ભીમાણી, હરીશ

March, 2026

ભીમાણી, હરીશ  (જ. 15 ફેબ્રુઆરી 1956, મુંબઈ) :  જાણીતા વૉઇસ-ઓવર આર્ટિસ્ટ, લેખક અને ઍન્કર.

‘મૈં સમય હૂં’ ભારતીય પ્રસારણ ઇતિહાસમાં સૌથી વધુ જાણીતો અવાજ ..આ અવાજ એટલે જ હરીશ ભીમાણી. દૂરદર્શનના સુવર્ણકાળમાં, બી. આર. ચોપરાની ટેલિવિઝન શ્રેણી ‘મહાભારત’નો  દબદબો  આપણામાં ઘણાએ એ સમયે અને બાદમાં કોવિડ કાળમાં નવી પેઢીએ પણ અનુભવ્યો છે. આ શ્રેણીમાં પડદા પર  ન દેખાતું છતાં પણ સમગ્ર શ્રેણીમાં સૂત્રધાર તરીકે દર્શકોને  પ્રભાવિત કરતું પાત્ર એટલે “સમય”.  હરીશ ભીમાણીના પૂર્વજો રાજસ્થાનના જેસલમેરથી છે, જ્યાંથી તેમના પૂર્વજો ગુજરાતના માંડવી અને પછી કૉલકાતા ગયા. તેમણે ભદ્ર ન્યૂ હાઈસ્કૂલ, હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ, એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ, અને બાદમાં લક્ષ્મીનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી, નાગપુરમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને બૉમ્બે યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝમાંથી MBA કર્યું હતું

હરીશ ભીમાણી

આમ કૉર્પોરેટ વિશ્વને અનુરૂપ શિક્ષણ હોવા છતાં, તેમની  પ્રતિભાએ તેમને ભારતનો એક ‘આગવો અવાજ’ બનાવ્યા. હરીશ ભીમાણીએ બૉમ્બે ટીવી પર ન્યૂઝઍન્કર તરીકે પોતાની ટેલિવિઝનની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમને મહાભારત સિરિયલમાં સૂત્રધાર “સમય”  તરીકે અવાજ આપ્યો . તેમણે 22,000 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી જાહેરાતો અને ફીચર ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. હરીશ ભીમાણીએ લાલ કિલ્લો અને કોણાર્ક સૂર્યમંદિર જેવાં સ્થળોએ ઐતિહાસિક ધ્વનિ અને પ્રકાશ શોમાં પોતાનો અવાજ આપ્યો છે.

તેઓ એક સારા લેખક છે, ખાસ કરીને સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું જીવનચરિત્ર ‘ઇન સર્ચ ઑફ લતા મંગેશકર’ પણ તેમણે લખ્યું છે. આ ઉપરાંત ‘ખાનદાન’ ‘સુબહ’ ‘ઇન્કાર’, ‘સુકન્યા’ અને ‘ગ્રહણ’ જેવી વિવિધ ટીવીની ધારાવાહિક શ્રેણીઓ  પણ તેમણે લખી છે. તેમણે લંડનના રૉયલ આલ્બર્ટ હૉલ અને ન્યૂયૉર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન જેવાં સ્થળોએ અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે.

2015માં, હરીશ ભીમાણીને શ્રેષ્ઠ ‘નોન-ફીચર ફિલ્મ વૉઇસ ઓવર’ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  તાજેતરમાં, તેમને ભારતીય વૉઇસ આર્ટિસ્ટ્રીમાં તેમના આજીવન યોગદાન માટે ‘અમીન સાયાની મેમોરિયલ ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા.

ત્રિલોક સંઘાણી