મૂર્તિ બચ્ચુ લચમિયાહ શ્રીનિવાસ (જ. 24 એપ્રિલ 1934) : જાણીતા સમાજસેવક.
1965થી સમાજસેવાનાં કાર્યોમાં સક્રિય રીતે જોડાયા. લાયન્સ નેત્ર હૉસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે મોતિયાના કારણે 70,000થી વધુ અંધ બનેલ વ્યક્તિઓને નવી દૃષ્ટિ આપી હતી. સાડા તેર લાખ વ્યક્તિઓની આંખોના નિઃશુલ્ક સ્ક્રીનિંગનું આયોજન કરવામાં, એક આંતરરાષ્ટ્રીય નેત્ર બૅન્ક સ્થાપિત કરવામાં તેમજ આધુનિક ઉપકરણોની વ્યવસ્થા કરવામાં મહત્ત્વની ભૂમિકા બજાવી છે. તેઓના માર્ગદર્શનમાં અશ્વિની મેડિકલ રિલીફ સેન્ટરમાં 9,75,000 ગરીબ દર્દીઓનો મફત ઇલાજ કરવામાં આવ્યો. તેઓ વિભિન્ન પદો પર કાર્ય કરી રહ્યા છે; જેવાં કે, મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑન્કોલૉજી ઍન્ડ ઇન્દિરા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ બોર્ડના સભ્ય, ચામરાજ પેટ ઍજ્યુકેશન સોસાયટી ઍન્ડ વસાવી યુનિયન ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ, કર્ણાટક સ્ટેટ ટી. બી. ઍસોસિયેશનના કોષાધ્યક્ષ, વસાવી વિદ્યા નિકેતનના અધ્યક્ષ તેમજ જીવનસંધ્યા ટ્રસ્ટના અધ્યક્ષ છે. કિડવઈ કૅન્સર ડ્રગ ફાઉન્ડેશનના કાર્યકારી અધ્યક્ષ પણ છે. આ સંસ્થાએ કૅન્સરના દર્દીઓને 35 લાખ રૂપિયાની દવાની મફત વહેંચણી કરી છે. કર્ણાટક આર્ય વૈશ્ય ચૅરિટેબલ ટ્રસ્ટ માટે ‘એજ્યુકેશનલ એન્ડોનમેન્ટ કૉર્પસ ફંડ’ના માટે 300 લાખ રૂપિયા એકત્ર કર્યા. આ રકમના વ્યાજનો ઉપયોગ ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને છાત્રવૃત્તિ આપવામાં કરવામાં આવે છે. રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું અને તેમાં તેઓએ 39 વાર રક્તદાન કર્યું હતું.
અનેક પરોપકારી કાર્યોને લીધે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં – સમાજસેવા અને પરોપકાર માટે વર્ષ 1971માં રાજ્ય પુરસ્કાર, વિકલાંગ લોકોની સેવાઓ માટે વર્ષ 2000માં કર્ણાટક સરકારનો રાજકીય પુરસ્કાર તેમજ 100% જિલ્લા ગવર્નર પુરસ્કાર, લાયન્સ ક્લબના અધ્યક્ષના બે આંતરરાષ્ટ્રીય પુરસ્કારનો સમાવેશ થાય છે તથા ‘ધર્મકાર્યનિરથ’, ‘ધર્મભૂષણ’, ‘વૈશ્ય ત્યાગ ભૂષણ’ અને ‘સમાજસેવા વિભૂષણ’ જેવી ઉપાધિઓથી નવાજવામાં આવ્યા છે. ભારત સરકારે 2004માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.
કનુભાઈ શાહ
