પાહવા, ઓમકાર સિંહ (જ. 10 ઑગસ્ટ 1952) : એવોન સાઇકલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અને એક સફળ ઉદ્યોગપતિ. ભારતના સાઇકલ-ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવનાર પાહવાને 2025માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.

તેમનો જન્મ એવોન સાઇકલની સ્થાપના કરનારા પરિવારમાં થયો હતો. 1973માં તેમણે લુધિયાણાની સરકારી કૉલેજમાંથી બેચરલ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી. શરૂઆતથી જ તેમનામાં નવા વિચારો, બજારની ગતિશીલતાની ઊંડી સમજ હતી. સાઇકલ-ઉદ્યોગને આગળ ધપાવવા માટે તેઓ કટિબદ્ધ અને સજ્જ હતા.

ઓમકારસિંહ પાહવા

છેલ્લા પાંચ દાયકામાં પાહવાના નેતૃત્વ હેઠળ એવોન સાઇકલ કંપનીએ વૈશ્વિક સ્તરે વિસ્તાર કરેલ છે. બહોળા ઉત્પાદનની સાથે વૈવિધ્યપૂર્ણ સાઇકલો ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુલભ બનાવવામાં પાહવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પાહવાએ પર્યાવરણને અનુકૂળ સ્વસ્થ પરિવહન માધ્યમ તરીકે સાઇકલના ઉપયોગની હિમાયત કરી છે. આરોગ્ય સુખાકારીનાં સાધનો રૂપે ફિટનેસ સાઇકલો, ઇલેક્ટ્રૉનિક સાઇકલો, ઈ-રિક્ષાની સાથે સસ્તી સાઇકલ પણ તેમના પ્રયત્નો દ્વારા સુલભ બની છે.

આધુનિક ડિઝાઇન અને તકનીકનો ઉપયોગ કરનારા પાહવાએ ઑલ ઇન્ડિયા સાઇકલ મૅન્યુફૅક્ચર્સ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે તથા વિવિધ કંપનીઓમાં ડિરેક્ટરશિપની પ્રભાવશાળી ભૂમિકા ભજવી છે. પાહવા સમુદાય જનસેવા માટે પણ સમર્પિત છે. કૌશલ્યાદેવી પાહવા ટ્રસ્ટ દ્વારા તેઓ આરોગ્ય અને શિક્ષણમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.

પાહવાએ તેમના યોગદાન બદલ અનેક પુરસ્કારો જીત્યા છે. 2022માં તેમને ‘પંજાબઉદ્યોગરત્ન’, 2023માં ‘સત પોલ મિત્તલ જીવનરક્ષક’ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળેલ છે. પદ્મશ્રી સ્વીકારતી વખતે માતાપિતાને યાદ કરી આ સન્માન તેમણે શીખવેલી તાલીમ અને મૂલ્યોના કારણે છે તેમ પાહવાએ વ્યક્ત કર્યું હતું.

હિના શુક્લ