પાણિયારું : પાણિયારું એટલે ઘરમાં પાણી ભરેલાં પાત્રોને વ્યવસ્થિત રાખવાની જગ્યા. પાણિયારાને પિતૃઓનું સ્થાન પણ ગણવામાં આવે છે. અહીં નાગપંચમીની પૂજા થાય છે અને શ્રાદ્ધના દિવસોમાં દીવો પ્રગટાવાય છે. પિતૃઓ તથા નાગદેવતા અર્ધ-દૈવી શક્તિ હોવાથી પાણિયારું એ અર્ધ-મંદિર, અર્ધ-પૂજાસ્થાનનું મહત્ત્વ ધારણ કરે છે. ઘણા પરિવારોમાં અહીં રોજ કંકુ વડે સ્વસ્તિક આલેખવામાં આવે છે. ભારતીય પરંપરામાં આમ પણ જળને દેવતા ગણવામાં આવે છે. ઘરમાં જ્યાં ભગવાનની મૂર્તિ કે ફોટા રાખી રોજ પૂજા-અર્ચન કરાતું હોય તેનાથી થોડીક જ ઓછી મહત્તા પાણિયારાની હોય છે. પૂજાના સ્થાનની જેમ પાણિયારાને પણ સ્વચ્છ રાખવામાં આવે છે જેથી ત્યાં વાતાવરણમાં પવિત્રતાનો ભાવ ઊભરી શકે. આમ પણ અહીં તંદુરસ્તી માટે સ્વચ્છતા જરૂરી હોય છે. ભારતમાં પાણીજન્ય રોગોનો પ્રસાર વધારે છે. આની સામેના રક્ષણ માટે પાણી સ્વચ્છ હોય તે જરૂરી છે અને આ સ્વચ્છતાના ભાગ રૂપે પાણી રાખવાનું સ્થાન પણ સ્વચ્છ હોય તે જરૂરી છે. આવી સ્વચ્છતાના આગ્રહ માટે જ પાણીના પાત્રમાંથી પ્યાલો નાખી સીધું પાણી નથી લેવાતું, પાણી લેવા માટે ડોયાની વ્યવસ્થા હોય છે. હવે પાણીનું પાત્ર જ નળવાળું આવે છે. પાણિયારે રખાયેલા પાત્રોની નિયમિત સફાઈ થતી હોય છે અને લગભગ દરરોજ નવું પાણી ભરાતું હોય છે.

સગવડતા માટે પાણિયારાનું સ્થાન સામાન્ય રીતે રસોડાથી નજીક રહેતું. આ સ્થાન પર રહેલો ભેજ, પરંપરાગત આવાસમાં તે ભાગમાં ઠંડક પ્રસારવાનું કામ પણ કરતો. પાણિયારાના સ્થાનમાં ક્યાંક એ પણ ધ્યાનમાં રાખવું પડે કે વધેલા પાણીની નિકાસ વ્યવસ્થિત થઈ શકે અને અનિચ્છનીય ગંદકી ઊભી ન થાય. પાણિયારું આશરે ત્રણ ફૂટની લંબાઈ, દોઢ ફૂટ જેટલી પહોળાઈ તેમજ અઢી ફૂટ જેટલી ઊંચાઈની એક પ્લૅટફૉર્મ સમાન રચના હોય છે. આ પ્રકારના માપને કારણે અહીં કુટુંબની જરૂરિયાત મુજબની સંખ્યામાં માટલાને મૂકી શકાય અને ઊભાં ઊભાં પાણી લઈ શકાય. માટલું મૂકવાં માટે ઉપરની સપાટી પર વર્તુળના ચાપના આકારનો ખાંચો બનાવાય છે અને તે જગ્યાને થોડી ઊંચી રખાય છે. આમ કરવાથી આજુબાજુ ઢોળાયેલું થોડુંક અસ્વચ્છ કે એઠું પાણી માટલાને ન અડે. અહીં નીચેની જગ્યામાં પાણીનાં ખાલી પાત્રો રખાય છે અને નજીકની દીવાલ ઉપર ડોયો ટીંગાડવા માટે ખીંટી પણ રખાય છે. અમુક સંજોગોમાં તેની આજુબાજુ લાકડાની કે પથ્થરની કોતરણી પણ કરાતી. આ રચના દીવાલને અડીને પણ હોય અથવા અલાયદી પણ હોય. પાણિયારાની રચનામાં સગવડતા ઉપરાંત ચોક્કસ પ્રકારનાં વિગતીકરણનું મહત્ત્વ રહ્યું છે. અહીં નાની-નાની કાંગરી અને પટ્ટા ઉપસાવવામાં આવે છે. પાણિયારું ક્યારેક દીવાલમાં ખાંચો બનાવીને પણ બનાવાતું.

સાંપ્રત સમયમાં વૉટર ફિલ્ટર, વૉટર કુલર કે ફ્રીઝે પાણિયારાનું સ્થાન લઈ લીધું છે. એક જમાનામાં જે માટીના વાસણમાં રખાતા પાણીમાંથી મીઠી સુગંધ આવતી હતી તે હવે પ્લાસ્ટિકની બૉટલમાં રખાયેલા પાણીમાંથી નથી મળતી. એક સમયે સાંસ્કૃતિક પરંપરાના નિભાવ માટે જરૂરી ગણાતું પાણિયારું લુપ્ત થતું જાય છે.

 

હેમંત વાળા