પુરી, પ્રેમલતા (જ. 30 મે 1937) : જાણીતાં શિક્ષિકા અને કલાકાર. સાંસ્કૃતિક શિક્ષણના ક્ષેત્રમાં એમનું કાર્ય અગત્યનું રહ્યું છે.
એમણે સંગીત શિક્ષણ પદ્ધતિઓનો ઊંડો અભ્યાસ કર્યો તેમજ કેટલીક વ્યાખ્યાનમાળાઓનો અને સંગીત સમારંભોનું આયોજન કર્યું. તેઓએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ભારતી કલા સંબંધી અનેક લેખ લખ્યા છે. તેમજ યુવા પેઢીમાં કલા અને સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ન્યૂયૉર્ક, શિકાગો, યુ.એસ.એ.ના શિક્ષક – શિક્ષણ વિભાગના વરિષ્ઠ ફૅકલ્ટીને સાંસ્કૃતિક અધ્યયન ક્ષેત્રના પ્રશિક્ષણ કાર્યક્રમ તૈયાર કરવામાં એમનો ખૂબ સહયોગ રહ્યો છે, તેમજ ભારત અને વિદેશોમાં આ ક્ષેત્રમાં કાર્યરત કેટલીક અન્ય બિનસરકારી સંસ્થાઓને પણ સહયોગ પૂરો પાડ્યો છે. અનેક સંગઠનોમાં શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે પરામર્શક તથા સલાહકાર રહેલાં. એમણે ‘સજીવ પરંપરાઓ’નું સંવર્ધન કરવાનું કાર્ય કર્યું છે, તેમજ સમાજના નબળા વર્ગોના યુવાનોના સશક્તીકરણ માટે શિક્ષણ તથા આર્થિક સહાયતા પણ આપે છે. સંસ્કૃતિ તથા સામાજિક વિકાસના ક્ષેત્રે એમણે કરેલા યોગદાનની આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા કરવામાં આવી છે. યુનેસ્કો તથા કેટલાક દેશોનાં સંગઠનો દ્વારા આયોજિત થયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેઠકો તથા કાર્યશાળાઓમાં વિશેષજ્ઞ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે.
1999માં ‘વીસમી સદી ઉપલબ્ધિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. ઇન્ટરનેશનલ બાયૉગ્રાફિકલ સેન્ટર, કેમ્બ્રિજ, યુ.કે. દ્વારા વર્ષ 2000માં સહસ્રાબ્ધિ આંતરરાષ્ટ્રીય મહિલા પુરસ્કારથી સન્માનિત કરાયાં છે. તેમજ ભારત સરકારે તેમને 2004માં પદ્મશ્રીથી સન્માનિત કર્યાં છે.
કનુભાઈ શાહ
