેશ કનોડિયા શમ્મી કપૂરના બહુ મોટા પ્રશંસક હતા અને એમના અભિનય પર એનો પ્રભાવ પણ જોવા મળે છે. આ જોડીના ફિલ્મ ગીત- સંગીતને ચાર વખત રાજ્યનો શ્રેષ્ઠ સંગીતનો ઍવૉર્ડ મળેલો છે. તથા મહેશકુમારને એક વખત વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો ઍવૉર્ડ મળેલો છે. આ બેલડીનું પ્રદાન ગુજરાતી સંગીતમાં મહત્ત્વનું રહ્યું છે. નરેશ કનોડિયાએ વ્યક્તિગત રીતે એક અભિનેતા તરીકે ગુજરાતી ઉપરાંત હિંદી અને રાજસ્થાની ફિલ્મોમાં પણ અભિનય કરેલો છે.

નરેશ કનોડિયાએ એકસો જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. આ ફિલ્મોની યાદીમાં ‘જોગસંજોગ’, ‘કંકુની કિંમત’, ‘લાજુ લખન’, ‘ઊંચી મેડીના ઊંચા મોલ’, ‘રાજ રાવન’, ‘મન સાયબાની મેડીએ’, ‘ઢોલા મારુ’, ‘મેરુ માલણ’, ‘માબાપને ભૂલશો નહીં’ અને ‘રાજવીર’ જેવી અત્યંત સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોની અભિનેત્રી તરીકે એ સમયની પ્રખ્યાત અભિનેત્રીઓ સ્નેહલતા, અરુણા ઈરાની અને રોમા માણેક સાથે કામ કરેલું છે.

નરેશ કનોડિયા પછીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા અને ગુજરાત ધારાસભાના સભ્ય પણ થયા હતા.

અભિજિત વ્યાસ