ત્રિપાઠી, એસ. એન.

January, 2026

ત્રિપાઠી, એસ. એન. (જ. 14 માર્ચ 1913, કાશી, ઉત્તરપ્રદેશ; અ. 28 માર્ચ 1988, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રખ્યાત સંગીતકાર, લેખક, અભિનેતા, ફિલ્મનિર્માતા તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિત્વ.

એસ. એન. ત્રિપાઠી

ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ જે દિવસે રજૂ થઈ હતી, તે દિવસે બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ શ્રીનાથ ત્રિપાઠી, દાદા પંડિત ગણેશદત્ત ત્રિપાઠી અને પિતા શ્રી પંડિત દામોદરદત્તના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા. બી.એસસી.નો અભ્યાસ અલાહાબાદથી પૂરો કર્યા પછી લખનઉની વી. એન. ભાતખંડેની મોરીસ સંગીત કૉલેજમાંથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. મેનાદેવી પાસેથી લોકસંગીત અને હળવું શાસ્ત્રીય સંગીત શીખ્યા. તેમણે મોરીસ સંગીત કૉલેજની ‘સંગીત વિશારદ’ અને પ્રયાગ સંગીત સમિતિની ‘સંગીત પ્રવીણ’ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1935માં તેઓ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝમાં સંગીતકાર સરસ્વતીદેવીના સહાયક વાયોલિનવાદક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 1936માં ફિલ્મ ‘જીવનનૈયા’માં ગાયક તરીકે શ્રી ત્રિપાઠીને પ્રથમ તક મળી અને તેઓએ ‘એરી દૈયા લચક લચક મોહન’ ગીત ગાયું. આ ગીતની ધૂન પણ તેમણે જ બનાવેલી અને અભિનય પણ તેમણે જ કર્યો. ‘અછૂત કન્યા’ના યાદગાર ગીત ‘મૈં બન કી ચીડિયા બન કે બનબન બોલું રે’નું રિહર્સલ તેમણે અશોકકુમાર દેવિકારાણી પાસે મહિના સુધી કરાવેલું, જે યાદગાર બની રહ્યું. 1939માં સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ ‘ચંદન’નું કામ સ્વીકાર્યું. પ્રથમ ગીત ‘નન્હા સા દિલ દેતી હૂં’ રાજકુમારી સાથે યુગલગીત તરીકે ગાયેલું. સંગીતકાર તરીકેની તેમની ફિલ્મ ‘પનઘટ’નાં ગીતો ખૂબ લોકપ્રિયતા પામ્યાં. અભિનયના શોખે તેમને  હોમી વાડિયાનિર્મિત ફિલ્મ ‘શ્રી રામ ભક્ત હનુમાન’માં હનુમાનનું પાત્ર ભજવવા પ્રેર્યા. એ પછી તેમણે તેમનું ધ્યાન સંગીતકાર તરીકેની કારકિર્દી પર જ કેન્દ્રિત કર્યું. ‘ઉત્તરા અભિમન્યુ’ (1946), ‘જનમ જનમ કે ફેરે’ (1951), ‘રાની રૂપમતી’ (1959), ‘કવિ કાલિદાસ’ (1959), ‘સંગીતસમ્રાટ તાનસેન’ (1962) વગેરેમાં કર્ણપ્રિય સંગીત આપ્યું. માનસરોવર(1946)માં ‘જયહિંદ’ના નારાનો ઉપયોગ કરનાર તે પ્રથમ સંગીતકાર હતા. સંગીતકાર ચિત્રગુપ્તે તેમના સહાયક સંગીતકાર તરીકે લગભગ પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું. ‘સંગીતસમ્રાટ તાનસેન’ ફિલ્મનું ‘ઝૂમતી ચલી હવા…’ અને રાની રૂપમતીનું ‘આ લૌટ કે આ જા મેરે મીત’ ગીતો તો અમર થઈ ગયાં. ‘લાલ કિલ્લા’માં બે પ્રખ્યાત ગીતો ‘ન કિસીકી આંખ કા નૂર હૂં’ અને ‘લગતા નહીં હૈ દિલ મેરા’માં પાર્શ્વસંગીતમાં માત્ર હાર્મોનિયમના કોમળ સ્વર સંભળાય છે, જે બહાદુરશાહ ઝફરના અંતિમ દિવસોની વેદના પ્રગટ કરે છે. ‘જય ચિતોડ’(1961)નું લતાજીના અવાજમાં ગવાયેલું ‘ઓ પવન વેગ સે ઉડનેવાલે ઘોડે’ ગીત ખૂબ લોકપ્રિય થયું.

ત્રિપાઠીએ 52 વર્ષની ફિલ્મયાત્રામાં 110 ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં સાત ભોજપુરી  ફિલ્મો હતી. 20 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ ફિલ્મસર્જક તરીકે તેમણે ખૂબ નામના પ્રાપ્ત કરી. ‘નાગચંપા’ (1976) ફિલ્મદિગ્દર્શક તરીકેની તેમની અંતિમ ફિલ્મ રહી. અત્રે નોંધનીય છે કે તેમણે અવધી ફિલ્મ ‘ગોસ્વામી તુલસીદાસ’ (1964) અને ગુજરાતી ફિલ્મ ‘સંપૂર્ણ તીર્થયાત્રા’(1983)માં પણ સંગીત આપ્યું હતું. લોકોની પ્રશંસા મળે કે ન મળે, ત્રિપાઠીએ એક કલાકારને છાજે એમ અવિરત અદભુત સંગીત પીરસ્યું. તેમના સંગીતમાં વહેતી તાકાતની સરવાણી, લયનું વૈવિધ્ય શ્રોતાઓનાં દિલને ડોલવા મજબૂર કરી દેતાં.

બીજલ બુટાલા